________________
૮. સંવરભાવના / શ્લોક-૩
ભાવાર્થ :
ચાર કષાયોને વશ થઈને આત્મા પોતાના સમભાવના પરિણામનો નાશ કરે છે માટે સમભાવના અર્થી એવા મહાત્મા સમભાવના વિજ્ઞભૂત એવા ચાર કષાયોના નિરોધની ભાવનાના બળથી સંવરભાવમાં જવા યત્ન કરવા આત્માને ઉદ્દેશીને કહે છે : હે આત્મા ! ક્ષમાના પરિણામ દ્વારા તું ક્રોધનો નાશ કર. આ પ્રકારે કહીને આત્મામાં કોઈ નિમિત્તને પામીને ઇષદ્ દ્વેષ, જવલન, અરુચિ, અસૂયા આદિ ભાવો ઉલ્લસિત ન થઈ શકે તેવા ઉત્તમવીર્યને સ્થિર કરવા માટે મહાત્મા યત્ન કરે છે.
વળી, અનાદિકાળથી જીવને બાહ્ય સમૃદ્ધિ આદિને પામીને કે વિદ્વત્તા આદિને પામીને અથવા લોકપ્રતિષ્ઠા આદિને પામીને માનનો પરિણામ થાય એવો અભ્યાસ છે. તેથી તે માનના પરિણામને નિરોધ કરવા અર્થે માર્ગાનુસારી સૂક્ષ્મબુદ્ધિપૂર્વક માર્દવ પરિણામ ઉસ્થિત કરવા અર્થે સંવરભાવના અર્થી મહાત્મા આત્માને કહે છે – પૂર્વના ઉત્તમપુરુષો આગળ નમ્રતાના પરિણામ રૂપ માર્દવભાવથી તું અભિમાનને હણ. આ પ્રકારે કહીને સતત પૂર્વના ઋષિઓ, મહર્ષિઓ, કેવલીઓ આદિની ગુણસંપત્તિ આગળ પોતે તુચ્છ બુદ્ધિવાળા છે તે પ્રકારે ભાવન કરીને તેવા મહાત્મા પ્રત્યે નમ્રભાવને ઉલ્લસિત કરીને કોઈ નિમિત્તને પામીને લેશ પણ પોતાની શક્તિનો અહંકાર ઊભો ન થાય તે રીતે આત્માને ભાવિત કરે છે.
અનાદિકાળથી જીવ કોઈ પ્રકારના સ્વાર્થને વશ થઈને માયાભાવને ધારણ કરે છે. આથી જ સંસારીજીવો લોભને વશ માયા કરે. કોઈને માન-ખ્યાતિની ઇચ્છા થાય તો તેને વશ માયા કરે. વળી કોઈ મહાત્મા પાપની શુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવા પ્રયત્ન કરે ત્યારે પોતાનું ખરાબ ન દેખાય તે પ્રકારના અધ્યવસાયથી માયા કરે. આમ અનેક નિમિત્તો પામી માયાનો પરિણામ જીવમાં વર્તે છે. જે જીવના સમભાવના સ્વાથ્યનો નાશ કરીને જીવને આશ્રવની પ્રાપ્તિ કરાવે છે. તેના નિરોધ અર્થે મહાત્મા વિચારે છે – હે આત્મા ! ઉજ્વલ એવા આર્જવભાવથી તું માયાને હણ. એમ કહી પ્રકૃતિને અત્યંત સરળ કરવા પ્રયત્ન કરે છે જેથી કોઈ નિમિત્તને પામીને આત્મામાં વક્રતા-કુટિલતા વગેરે ભાવો હેજ પણ ઉલ્લસિત ન થાય.
વળી, આત્માને બાહ્ય પદાર્થોમાં જ સુખ-સમૃદ્ધિની વૃત્તિઓ હોવાથી બાહ્ય સુખની સામગ્રીમાં જ લોભનો પરિણામ થાય છે જે સમુદ્ર જેવો અતિ રૌદ્ર છે અને ક્યારેય પુરાતો નથી. આથી જ ગૃહસ્થ અવસ્થામાં હોય તો ધન આદિ કે રાજ્ય આદિનો લોભ વર્તે છે અને સાધુવેશમાં હોય અને વિવેકદૃષ્ટિ ખૂલી ન હોય તો શિષ્ય પરિવાર, પર્ષદા, વગેરે બાહ્ય પદાર્થોનો લોભ વર્તે છે. તે લોભને વશ જીવ આત્માને ઠગી માયા કરે છે અને વિચારે છે કે હું લોકો પર ઉપકાર કરું છું પરંતુ પરમાર્થથી તો લોભથી પ્રેરાઈને જ તે તે પ્રવૃત્તિ કરે છે અને લોભના પ્રાચર્યને કારણે ઉત્પન્ન થયેલી માયાથી પોતાના આત્માને ઠગે છે. આ રીતે અનેક પ્રકારના રૌદ્ર એવા લોભના પરિણામથી પોતાના આત્માને સંસાર-સમુદ્રમાં ડુબાડે છે. તેનું પારમાર્થિક સ્વરૂપ વિચારી મહાત્મા વિચારે છે કે આત્માની અંતરંગ વીતરાગતાની પરિણતિ સિવાય કોઈ પરિણતિ આત્મા માટે ઇચ્છનીય નથી. માટે વીતરાગતાની પ્રાપ્તિના ઉત્કટ પરિણામના બળથી પ્રાપ્ત થયેલા