________________
૫૦૪
સોળ પ્રકારના કષાયો લાકડું, હાડકું, શિલાના થાંભલા જેવો ચાર પ્રકારનો માન છે. ગાથામાં “નિ’ શબ્દ અને સદશ' શબ્દ “ગત' વગેરે દરેકને લગાડવા. તેથી પાણીમાં રેખા જેવો સંજ્વલન ક્રોધ છે. જેમ લાકડી વગેરે વડે પાણીમાં કરાતી રેખા તરત જ પૂરાઈ જાય છે તેમ કોઈક રીતે ઉદયમાં આવેલો પણ જે તરત જ પાછો ફરે છે તે સંજ્વલન ક્રોધ કહેવાય છે. ૧. રેતીમાં રેખા જેવો પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ છે. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ સંજવલન ક્રોધની અપેક્ષાએ તીવ્ર હોવાથી રેતીમાં કરેલી રેખાની જેમ લાંબા કાળે પાછો ફરે છે. ૨. પૃથ્વીમાં ફાટ જેવો અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ છે. જેમ ફાટેલી પૃથ્વીની કચરા વગેરેથી પૂરાયેલી ફાટ મુશ્કેલીથી દૂર થાય છે એમ આ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ પણ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધની અપેક્ષાએ મુશ્કેલીથી પાછો ફરે છે. ૩. ફાટેલ પર્વતની ફાટ જેવો અનંતાનુબંધી ક્રોધ છે. તે કોઈ પણ રીતે નિવારી શકાતો નથી. ૪. ચાર પ્રકારનો ક્રોધ કહ્યો.
હવે માન કહેવાય છે - ત્યાં નેતરની લતા જેવો સંજવલન માન છે. જેમ નેતરની લતા સુખેથી નમે છે એમ જે માનના ઉદયમાં જીવ પોતાનો આગ્રહ મૂકી સુખેથી નમે છે તે સંજવલન માન ૧. જેમ કોઈક અક્કડ લાકડું અગ્નિ, ભિનાશ વગેરે ઘણા ઉપાયો વડે મુશ્કેલીથી નમે છે, એમ જે માનના ઉદયમાં જીવ પણ મુશ્કેલીથી નમે છે તે લાકડા જેવો પ્રત્યાખ્યાનાવરણ માન છે. ૨. જેમ હાડકુ ઘણા બધા ઉપાયો વડે અતિશય ઘણી મુશ્કેલીથી નમે છે, એમ જે માનના ઉદયમાં જીવ પણ અતિશય ઘણી મુશ્કેલીથી નમે છે તે હાડકા જેવો અપ્રત્યાખ્યાનાવરણ માન છે. ૩. શિલામાંથી ઘડાયેલ થાંભલા જેવો અનંતાનુબંધી માન છે, તે કોઈ પણ રીતે નમતો નથી. (૧૯)
ચાર પ્રકારનો માન કહ્યો. હવે માયા અને લોભની વ્યાખ્યા કરતા કહે છે -
માયા અવલેખિકા (વાંકી છાલ), ગોમૂત્રિકા, બકરાનું સીંગડું અને ગાઢ વાંસના મૂળ જેવી છે. લોભ હળદર, ખંજન, કાદવ અને કૃમિના રંગ જેવો છે. જેમ છોલાતા એવા ધનુષ્ય વગેરેની વાંકી છાલરૂપ અવલેખિકા કોમળ હોવાથી સુખેથી સીધી કરાય છે એમ જેના ઉદયમાં હૃદયમાં ઉત્પન્ન થયેલી પણ કુટિલતા સુખેથી પાછી ફરે છે તે સંજ્વલન માયા. ૧. રસ્તે જતા બળદની વાંકી રીતે પડતી મૂત્રની ધારા તે ગોમૂત્રિકા કહેવાય છે. જેમ પવન વગેરેથી સુકાયેલી એ થોડી મુશ્કેલી દૂર થાય છે તેમ જેનાથી ઉત્પન્ન થયેલી કુટિલતા મુશ્કેલીથી જાય છે તે ગોમૂત્રિકા જેવી પ્રત્યાખ્યાનાવરણ માયા. ૨. એ જ પ્રમાણે બકરાના સીંગડા જેવી અપ્રત્યાખાનાવરણ માયામાં પણ ભાવના કરવી. ફરક એટલો કે આ માયા વધુ મુશ્કેલીથી જાય છે. ૩. ગાઢ વાંસના મૂળ જેવી અનંતાનુબંધી માયા છે. જેમ ગાઢ વાંસના મૂળની કુટિલતા અગ્નિથી પણ બળતી નથી, એમ જેનાથી પેદા થયેલી મનની કુટિલતા કોઈ પણ રીતે જતી નથી તે અનંતાનુબંધી માયા. ૪.