________________
૧૦.
શાંતસુધારસ () અશુચિભાવના મનુષ્યનું શરીર રુધિર, માંસ આદિ અશુચિમય પદાર્થોથી નિર્માણ થયું છે, તે પ્રકારે મહાત્મા વારંવાર ભાવન કરે છે, જેથી તુચ્છ એવા બહારના રૂપને જોઈને અન્યના દેહ પ્રત્યે કે પોતાના દેહ પ્રત્યે જે મમત્વ થાય છે તે દૂર થાય. અશુચિમય એવા દેહમાં વાસ કરવાનું કારણ કર્મ છે, તેથી અશુચિભાવના કરીને કર્મથી મુક્ત થવાના પોતાના પરિણામને મહાત્મા દઢ કરે છે.
(૭) આશ્રવભાવનાઃ કર્મબંધમાં કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ રૂપ ભાવમલ કર્મોના આશ્રવનું કારણ છે, જેનાથી સર્વ વિડંબનાઓ થાય છે, એ પ્રકારે ભાવન કરવાથી પાંચ પ્રકારના આશ્રવ પ્રત્યે અત્યંત જુગુપ્સા ભાવ થાય છે અને તે ભાવમલને કાઢવા માટે સદ્વર્ય ઉલ્લસિત થાય છે. માટે મહાત્મા ઉપયોગપૂર્વક આશ્રવભાવના કરે છે.
(૮) સંવરભાવના : આત્માનું બાહ્ય ભાવોથી રક્ષણ કરવા માટે સંવરભાવરૂપ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો પરિણામ કર્તવ્યરૂપ છે, તેનું ભાવન કરીને સર્વ હિતની પરંપરાના કારણભૂત સંવરભાવ પ્રત્યે રાગનો અતિશય કરવા અર્થે મહાત્મા સંવરભાવના કરે છે.
(૯) નિર્જરાભાવના આત્મામાં પ્રવેશ પામેલાં કર્મો જ સર્વ અનર્થોને કરનારાં છે, તેથી કર્મનિર્જરાના અર્થી મહાત્માઓ નિર્જરાભાવના કરીને તે નિર્જરાના ઉપાયભૂત બાર પ્રકારના તપથી પોતાના આત્માને તે રીતે વાસિત કરે છે, જેથી ચિત્ત તે નિર્જરાના ઉપાયને અનુકૂળ વ્યાપાર કરીને ક્રમસર કર્મથી મુક્ત બને.
(૧૦) ધર્મસ્વાખ્યાતભાવનાઃ સર્વજ્ઞ વડે ધર્મ કહેવાયેલો છે, તેથી પરિપૂર્ણ નિર્દોષ છે અને તે ધર્મના સેવનથી સંસારીજીવો સુરક્ષિત રહે છે. આ પ્રકારે ધર્મની સુંદર ઉક્તતાનું ભાવન કરવાથી સર્વજ્ઞકથિત ધર્મ પ્રત્યે બદ્ધરાગ થાય છે, જેનાથી અધર્મના સંસ્કારો નાશ પામે છે. માટે મહાત્મા ધર્મસૂક્તતાનું ભાવન કરે છે.
(૧૧) લોકપદ્ધતિભાવનાઃ ચૌદ રજૂ આત્મક આ લોકમાં જીવો કઈ રીતે પરિભ્રમણ કરે છે ? તેના સ્વરૂપનું ભાવન કરવાથી સંસારના વાસ્તવિક સ્વરૂપના અવલોકનની નિર્મળદૃષ્ટિ પ્રગટે છે. પોતાના હિતમાં દઢ યત્ન અને અહિતથી નિવર્તનમાં દઢ યત્ન થાય તે માટે મહાત્મા લોકપદ્ધતિભાવના કરે છે.
(૧૨) બોધિદુર્લભભાવનાઃ જગતુવર્તી ભાવોને યથાર્થ રીતે જોવાની નિર્મળદૃષ્ટિ જેને પ્રગટ થાય છે, તેઓને ચારગતિના પરિભ્રમણરૂપ સંસાર યથાર્થ દેખાય છે, તેના નિસ્તારનો ઉપાય વીતરાગભાવ દેખાય છે અને તેની પ્રાપ્તિનો ઉપાય જિનવચનાનુસાર સૂક્ષ્મબોધરૂપે કરાયેલી ઉચિત પ્રવૃત્તિ દેખાય છે તે બોધિ છે. ચારગતિમાં પરિભ્રમણ કરતા જીવને તે બોધિની પ્રાપ્તિ કઈ રીતે દુર્લભ છે, તેનું ભાવન કરવાથી દુર્લભ એવા બોધિને પ્રાપ્ત કરવા અને પ્રાપ્ત થયેલા એવા બોધિને સ્થિર, સ્થિરતર કરવા દઢ યત્ન થાય છે.
આ રીતે બાર ભાવનાઓનું સ્વરૂપ જેઓ વારંવાર ભાવન કરે છે, તેઓનું ભાવનામય ચિત્ત સદા ઉચિત પરિણામો કરીને સંવર તરફ કે નિર્જરા તરફ જાય છે, તેથી મોક્ષના ઉપાયભૂત સંવર અને નિર્જરા દ્વારા તે મહાત્મા ભવથી મૂકાય છે. I૭-૮ાા