________________
૪૭૪
નવકલ્પી વિહાર
‘૧ દર્શનશુદ્ધિ, ૨ સ્થિરીકરણ, ૩ ભાવના, ૪ અતિશય અર્થોનો બોધ, પ કુશળપણું અને ૬ દેશોની પરીક્ષા - અનિયતવાસમાં આ ગુણો છે. જિનેશ્વરોની દીક્ષાભૂમિ, કેવળજ્ઞાનભૂમિ, નિર્વાણભૂમિ, ત્યાંના ચૈત્યો, ચિહ્નો (પ્રાચીન અવશેષો) અને જન્મભૂમિઓને જોતો દર્શનને ખૂબ વિશુદ્ધ કરે છે. આ રીતે સુવિહિત એવો તે સુવિહિત અને મોક્ષાભિલાષી જીવોને સંવેગ પેદા કરે છે અને અસ્થિરમતિવાળાનું ધર્મમાં સ્થિરીકરણ કરે છે. ઉત્કૃષ્ટ સંવેગવાળા, ઉત્કૃષ્ટ ધર્મપ્રિય અને પાપભીરુ જીવો જોઈને વિહાર કરનારો પોતે પણ ધર્મપ્રિય થાય છે અને ધર્મમાં સ્થિર થાય છે. અનિયતવિહારથી ભૂખ અને તરસ સહન થાય છે, ઠંડી અને ગરમીથી ભાવિત થાય છે અને શય્યાપરીષહ બરાબર સહન થાય છે. વિહાર કરનારાને અતિશયશ્રુતધરોનું દર્શન થવા પર સૂત્રાર્થનું સ્થિરીકરણ થાય છે અને અતિશયવાળા અર્થોનો બોધ થાય છે. ઘણા પ્રકારના આચાર્યોના આવવા-જવાથી ગણમાં પેસવા વડે સામાચારીમાં કુશળ થાય છે. જ્યાં સાધુઓનો વિહાર સુખપૂર્વક અને નિર્દોષ રીતે થાય તથા જ્યાં વૃત્તિ (ગોચરી-પાણી વગેરે) સુલભ હોય તેવા આરાધના યોગ્ય તે ક્ષેત્રને જાણે. (૨૧૪૦-૨૧૪૭)’
પુષ્પમાળામાં અને તેની વૃત્તિમાં વિહાર નહીં કરવાના દોષો આ રીતે બતાવ્યા છેગાથાર્થ - પ્રતિબંધ, લઘુત્વ, લોકોપકાર ન થાય, દેશવિજ્ઞાન ન થાય, જ્ઞાનાદિની વૃદ્ધિ ન થાય - અવિહારપક્ષમાં આ દોષો છે. (૨૦૬)
વૃત્તિ - ઘણો સમય એક સ્થાનમાં રહેવાથી શ્રાવક વગેરે ઉપર રાગ થાય છે. ‘બીજા શરણ વિનાના આ બિચારાઓ માટે અમે એક માત્ર શરણ છીએ' વગેરે અનાદેયવાક્યપણામાં કારણભૂત એવું લોકમાં લઘુત્વ થાય છે. એક સ્થાનમાં રહેલો ભિન્ન ભિન્ન દેશમાં રહેલા લોકો ઉપર સમ્યક્ત્વ પમાડવું વગેરે ઉપકાર કરી શકતો નથી. તેને ઘણા દેશોની ભાષા, સામાચારી વગેરેનું જ્ઞાન થતું નથી. તે જ્ઞાન ન થવાથી તે દેશના શિષ્યોને પ્રતિબોધ કરવા, અનુવર્તન કરવું વગેરે કરી શકાતું નથી. ભિન્ન ભિન્ન દેશોમાં વિચરનારાને ઘણા બહુશ્રુતોના દર્શન વડે અને શિષ્યપ્રાપ્તિ વગેરે વડે જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ થાય છે. એકસ્થાનમાં રહેવાથી તો તેની વૃદ્ધિ થતી નથી. આવા વિહાર નહીં કરવાના દોષો છે. તેથી આવશ્યક કારણ વિના માયા કરીને એક સ્થાનમાં ન રહેવું. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. (૨૦૬)'
ગુરુ નવકલ્પી વિહાર કરે છે.
આમ છત્રીસગુણોની સમ્પત્તિથી યુક્ત ગુરુ શ્રેષ્ઠ પ્રકર્ષને પામો. (૯) આમ આઠમી છત્રીસી પૂર્ણ થઈ.