________________
૫૦૦
દસ પ્રકારના ચિતસમાધિસ્થાનો અને નપુંસકથી સંસક્ત એવા શયન અને આસન ન વાપરવા, ૨ સ્ત્રીઓને કથા ન કહેવી, ૩ સ્નિગ્ધ (વિગઈવાળુ) ભોજન ન કરવું, ૪ અતિમાત્રાવાળુ (ઘણું) ભોજન ન કરવું, પ પૂર્વે કરેલી ક્રીડાનું સ્મરણ ન કરવું, ૬ સ્ત્રીવાળા સ્થાનમાં ન રહેવું ૭ સ્ત્રીઓની ઇન્દ્રિયો ન જોવી, ૮ શબ્દ-રૂપ-ગંધને અનુસરવું નહીં, ૯ પ્રશંસાને અનુસરવું નહીં અને ૧૦ સાતા-સુખમાં આસક્ત ન થવું. પાક્ષિકસૂત્રની વૃત્તિમાં કહ્યું છે -
‘રાગ વગેરે વિનાના ચિત્તરૂપ સમાધિના સ્થાનો એટલે આશ્રયો તે સમાધિસ્થાનો. તે પણ દશ છે. તે આ પ્રમાણે –
(૧) સાધુ સ્ત્રીઓ, પશુઓ અને નપુંસકોથી યુક્ત એવા સંથારા, પાટ, સ્થાન વગેરેને ન સેવે. સ્ત્રીઓ એટલે દેવીઓ, નારીઓ અને તિર્યંચ સ્ત્રીઓ. તેમનાથી યુક્ત સ્થાનમાં અસમાધિ દોષ જણાયેલો જ છે. પશુઓ એટલે ગાય વગેરે. તેમનાથી યુક્ત સ્થાનમાં તેમના વડે કરાયેલ વિકારોને જોવાથી મનમાં વિકાર થાય. નપુંસકથી યુક્ત સ્થાનમાં દોષ સ્ત્રીથી યુક્ત સ્થાનની સમાન જણાયેલ જ છે.
(૨) સાધુએ એકલી સ્ત્રીઓને ધર્મની દેશના વગેરેના વાક્યોની રચનારૂપ કથા કે સ્ત્રીઓના પહેરવેશ વગેરેના વર્ણનરૂપ કથા ન કહેવી.
(૩) સાધુ જેમાંથી વિગઈના ટીપા ટપકતા હોય તેવો આહાર ન વાપરે.
(૪) સાધુ લુખા આહાર-પાણી પણ ‘અડધો ભાગ અશનથી' વગેરે પ્રમાણને ઓળંગીને ન વાપરે. ઉત્સર્ગથી ખાદિમ અને સ્વાદિમ સાધુ માટે વાપરવા અયોગ્ય હોવાથી અહીં આહાર-પાણી લીધા.
(૫) સાધુ ગૃહસ્થાવસ્થામાં અનુભવેલ સ્ત્રીઓના સંભોગને અને તેમની સાથે કરેલ જુગાર વગેરેની ક્રીડાને યાદ ન કરે.
(૬) સાધુ જ્યાં સ્ત્રી બેઠેલી હોય તે આસન પર બેસે નહીં એટલે કે સ્ત્રીઓની સાથે એક આસન પર ન બેસે અને સ્ત્રીઓ ઊઠી ગયા પછી પણ એક મુહૂર્ત સુધી ત્યાં ન બેસે.
(૭) સાધુ સ્ત્રીઓની મનોહર અને મનોરમ એવી આંખ, નાક વગેરે રૂપ ઇન્દ્રિયોને જોઈ જોઈને ‘અરે ! કેવી સુંદર આંખો, કેવું સરળ નાક' વગેરે ખૂબ વિચારો ન કરે. મનોહર એટલે જોવા માત્રથી મનને ખેંચનારી. મનોરમ એટલે જોયા પછી વિચાર કરતા આહ્લાદ કરાવનારી.
(૮) સાધુ રાગના કારણભૂત એવા કામી શબ્દો, રૂપ અને ગંધને અનુસરે નહીં.