________________
૧૧૬
શાંતસુધારસ તોપણ ગૌણરૂપે સાધુને પણ દાનધર્મ છે. આથી જ શ્રાવક દ્વારા વિવેકપૂર્વક સેવાયેલા દાનધર્મની સાધુ અનુમોદના કરે છે તેથી અનુમોદનારૂપે સાધુને દાનધર્મ પણ છે. છતાં પ્રધાનપણે પાંચ ઇન્દ્રિયોના સંવરપૂર્વક પાંચ મહાવ્રતોના પાલન રૂપ શીલધર્મને જ સુસાધુ સેવે છે. (૩) તપધર્મ -
કર્મને તપાવવાનું પ્રબળ કારણ બાહ્ય અને અત્યંતરતપ રૂપ બાર પ્રકારનો તપ છે. જે શીલધર્મ કરતાં પણ વિશેષ પ્રકારનો ધર્મ છે. મુખ્યરૂપે દાનધર્મ સેવનારા શ્રાવકો પ્રસંગે પ્રસંગે શીલ પાળે છે તેમ સ્વશક્તિ અનુસાર સ્વાધ્યાય, ઉપવાસ આદિ તપ પણ કરે છે અને શીલધર્મ પાળનારા પાંચ મહાવ્રતવાળા મુનિઓ પણ સ્વશક્તિ અનુસાર સ્વાધ્યાયાદિ કે ઉપવાસ આદિ તપ કરે છે. તોપણ જે મહાત્માઓ શીલ પાળીને અતિસંપન્ન થયેલા છે તેઓ શક્તિના પ્રકર્ષથી છઠ-આઠમ આદિ તપ કે સ્વાધ્યાય તપ કરીને આત્માને અત્યંત ભાવિત કરે છે. તેઓને પ્રધાનરૂપે તપધર્મ હોય છે. વળી, શ્રાવક જે સ્વાધ્યાય તપ કરે છે તે આદ્યભૂમિકાનો છે; કેમ કે હજી ભોગાદિના પરિણામ છે. તેથી સર્વથા ભોગના ત્યાગ સ્વરૂપ શીલનો પરિણામ નથી અને દેહ પ્રત્યે મમત્વ હોવાથી દેહનું લાલનપાલન કરે છે. તેથી શ્રાવક જે પણ તપ સેવે છે તે પ્રાથમિક ભૂમિકાની નિર્લેપ પરિણતિનું કારણ હોવાથી ગૌણતપ છે. મુખ્યતપ તો નિર્લેપ પરિણતિન અતિશયિત કરનારા, તપથી આત્માને ભાવિત કરનારા, મહાત્માઓ જ કરી શકે છે. (૪) ભાવધર્મ -
મોક્ષને અનુકૂળ એવા નિર્લેપ પરિણામો પ્રગટ કરવા માટે અનિત્યાદિ બાર પ્રકારની ભાવના કરવામાં આવે છે જેનાથી પ્રગટ થતો નિર્લેપ પરિણામ તે ભાવધર્મ છે. જેમ અશરણભાવનાનો વિચાર કરીને કોઈ મહાત્મા વિચારે કે સંસારવર્તી જીવો કર્મને પરવશ જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે તેઓને કોઈ શરણ નથી, માત્ર ભગવાને કહેલો ધર્મ જ શરણ છે. તે પ્રકારે અત્યંત ભાવન કરીને ભગવાને બતાવેલો, નિર્લેપ પરિણતિને પ્રગટ કરનારો, ધર્મ સેવવાનો જે પરિણામ થાય છે તે ભાવધર્મ છે અને શ્રાવક પણ પ્રસંગેપ્રસંગે બાર ભાવનાઓનું ભાવન કરીને આત્માને ભાવિત કરે છે જેનાથી ભાવિત થયેલો આત્મા સંસાર પ્રત્યેના ભાવોથી કંઈક પર થાય છે. તે અંશથી શ્રાવકમાં પણ ભાવધર્મ છે તોપણ શ્રાવક મુખ્યરૂપે દાનધર્મથી જ ઉત્તમભાવો કરી શકે છે. માટે શ્રાવકને પ્રધાનરૂપે દાનધર્મ છે અને સાધુ પણ મુખ્યરૂપે શીલધર્મ પાળે છે અને પ્રસંગે અશરણ આદિ ભાવનાઓ ભાવીને ભાવધર્મ પણ પ્રગટ કરે છે, તોપણ પ્રથમ ભૂમિકાવાળા સાધુને ભાવધર્મ અલ્પ હોય છે અને શીલધર્મ મુખ્ય હોય છે. વળી, જે સાધુઓ અત્યંત તપ સેવીને આત્માને ભાવિત કરે છે તેમાં મુખ્યરૂપે તપધર્મ છે તોપણ તે મહાત્માઓ અનિત્યાદિ ભાવનાઓથી આત્માને ભાવિત કરે છે ત્યારે ભાવધર્મ પણ સેવે છે અને જે મહાત્માઓ અત્યંત ભાવધર્મને સેવનારા છે તેઓ પ્રધાનરૂપે ભાવધર્મ સેવીને ક્ષપકશ્રેણીના બળનો સંચય કરે છે અને ભાવધર્મના પ્રકર્ષથી જ જીવ વીતરાગ, સર્વજ્ઞ બને છે જેના ફળરૂપે આત્માના પારમાર્થિક સ્વરૂપ રૂપ ધર્મ સિદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થાય છે.