________________
દસમી છત્રીસી
હવે દસમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - દસ પ્રકારની સામાચારી અને દસ ચિત્તસમાધિસ્થાનોમાં લીન મનવાળા અને સોળ કષાયોનો ત્યાગ કરનારા - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૧૦)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - સારુ આચરણ તે સમાચાર, એટલે કે સજ્જનોએ આચરેલ ક્રિયાઓનો સમૂહ. સમાચાર એ જ સામાચારી. તે દશ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ આવશ્યકી, ૨ નૈષધિકી, ૩ આપ્રચ્છના, ૪ પ્રતિપ્રચ્છના, પ છંદના, ૬ ઇચ્છાકાર, ૭ મિથ્યાકાર, ૮ તથાકાર, ૯ અભ્યુત્થાન અને ૧૦ ઉપસંપદા. ઉત્તરાધ્યયનસૂત્રના છવ્વીશમા અધ્યયનમાં અને તેની મહો. ભાવવિજયજી કૃત ટીકામાં કહ્યું છે –
‘જેને આચરીને સાધુઓ સંસારસાગરને તર્યા, તરે છે અને તરશે તે બધા દુઃખોમાંથી છોડાવનારી એવી સાધુઓએ કરવા યોગ્ય સામાચારી કહીશ. (૧)
જે પ્રમાણે પ્રતિજ્ઞા કરી તે પ્રમાણે કહે છે –
દીક્ષા લીધી ત્યારથી માંડીને આશાતના થવાની શંકાથી કારણ વિના ગુરુના અવગ્રહમાં ન રહેવું, પણ તેમાંથી નીકળી જવું. આવશ્યકી (આવસહી) વિના નીકળવાનું ન થાય. તેથી પહેલી આવશ્યકી સામાચારી કહી. નીકળીને પોતાને રહેવાના સ્થાને ગમન વગેરેના નિષેધરૂપ નૈષેધિકી (નિસીહી) કરવાની હોય છે. માટે આવશ્યકી પછી બીજી નૈષેધિકી સામાચારી કહી. સ્થાનમાં રહેલા સાધુએ ભિક્ષાચર્યા વગેરે કાર્ય આવે ત્યારે ગુરુદેવને પૂછીને જ જવાનું હોય છે. તેથી નૈષધિકી પછી ત્રીજી આપ્રચ્છના સામાચારી કહી. આપ્રચ્છના કરે છતે ગુરુએ કહ્યું હોવા છતાં પણ કાર્ય કરતી વખતે ફરી ગુરુને પૂછવું જ જોઈએ. તેથી આપ્રચ્છના પછી ચોથી પ્રતિપ્રચ્છના સામાચારી કહી. ભિક્ષાચર્યા કરીને એકલાએ વાપરવું નહીં, પણ બાકીના સાધુઓને વાપરવાનું નિમંત્રણ આપવારૂપ છંદના ક૨વી જોઈએ. તેથી પ્રતિપ્રચ્છના પછી પાંચમી છંદના સામાચારી કહી. તેમાં પણ ઇચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ. તેથી છંદના પછી ઇચ્છાકારસામાચારી કહી. આમ