________________
૪. એકત્વભાવના | શ્લોક-૧-૨ મારા છે અથવા તે પદાર્થોરૂપ જ હું છું એ પ્રકારની મમત્વની બુદ્ધિ થાય છે જે આત્માનું વ્યાકુલીકરણ જ છે અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપમાં અવ્યાકુળભાવરૂપે રહેવાના સ્વભાવવાળો હોવા છતાં બાહ્ય પદાર્થોમાં ઉપકલ્પિત એવું મમત્વ સદા તેને ગ્રહણ કરવા માટે, સાચવવા માટે, રક્ષણ કરવા માટે આત્માને વ્યાકુળ રાખે છે. આ વ્યાકુલીકરણને કારણે આત્મા કર્મ બાંધે છે જેનાથી તે સર્વનો સંયોગ થાય છે અને સંયોગનો નાશ થાય છે ત્યારે જીવ વ્યાકુળ વ્યાકુળ થાય છે. આ રીતે બાહ્ય પદાર્થોને પોતાના માનીને તેની પ્રાપ્તિ અર્થે, તેના રક્ષણ અર્થે, અને તેનો નાશ ન થાય તેની ચિંતાથી જીવ વ્યાકુળ રહે છે અને નાશ થાય ત્યારે શોકથી વ્યાકુળ થાય છે. આનાથી વિરોધી એવી અવ્યાકુળ અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય શુદ્ધ આત્માનો ભાવ છે અને તે શુદ્ધ આત્માના ભાવોમાં તન્મય થવા અર્થે જ યોગી પુરુષો સદા યત્ન કરે છે. III શ્લોક :
अबुधैः परभावलालसालसदज्ञानदशावशात्मभिः ।
परवस्तुषु हा स्वकीयता, विषयावेशवशाद् विकल्प्यते ।।२।। શ્લોકાર્ચ -
ખેદની વાત છે કે પરભાવની લાલસાથી પ્રવર્તતી એવી અજ્ઞાન દશાવાળા અબુધપુરુષો વડે વિષયના આવેશના વશથી પરવસ્તુમાં સ્વકીયતા વિકલ્પાય છે. ll ભાવાર્થ -
સંસારીજીવોને પોતાનો આત્મા જ્ઞાનમય છે અને જ્ઞાનમાં સ્થિર સ્વભાવવાળો હોવાથી સુખમય છે તેનું અજ્ઞાન વર્તે છે માટે સુખના અર્થી એવા તે બાહ્ય પદાર્થોમાં સુખ-બુદ્ધિની કલ્પના કરીને તેના ભાવોમાં લાલસાવાળા થાય છે. આવી લાલસાથી પ્રવર્તતી અજ્ઞાનદશા સંસારીજીવોમાં સતત વર્તે છે જેના કારણે તેઓ પર વસ્તુઓમાં સ્વકીયતાની બુદ્ધિ કરે છે. હવે આવી સ્વકીયતાની બુદ્ધિ કેમ કરે છે તો કહે છે કે વિષયો પ્રત્યે લાગણીનો આવેશ વર્તે છે જેનાથી સ્વકીયતાની કલ્પના કરે છે. વસ્તુત: જીવનું જ્ઞાનાત્મક સ્વરૂપ તેની સાથે તાદામ્ય ભાવરૂપે વર્તે છે જે જ્ઞાન ઉપદ્રવ વગરનું હોય તો સુખરૂપે જ વેદન થાય છે. આમ છતાં જીવને અજ્ઞાનને વશ કર્મજન્ય વિકૃત સુખના સાધનભૂત બાહ્ય પદાર્થોમાં જ સ્વકીયતાની બુદ્ધિ થાય છે. આ સ્વકીયતાની બુદ્ધિ કાલ્પનિક છે અને આત્માના ભાવોમાં સ્વકીયતાની બુદ્ધિ પારમાર્થિક છે. આ પ્રકારે પ્રસ્તુત શ્લોકથી ભાવન કરીને બાહ્ય પદાર્થોમાંથી સ્વકીયતાની બુદ્ધિના નાશ અર્થે અને મોહથી અનાકુળ એવા જ્ઞાનમાં સ્વકીયતાની બુદ્ધિને સ્થિર કરવા માટે મહાત્માઓ પ્રયત્ન કરે છે, છતાં વારંવાર ભાવન દ્વારા પણ જ્યાં સુધી અંતરંગ ભાવોમાં સ્વકીયતાની બુદ્ધિ સ્થિર ન થાય ત્યાંસુધી નિમિત્તોને પામીને સહજ રીતે દેહમાં, પોતાના નામમાં, પોતાની સાથે સંબંધ પામતા સંબંધોમાં જ સ્વકીયતા-બુદ્ધિ ઉલ્લસિત થાય છે જેનાથી સર્વ ક્લેશોની પરંપરા ઊભી થાય છે. આ પ્રકારે પુનઃ પુન: ભાવન કરીને મહાત્માઓ આત્માના એકત્વભાવને સ્થિર કરવા માટે સદા યત્ન કરે છે. શા