________________
૧૨૨
શાંતસુધારસ
ભાવાર્થ:
મહાત્મા ધર્મના માહાત્મ્યને સ્મૃતિમાં રાખીને ધર્મ પ્રત્યે પોતાનો પૂજ્યભાવ અધિક થાય તે અર્થે ભાવન કરે છે કે જે ધર્મના પ્રસાદથી=ધર્મની કૃપાથી, સચરાચર એવો આ ત્રણલોક સુખપૂર્વક વર્તે છે. આશય એ છે કે જગતમાં કેટલાક જીવો સ્થિર અવસ્થામાં રહેલા છે અને કેટલાક જીવો અહીં તહીં ગમન કરનારા છે. જેમ અનુત્ત૨વાસી આદિ દેવો એક સ્થાને સ્થિર રહેનારા છે તો અન્ય દેવો એક સ્થાનથી અન્ય સ્થાને જનારા છે. તે સર્વ દેવો પોતાની ઇચ્છા અનુસાર જે કંઈ પણ સુખને પ્રાપ્ત કરે છે તેમાં તેઓએ સેવેલા ધર્મનો જ પ્રભાવ છે. આથી જે જીવે, જે ભવમાં જે અંશથી ધર્મનું સેવન કર્યું હોય તે અંશથી તેને ઉત્તમ પ્રકૃતિ અને ઉત્તમ પુણ્ય પ્રાપ્ત થાય છે જેના પ્રસાદથી તે તે ભવમાં તે તે પ્રકારના સુખને તે તે જીવો ભોગવે છે તેથી જગતવર્તી સર્વ જીવોને સુખની પ્રાપ્તિનું એક માત્ર કારણ સમ્યક્ રીતથી સેવાયેલો ધર્મ છે. વળી, સંસારવર્તી જીવોને અર્થ, કામ અને પૂર્ણ સુખમય મોક્ષ ઇષ્ટ છે, આ ત્રણેયની પ્રાપ્તિ કરાવનાર ધર્મ છે. માટે જ જે જીવો સમ્યગ્ રીતે ધર્મનું સેવન કરે છે તેઓ વડે સેવાયેલો તે ધર્મ તેમને ધનની પ્રાપ્તિ કરાવે છે, ભોગની પ્રાપ્તિ કરાવે છે, અને અંતે પૂર્ણ સુખમય મોક્ષને પણ આપે છે. તેથી સંસારવર્તી જીવોને આ લોકમાં અને પરલોકમાં હિતાવહ ધર્મ છે. વળી, કેટલાક જીવો ભૂતકાળમાં સેવાયેલા અધર્મને કારણે વર્તમાનમાં અનેક કદર્થનાઓ પામતા હોય છે. આવા જીવોને પણ સમ્યગ્ સેવાયેલા ધર્મથી બંધાયેલું પુણ્ય જ્યારે વિપાકમાં આવે છે ત્યારે તે ધર્મ પોતાના સામર્થ્યથી તે તે જીવોની તે તે કદર્થનાઓ દૂર કરે છે. આથી જ કોઈ જીવે ભૂતકાળમાં લાભાંતરાય કર્મ બાંધેલું હોય તેના ઉદયથી વર્તમાન ભવમાં દરિદ્રતાની જ પ્રાપ્તિ થઈ હોય છતાં તે જીવ સમ્યગ્ રીતે ધર્મનું સેવન કરે તો તે લાભાંતરાયની કદર્થનાથી મુક્ત બને છે. દા.ત. સંકાશશ્રાવકને ભૂતકાળમાં બાંધેલા લાભાંતરાયકર્મના કારણે વર્તમાન ભવમાં દ્રરિદ્રતાની પ્રાપ્તિ થઈ. કેવલી ભગવંતને તેનું કારણ પૂછ્યું ત્યારે તેમણે ‘ભૂતકાળમાં દેવદ્રવ્યનું ભક્ષણ કરેલું તેના કારણે તને અનેક ભવોમાં કદર્થનાની પ્રાપ્તિ થઈ છે.' એમ કહ્યું આ સાંભળી સંકાશશ્રાવકે અભિગ્રહ કર્યો કે પોતાના જીવનનિર્વાહ માટે આવશ્યકથી જે કાંઈ અધિક પ્રાપ્ત થશે તે ભગવાનની ભક્તિમાં વાપરીશ. તે પ્રકારના ઉત્તમ અધ્યવસાયથી તેના લાભાંતરાયકર્મનો ક્ષય થતાં સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ અને અંતે સંયમ ગ્રહણ કર્યું. તેથી અનર્થની કદર્થનાથી આત્માનું રક્ષણ કરનાર ધર્મ જ છે; કેમ કે ધર્મ સેવનાર પ્રત્યે કરુણા કરીને ધર્મે જ સચરાચર જગતને સુખી કર્યો છે. આ લોકમાં કે પરલોકમાં સંસારીજીવોનું હિત ક૨ના૨ ધર્મ જ છે. વળી ધર્મ કરુણા કરનાર હોવાથી અનર્થની કદર્થનામાંથી જીવનું રક્ષણ કરે છે માટે જીવ પ્રત્યે અત્યંત કરુણા કરનાર એવા ધર્મને ભક્તિપૂર્વક મારો પ્રમાણ થાઓ. એ પ્રમાણે વિચારીને મહાત્મા ધર્મને અનુકૂળ આત્માની સ્થિરતામાં યત્ન કરે છે. જેથી શ્ર્લોક-૧માં જે દાનાદિ ચાર પ્રકારનો ધર્મ કહ્યો અથવા શ્લોક-૨માં જે દસ પ્રકારનો ચારિત્રધર્મ કહ્યો તે સેવવા માટે દૃઢ ઉદ્યમ થાય છે. II9II
અવતરણિકા -
વળી, ધર્મથી કેવાં કેવાં ઉત્તમ ફળ મળે છે તે બતાવતાં સ્તુતિ કરવા અર્થે કહે છે –