________________
ઉ૬
શાંતસુધારસ સ્વભાવમાં સ્થિરતા પ્રાપ્ત કરવા અર્થે ભાવન કરે છે કે સંસારવર્તી જે કાંઈ સાંયોગિક સુખ છે તે નિયત વિયોગવાળું છે તેથી સંયોગકાળમાં તને આહ્વાદ આપશે તોપણ અંતે વિયોગકાળમાં દુઃખ જ ઉત્પન્ન કરશે. માટે તેવા નિયત વિયોગવાળા સંયોગનો તું ત્યાગ કર અર્થાત્ તે સાંયોગિક સુખની આસ્થાનો તું ત્યાગ કર. અને નિર્મલ પ્રણિધાન કર અર્થાત્ અસાંયોગિક જીવની અવસ્થા જ જીવ માટે સુખરૂપ છે માટે સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ, અને સર્વ ભાવો પ્રત્યે પ્રતિબંધ વગરના નિર્મળ ચિત્તને પ્રગટ કરવા માટે યત્ન કર. અહીં પ્રશ્ન થાય કે સાંયોગિક સુખમાં પણ સુખની પ્રતીતિ થાય છે અને તેની પ્રાપ્તિ વર્તમાનમાં થઈ રહી છે અને જે અસાંયોગિક સુખ છે તે વર્તમાનમાં પ્રાપ્ત થતું નથી તેથી પ્રાપ્ત એવા સુખને છોડીને અપ્રાપ્તમાં પ્રયત્ન કઈ રીતે થઈ શકે ? એથી મહાત્મા વિચારે છે કે મૃગતૃષ્ણાના ઘનરસપાન જેવા સાંયોગિક સુખમાં યત્ન કરતો એવો તું કોઈ રીતે તૃપ્ત થતો નથી. તેથી સંયોગનું સુખ તૃપ્તિને આપીને તેને સુખી કરતું નથી પરંતુ સદા અતૃપ્તિની જ વૃદ્ધિ કરે છે. જેમ કોઈ તરસ્યો પુરુષ દૂર દૂર ઝાંઝવાના જલને મેળવવાની ઇચ્છાથી પ્રયત્ન કરે તો પણ તેના પ્રયત્નથી તેને તૃપ્તિ થતી નથી. તેમ સંસારીજીવોનાં આ સાંયોગિક સુખો પ્રાયઃ તૃપ્તિ કરાવતાં નથી પરંતુ અતૃપ્તિની જ વૃદ્ધિ કરે છે. તેથી સંયોગકાળમાં પણ અતૃપ્તિથી જીવ વિહ્વળ છે અને જ્યારે વિયોગની પ્રાપ્તિ થશે ત્યારે પણ અત્યંત વિહ્વળ થશે માટે અતૃપ્તિને કરનાર, નિયત વિયોગના દુઃખને પ્રાપ્ત કરાવનાર એવા સાંયોગિક સુખનો તું ત્યાગ કર અને અસાંયોગિક સુખને પ્રગટ કરવાનો નિર્મળ એવધાન કર.
અહીં વિશેષ એ છે કે ભોગાદિથી જીવોને તૃપ્તિનું સુખ થાય છે છતાં ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થાય અને તેનાથી ક્ષણભર તૃપ્તિ થાય તે સાથે જ અધિક અધિક પ્રાપ્તિની ઇચ્છા થાય તો ગૃદ્ધિને કારણે ભોગથી પણ તેઓને સુખ થતું નથી. અને જ્યારે તે સુખની સામગ્રીનો વિયોગ થાય છે ત્યારે તેઓ અત્યંત દુઃખી થાય છે. પરંતુ જેઓને પુણ્યના ઉદયથી ઉત્તમ સાંયોગિક સુખ મળેલું છે અને તેમાં પણ ગાઢ આસક્તિ થતી નથી તેઓને તેની પ્રાપ્તિમાં ક્ષણભર સુખ થાય છે અને અતૃપ્તિની વૃદ્ધિ થતી નથી તોપણ તે સાંયોગિક અનુકૂળ પદાર્થોથી જન્ય તૃપ્તિ સદા માટેની તૃપ્તિનું કારણ નથી. તેમ ભાવન કરીને તે મહાત્માઓ જે કોઈ અલ્પ પણ ભોગની ઇચ્છા છે તેને શાંત કરવા જ યત્ન કરે છે. અને તેવા જીવોને જ્યારે તે સંયોગનો વિયોગ થાય છે ત્યારે પણ સંસારની વાસ્તવિકતાનું અવલોકન હોવાથી ક્યારેય અન્ય જીવોની જેમ દુઃખ થતું નથી પરંતુ વૈરાગ્ય થાય છે.
વળી, અસાંયોગિક સુખ સદા તૃપ્ત અવસ્થા તુલ્ય હોવાથી ઇચ્છા અને શ્રમની વિહ્વળતારૂપ સાંયોગિક સુખની તૃપ્તિ જેવું નથી. પરંતુ અસાંયોગિક સુખમાં ઇચ્છાની અને શ્રમની વિહ્વળતા નથી અને સદા નિરાકુળ અવસ્થા હોવાને કારણે તૃપ્ત અવસ્થા છે. તેથી આત્માને અસાંયોગિક સુખ પરમાર્થથી અત્યંત ઇષ્ટ છે માટે તેને પ્રગટ કરવા અર્થે તું નિર્મળ પ્રણિધાન કર. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા બાહ્ય પદાર્થોથી પોતાનું સ્વરૂપ અન્ય છે તેને સ્થિર કરવા અર્થે યત્ન કરે છે. Iળા