________________
૨૧૧
૧૬. માણસચ્ચભાવના-ગીત | શ્લોક-૧ ભાવાર્થ :
વળી, મહાત્મા મધ્યસ્થભાવનાને સ્થિર કરવા અર્થે આત્માને સંબોધીને કહે છે – હે કર્મના વિનયના અર્થી એવા આત્મા ! તું સદા મોહનીયની આકુળતાના પરિહારરૂપ સ્વસ્થતાના સુખનો અનુભવ કર. આ સુખ જગતના ભાવો પ્રત્યે ઔદાસીન્ય પરિણામવાળું છે અને આત્માની સ્વસ્થતારૂપ સમભાવના પરિણામરૂપ છે તેથી તે ઔદાસીન્ય ઉદાર છે અર્થાત્ સંસારીજીવોને સ્વજનાદિના વિયોગથી થનારા ઔદાસીન્ય જેવું નથી પરંતુ પરમાર્થથી જગતના પદાર્થો આત્મા માટે અનુપયોગી છે તેનું સમ્યગુ સમાલોચન કરીને ભાવન થયેલું ચિત્ત હોવાથી નિરર્થક પદાર્થ પ્રત્યે ઉપેક્ષા થાય તેવું ઉદાર ઔદાસીન્ય છે. તેવા ઔદાસીન્યનો તું અનુભવ કરે જેથી તને સ્વસ્થતાનું સુખ પ્રાપ્ત થાય. વળી, તત્ત્વની ભાવનાથી થયેલું ઔદાસીન્ય કુશલના સમાગમરૂપ છે અર્થાત્ જેમ આત્માને કુશળની પ્રાપ્તિ થાય તો પ્રમોદનો અનુભવ થાય છે તેમ તત્ત્વના ભાવનથી થયેલું ઔદાસીન્ય આત્માને કદર્થના કરનારા મોહનીયકર્મના વિગમનથી થયેલ હોવાને કારણે કુશળની પરંપરા પ્રાપ્ત કરાવે તેવું છે. વળી, તત્ત્વના ભાવનથી થયેલું ઔદાસીન્ય ભગવાનના વચનરૂપ આગમનો સાર છે; કેમ કે આગમ વીતરાગના વચનરૂપ છે અને વીતરાગનું વચન જીવોને વિતરાગતુલ્ય થવા માટે ઉચિત ઉપાયો બતાવનાર છે. વીતરાગના વચનથી સેવાતા ઉચિત ઉપાયો દ્વારા જીવને પ્રાપ્ત કરવા યોગ્ય એવી જે શાંતરસની પરિણતિ છે તે નિરર્થક ભાવો પ્રત્યે ઉદાસીનતાના પરિણામ સ્વરૂપ છે માટે તત્ત્વના પર્યાલોચનથી થયેલું ઔદાસીન્ય આગમનો સાર છે.
વળી, આ ઔદાસીન્ય જીવને ઇચ્છિત એવા ફળને આપનારા કલ્પવૃક્ષ જેવું છે. કલ્પવૃક્ષ યુગલિયાઓને ઇચ્છિત ભોગસામગ્રી આપીને તેમના ચિત્તને સંતોષ ઉત્પન્ન કરે છે તેમ જે જીવો સ્વભૂમિકા અનુસાર તત્ત્વના ભાવનપૂર્વક ઔદાસીન્યભાવ પ્રત્યે રાગ ધારણ કરીને સ્વભૂમિકા અનુસાર ક્ષયોપશમભાવના
ઔદાસીન્યભાવને પ્રાપ્ત કરે છે તેઓને જે અંશથી જેટલો ઔદાસીન્યભાવ સ્પર્શે છે તે અંશથી તત્કાળ સુખ થાય છે અર્થાત્ મોહની અનાકુળતાજન્ય તત્કાળ સુખ થાય છે. વળી, તત્ત્વના ભાવનકાળમાં વર્તતો ઔદાસીન્યભાવ પ્રત્યેનો રાગ તે પ્રકારનું શ્રેષ્ઠ પુણ્યબંધ કરાવે છે જે તે મહાત્માની જન્માંતરમાં જે કઈ અંશથી ભોગાદિની ઇચ્છા સર્વથા નાશ પામી નથી પરંતુ સુષુપ્ત સંસ્કારરૂપે પડેલી છે તેને અનુરૂપ ઉત્તમ ભોગસામગ્રી આપીને પણ ઉત્તમ ભોગસામગ્રીકાળમાં ભોગની ઇચ્છા હોવા છતાં ઔદાસીન્યભાવોના સંસ્કારોને જાગ્રત કરે છે. આથી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી ભોગસામગ્રીમાં પણ ગાઢ લિપ્સા થતી નથી અને ભોગ દ્વારા પણ તે ભોગની વૃત્તિ શાંત થાય છે, પારમાર્થિક ઔદાસીન્યભાવ પ્રત્યે પક્ષપાત થાય છે. જેમ કોઈને ક્ષણતર ખણજ થાય અને ખણજ કરવાથી એ ખણજ શમી જાય તેમ તે ભોગસામગ્રીથી પ્રાપ્ત થયેલા ભોગોને ભોગવીને પણ તેઓના વિકારો શાંત થાય છે અને ઔદાસીન્યભાવ પ્રત્યેનો પક્ષપાત જાગ્રત થયેલો હોવાથી ફરી ફરી વિશેષ ઔદાસીન્યભાવ કેળવવા માટે તે મહાત્મા ઉદ્યમ કરે છે. આ રીતે પ્રારંભિક કક્ષાનું સેવાયેલું પણ ઔદાસીન્ય સદ્ગતિઓની પરંપરા દ્વારા ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને તે મહાત્માને મોક્ષસુખની પ્રાપ્તિનું કારણ બને છે. માટે હે આત્મન્ ! ઇચ્છા કરાયેલા સુખની પરંપરારૂપ ફળને આપનાર કલ્પવૃક્ષ જેવા ઔદાસીન્યભાવનું તું સેવન કર. /વા