________________
૧૩. મૈત્રીભાવના-ગીત / શ્લોક-૮
૧૭૭ જીવોની ઉચિત હિતચિંતા કર. કેવા પ્રકારની ઉચિત હિતચિંતા કર, તે કહે છે – સંસારવર્તી જીવો તત્ત્વના અવલોકન દ્વારા આત્માને વિમલ કરે જેથી નિર્મલ થયેલો એવો તેમનો આત્મા સદા પરમાત્મામાં વાસ પામે. આશય એ છે કે જે મહાત્માઓ સંસારના યથાર્થ સ્વરૂપનું ભાવન કરીને સંસારથી અત્યંત ભય પામ્યા છે અને સંસારથી વિસ્તારનો ઉપાય જિનવચન જ છે તેવી સ્થિર બુદ્ધિવાળા છે અર્થાત્ જિનનું વચન જીવને જિનતુલ્ય કરીને સંસારથી આત્માનો અવશ્ય નિસ્તાર કરે છે તેવી સ્થિર બુદ્ધિવાળા છે, તેવા નિર્મલ પરિણામવાળા મહાત્માઓ દિવસરાત ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને જિનવચનાનુસાર સર્વ પ્રવૃત્તિઓ કરે છે, જેથી તેઓનો આત્મા વીતરાગતા રૂપ પરમાત્મભાવમાં સદા વર્તે છે અને જગતના જીવો તેવા પરિણામવાળા થાઓ એમ મહાત્મા ભાવન કરે છે. વળી, મહાત્મા ભાવન કરે છે કે સંસારીજીવો જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને સમતારૂપી અમૃતના પાનના વિલાસને કરનારા થાઓ, જેથી તે જીવો સદા સંયમના સુખના આસ્વાદનને પામીને પરમાત્માતુલ્ય થાય અને અંતે મોક્ષસુખને પામે. આ પ્રકારની ઉત્તમ ભાવના કરીને મહાત્મા શુદ્ધ ચારિત્રપાલન પ્રત્યેનો દઢ રાગ કેળવે છે જેથી તે મહાત્માનું ચિત્ત સદા પરમાત્મામાં વસે છે અને ચારિત્રના પાલનના બળથી તે મહાત્મા સમતાના સુખનો વિલાસ કરે છે જેથી મનુષ્યભવમાં પણ શ્રેષ્ઠ કોટીના સુખના અનુભવવાળા બને છે અને જગતના જીવોને પણ તેવા પ્રકારના ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થાય તેવી ભાવના કરીને તે મહાત્મા એવું શ્રેષ્ઠ પુણ્ય અર્જન કરે છે જેથી સંસારમાં દરેક ભવોમાં ઉત્તમોત્તમ ચારિત્રને પ્રાપ્ત કરીને અલ્પભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. IIટા
II તેરમો પ્રકાશ પૂર્ણ II