________________
૧૫. કરુણાભાવના | શ્લોક-૫-૬
૧૯૭
અને અનંત દુઃખોને સહન કરશે. માટે તેવો પ્રમાદ પોતાના આત્મામાં પ્રગટ ન થાય તે પ્રકારે પોતાના આત્માની કરુણા થાય તે પ્રકારે ભાવનાથી પોતાને ભાવિત કરે છે. જેઓ આ રીતે ઉપયોગપૂર્વક રોજ આત્માને ભાવિત કરતા હોય તેઓને ભગવાનના શાસનથી વિપરીત પ્રવૃત્તિ કરાવીને દુરંત સંસારમાં નાખે તેવો પ્રમાદ થવાની સંભાવના ઓછી થાય છે; કેમ કે પ્રતિદિન તે પ્રકારની ભાવનાથી થયેલા ઉત્તમ સંસ્કારને કારણે પ્રમાદ આપાદક કર્મની શક્તિ અને પ્રમાદ આપાદક અનાદિના સંસ્કારો ક્ષીણ-ક્ષીણત૨ થાય છે. III
શ્લોક ઃ
श्रुवन्ति ये नैव हितोपदेशं न धर्मलेशं मनसा स्पृशन्ति । रुजः कथङ्कारमथापनेयास्तेषामुपायस्त्वयमेक एव ।।६।।
શ્લોકાર્થ :
જેઓ હિતોપદેશને સાંભળતા નથી, જેઓ મનથી ધર્મલેશને સ્પર્શતા નથી, તેઓના રોગો=ભાવરોગો, કઈ રીતે દૂર કરી શકાય ? અર્થાત્ કરી શકાય નહિ. વળી, ભાવરોગોને દૂર કરવાનો ઉપાય આ એક જ છે=જિનવચનાનુસાર હિતોપદેશને શ્રવણ કરીને ચિત્તને ધર્મમય કરવું, એ જ એક ઉપાય છે. ।।૬।।
ભાવાર્થ:
વળી, મહાત્મા કરુણાભાવનાથી આત્માને ભાવિત કરવા વિચારે છે કે કેટલાક જીવો સર્વજ્ઞએ કહેલા હિતોપદેશને સાંભળતા નથી અને સ્વરુચિ અનુસાર જીવન જીવે છે, કેટલાક જીવો હિતોપદેશ સાંભળે છે તોપણ મનથી ધર્મના લેશને સ્પર્શતા નથી પરંતુ સ્વરુચિ અનુસાર ધર્મ કરી સંસારના અન્ય કૃત્ય તુલ્ય ધર્મકૃત્યને નિષ્ફળ કરે છે. આવા પ્રમાદી પાસસ્થા આદિ સાધુઓ કંઈક અંશથી ધર્મકૃત્યો કરતા હોય તોપણ અસદૂગ્રહથી દૂષિત મતિવાળા હોવાથી મોહની મંદતાને સ્પર્શે તેવો લેશ પણ ધર્મ મનથી ન કરતા હોવાથી તેઓનાં સર્વ કૃત્યો ભાવરોગની વૃદ્ધિનું કારણ બને છે. તેનું સ્મરણ કરીને મહાત્મા વિચારે છે કે તેવા જીવોના મોહના ઉન્માદથી થયેલા ભાવરોગો કઈ રીતે દૂર થઈ શકે ? અર્થાત્ દૂર થઈ શકે નહિ; કેમ કે ભાવરોગના નાશનો તો એક જ ઉપાય છે કે સરળતાથી તત્ત્વાતત્ત્વને જાણવાને અનુકૂળ માર્ગાનુસારી ઊહ પ્રગટે તે રીતે ભગવાનના વચનરૂપ હિતોપદેશ સાંભળવો, સાંભળ્યા પછી તે હિતોપદેશ આત્માને સ્પર્શે તે રીતે વારંવાર મનથી ભાવન કરવું, જેથી સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરવાની રુચિ દૂર થાય અને સર્વજ્ઞના વચનને પરતંત્ર થવાની નિર્મળ મતિ પ્રાપ્ત થાય. આ પ્રકારે ભાવના કરીને મહાત્મા પોતાની માર્ગાનુસા૨ી મતિની વૃદ્ધિ કરીને આત્માની પારમાર્થિક કરુણાનું ભાવન કરે છે અને જગતના જીવોને તેથી નિર્મળ મતિ પ્રાપ્ત થાઓ તેવો શુભઅધ્યવસાય કરે છે જેથી દુઃખી એવા જગતના જીવો પ્રત્યે અને પોતાના આત્મા પ્રત્યે પણ પારમાર્થિક કરુણા પ્રગટ થાય.