________________
૧૨૪
શાંતસુધારસ
છે. મંગલકમલાકેલિનું નિકેતન છે, કરુણાનું કેતન છે. ધીર છે, શિવસુખનું સાધન, ભવભયનું બાધન કરનાર છે, જગતનો આધાર છે, અને ગંભીર છે. ૧૯
ભાવાર્થ :
-
મહાત્મા જિનધર્મ પ્રત્યે અત્યંત ભક્તિવાળા થાય છે અને જિનધર્મને સંબોધીને કહે છે – ભગવાને કહેલા ધર્મરૂપ કે જિનધર્મ ! તું મારું પાલન કર અર્થાત્ અત્યંત પાલન કર. આમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે ભગવાને કહેલો ધર્મ શ્રુત અને ચારિત્રરૂપ છે અને તે શ્રુત અને ચારિત્રરૂપ ધર્મ જેમ જેમ મારામાં નિષ્પન્ન થાય તેમ તેમ મારું પાલન થાય અર્થાત્ મારું કર્મની કદર્થનાથી રક્ષણ થાય. આ પ્રકારની ભાવના કરીને મહાત્મા પોતાનામાં શ્રુતને અને ચારિત્રને અનુરૂપ દૃઢવીર્ય ઉલ્લસિત કરવા યત્ન કરે છે. વળી, તે જિનધર્મ કેવો રમ્ય છે તે સ્પષ્ટ કરવા અર્થે તે મહાન ધર્મને વિશેષણોથી વિશેષિત કરે છે.
(૧) મંગલકમલાકેલિનિકેતન:
મંગલરૂપી જે કમલાલક્ષ્મી તેની કેલિનું નિકેતન છે=વિલાસનું સ્થાન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્ રીતે સેવાયેલો ધર્મ જીવને કલ્યાણરૂપી મહાલક્ષ્મીને પ્રાપ્ત કરાવીને સુખ–વિલાસમાં મગ્ન કરે છે. આથી જ મહાત્માઓ સમ્યગ્ રીતે ધર્મ સેવીને સુદેવત્વ, સુમાનુષત્વની પ્રાપ્તિ દ્વારા ક્રમે કરીને પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે. તે સર્વ કલ્યાણની પરંપરારૂપ, લક્ષ્મીના સ્થાનભૂત આ ધર્મ છે.
(૨) કરુણાકેતન :
ભગવાનનો ધર્મ કરુણાનું નિકેતન છે=કરુણા સ્વરૂપ છે; કેમ કે જે જીવોમાં જેટલા અંશમાં ભગવાનનો ધર્મ પ્રગટે તેટલા અંશમાં તે જીવો સર્વ જીવો પ્રત્યે દયાના પરિણામવાળા થાય છે. તેથી સ્વશક્તિ અનુસા૨ અન્ય જીવોને પોતાનાથી કોઈ સંત્રાસ ન થાય, પીડા ન થાય તે પ્રકારે ઉચિત યત્ન કરે છે. અને પોતાનો આત્મા પણ કષાયોથી પીડા ન પામે તે પ્રકારે શક્તિ અનુસાર પોતાની પણ કરુણા કરે છે.
(૩) ધીર :
વળી, ભગવાનનો ધર્મ ધીર છે. આશય એ છે કે અલ્પસત્ત્વવાળા જીવો બહારથી ધર્મ સેવે તોપણ ૫રમાર્થથી ભગવાનના ધર્મનું સેવન કરી શકતા નથી પરંતુ મોહને પરવશ થઈને ચાલે છે. જેઓમાં કર્મની સામે યુદ્ધ ક૨વાનું ધૈર્ય પ્રગટ્યું છે તેઓ જ પોતાના આત્માને મોહથી રક્ષિત કરીને ધીરતાપૂર્વક ધર્મનું સેવન કરી શકે છે. આથી જ જેઓમાં ધૈર્ય નથી તેઓ તપ કરીને પણ તપસ્વી તરીકેની ખ્યાતિને પ્રાપ્ત કરી આનંદ લેનારા બને છે પરંતુ ધીરતાપૂર્વક મોહના ઉન્મૂલન માટે યત્ન કરતા નથી, જ્યારે જેઓ ધીર છે તેઓ તપાદિ જે કોઈ ઉચિત અનુષ્ઠાન કરે છે તેના દ્વારા અંતરંગ નિર્લેપ પરિણતિ પ્રગટ થાય તે પ્રકારનો પ્રયત્ન અવશ્ય કરે છે. તેથી ધીરપુરુષોથી સેવાયેલો એવો ભગવાનનો ધર્મ ધી છે.