________________
૫૨૬
દસ પ્રકારના શોધિદોષો (૧) આવર્જીને – કહ્યું છે કે, “મને શી રીતે થોડું પ્રાયશ્ચિત્ત આપે એમ વિચારીને પહેલા વૈયાવચ્ચ વગેરેથી આચાર્યને આવર્જીને આલોચના કરે તે આલોચનાનો દોષ છે.
(૨) અનુમાન કરીને - “શું આ ઉગ્ર દંડ આપે છે કે હલકો દંડ આપે છે?” એમ જાણીને આલોચના કરે તે આલોચનાનો દોષ છે. એનો મનનો ભાવ એવો હોય કે, “જો હલકો દંડ આપતા હશે તો આલોચના આપીશ, નહીંતર નહીં.” કહ્યું છે કે, “શું આ ઉગ્રદંડ આપે છે કે હલકો દંડ આપે છે ?' એમ જાણે. એમ જાણીને “મને થોડું પ્રાયશ્ચિત્ત મળે.” એવા ભાવથી બીજા પાસે આલોચના કરે તે આલોચનાનો દોષ છે.”
(૩) જે જોયું હોય - જે દોષોનો સમૂહ આચાર્ય વગેરેએ જોયો હોય તે દોષોની જ આલોચના કરે, બીજા દોષની નહીં, કેમકે તેને મોક્ષની અભિલાષા ન હોવાથી તે માત્ર આચાર્યને ખુશ કરવામાં તત્પર હોય છે. આ આલોચનાનો દોષ છે. કહ્યું છે કે “પ્રાયશ્ચિત્તના ભયથી કે, “આ આટલા જ દોષવાળો છે.” એમ જણાવવા માટે જે દોષો બીજાએ જોયા હોય તે દોષોની આલોચના કરે, બીજા નહીં તે આલોચનાનો દોષ છે.”
(૪) મોટા દોષો કહેવા - મોટા અતિચારોની જ આલોચના કરે, નાના અતિચારોની નહીં તે આલોચનાનો દોષ છે.
(૫) નાના દોષો કહેવા – “જે નાના અતિચારોની આલોચના કરે છે તે મોટા અતિચારોની આલોચના શા માટે ન કરે ?' આચાર્યને આવો ભાવ કરાવવા નાના અતિચારની જ આલોચના કરે તે આલોચનાનો દોષ છે. કહ્યું છે કે, “મોટા અપરાધોની આલોચના કરે, નાના અપરાધોની નહીં તે આલોચનાનો દોષ છે. અથવા “જે નાના દોષોની આલોચના કરે છે તે મોટા દોષોની આલોચના કેમ ન કરે ?' આચાર્યને આવો ભાવ કરાવવા નાના અપરાધોની જ આલોચના કરે તે આલોચનાનો દોષ છે.”
(૬) છૂપી રીતે – જેનાથી પોતે જ સાંભળે, આચાર્ય ન સાંભળે, તેમ છૂપી રીતે આલોચના કરે તે આલોચનાનો દોષ છે. કહ્યું છે કે, “છૂપી રીતે તેવી રીતે આલોચના કરે જેથી માત્ર પોતે સાંભળે તે આલોચનાનો દોષ છે.'
(૭) મોટા અવાજે – બીજા અગીતાર્થો પણ સાંભળે તે રીતે મોટા અવાજથી આલોચના કરે તે આલોચનાનો દોષ છે. કહ્યું છે કે, “જેમ અગીતાર્થો પણ જાણે તેમ શબ્દથી આલોચના કરે તે આલોચનાનો દોષ છે.”
(૮) ઘણા પાસે - જે આલોચનામાં ઘણા આલોચનાચાર્યો હોય એટલે કે એક પાસે આલોચના કરીને ફરી તે જ અપરાધોની બીજા પાસે આલોચના કરે તે આલોચનાનો દોષ
છે.