________________
૧૫. કરુણાભાવના-ગીત | શ્લોક-૬
શ્લોકાર્થ :
૨૦૩
આશ્રવ, વિક્થા, ગૌરવ, મદન=કામ, રૂપ અનાદિ મિત્રોનો હે આત્મન્ ! તું પરિહાર કર. સંવરરૂપ સાપ્તપદીનરૂપ મિત્રને તું કર. આ જ ધ્રુવ રહસ્ય છે=કરુણાભાવનાનું પરમ રહસ્ય
9. 11911
ભાવાર્થ:
મહાત્મા પોતાના આત્માની પારમાર્થિક કરુણા ક૨વા માટે પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે હે આત્મન્ ! પરમાર્થથી શત્રુ હોવા છતાં અનાદિકાળથી મિત્રની જેમ પોતાની સાથે વસનારા એવા આશ્રવ, વિકથા, ગૌરવ=ગારવ અને મદનનો તું પરિહાર કર. જેમ સામાન્યથી મિત્ર પ્રાયઃ વારંવાર એકબીજાને મળતા હોય છે તેમ અનાદિકાળથી આશ્રવ આદિ ભાવો જીવ સાથે ગાઢ મિત્રતાથી સદા સાથે રહે છે છતાં તે આશ્રવ આદિ ભાવો મિત્રતાનું કાર્ય કરતા નથી પરંતુ આત્માના શત્રુનું જ કાર્ય કરે છે. આથી મહાત્મા ભાવન કરે છે કે આ ફૂટ મિત્રોનો તું પરિહાર કર. તે આશ્રવાદિ મિત્રોનું સ્વરૂપ આ પ્રમાણે છે. મિથ્યાત્વ, મન, પાંચ ઇન્દ્રિયોનો અસંવરભાવ તથા ષટ્કાયના અપાલનનો પરિણામ એ રીતે તેર આશ્રવો છે. આમાં મિથ્યાત્વનો પરિણામ જીવને સદા વિપરીત બુદ્ધિ આપે છે જેથી અહિતમાં જ હિતની બુદ્ધિ થાય છે. અને પારમાર્થિક હિતનો તો વિચાર પણ ઉદ્દભવ પામતો નથી. વળી પાંચ ઇન્દ્રિયો અને છઠું મન બાહ્ય પુગલ સાથે સંગ કરીને જીવમાં રતિ, અરતિની પરિણતિ પ્રગટ કરે છે અને પાંચ ઇન્દ્રિયોના આભાસિત સુખ ખાતર જીવ ષટ્કાયના મર્દનના પરિણામવાળો થાય છે.
વળી, જીવે અનાદિકાળથી આત્માની હિતકારી કથાને છોડીને પુદ્ગલને આશ્રયીને કથા કરવાની વૃત્તિ કેળવી છે જે તેના માટે અહિતકારી હોવાથી વિકથારૂપ છે. આના કારણે જીવ કોઈ પ્રયોજન વગર તે તે પ્રકારની વિકથા કરીને સ્વપ્રયત્નથી સ્વનું જ અહિત કરે છે. તેથી મહાત્મા પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે અનાદિથી મિત્ર જેવી આ વિકથાનો તું ત્યાગ કર.
વળી, જીવ આત્માના સમભાવના સુખને છોડીને અનાદિકાળથી રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગા૨વને વશ થઈ પોતાનું અહિત કરે છે. વિવેકચક્ષુનો ઉઘાડ ન થવાથી તે બાહ્ય ઋદ્ધિથી જ પોતે ઋદ્ધિમાન છે તેમ માને છે, પરંતુ આત્માની સમૃદ્ધિથી પોતાને ઋદ્ધિમાન જોતો નથી. તે રીતે શરીરજન્ય શાતાથી પોતે સુખી છે તેમ માને છે પરંતુ મોહની અનાકુળતાથી થતી સ્વસ્થતાજન્ય સુખથી પોતે સુખી છે તેમ જોતો નથી અને રસેન્દ્રિયના રસોથી પોતે રસાસ્વાદને કરનાર છે તેમ માને છે, પરંતુ તત્ત્વના ભાવનથી થતા રસાસ્વાદને જોતો નથી. આ રીતે જીવ ત્રણ ગારવથી સદા વિડંબના પામે છે તેનું સ્મરણ કરીને મહાત્મા ભાવન કરે છે કે હે આત્મન્ ! તું ત્રણ ગારવનો પરિહાર કર.
વળી, મહાત્મા વિચારે છે કે અનાદિકાળથી મૈથુનસંજ્ઞાને કારણે જીવમાં શિષ્યલોકોને ન શોભે તેવી કુત્સિત કામવૃત્તિ મિત્રરૂપે વર્તે છે જે ૫રમાર્થથી તો જીવની વિડંબનારૂપ છે. માટે હે આત્મન્ ! તું સદા મદનનો પરિહાર કર.