________________
૧૬
શાંતસુધારસ
તેના જેવું જ તારું આયુષ્ય અસાર છે અર્થાત્ તારું આયુષ્ય સતત ગળી રહ્યું છે. તેથી પ્રતિક્ષણ નાશ પામી રહ્યું છે. માટે આયુષ્યની પૂર્ણતા પૂર્વે હે કર્મના નાશના અર્થી જીવ ! તું આત્મહિત નહીં સાધે તો તારો મનુષ્યભવ નિષ્ફળ જશે. માટે અનિત્ય એવા પરિવાર સહિત વૈભવનો મોહ છોડીને આત્માની ગુણસંપત્તિની વૃદ્ધિના કા૨ણીભૂત ભગવાનના વચનથી સતત આત્માને ભાવિત કરીને પરલોકના હિતની પરંપરાની પ્રાપ્તિ થાય તે રીતે યત્ન કર. અને અસાર એવા બાહ્ય ભાવોનો મોહ છોડ. આ પ્રકારે આત્માને સંબોધીને મહાત્મા પ્રેરણા કરે છે જેથી જાગ્રત થયેલો અપ્રમાદભાવ સેવાતા એવા ધર્મમાં અંતરંગ રીતે દૃઢ યત્ન કરીને આત્મકલ્યાણ સાધી શકે. III
શ્લોક ઃ
पश्य भङ्गुरमिदं विषयसुखसौहृदं, पश्यतामेव नश्यति सहासम् ।
एतदनुहरति संसाररूपं रयाज्ज्वलज्जलबालिकारुचिविलासम् ।। मूढ० २ ।।
શ્લોકાર્થ ઃ
હે આત્મન્ ! તું આ વિષય સુખનું સુહૃદપણું ભંગુર જો. કેમ ભંગુર જો ? તેથી કહે છે કે જોતાવેંત સહાસ નાશ પામે છે=લીલાપૂર્વક નાશ પામે છે. વળી, અતિ વેગવાળી, ઝબકારા મારતી, વીજળીનાં કિરણોના વિલાસ જેવું સંસારનું રૂપ આને અનુહરણ કરે છે=વિષયસુખને અનુહરણ કરે છે. ા૨ા
ભાવાર્થ:
મહાત્મા આત્માને સંસારના ભાવોથી વિમુખ કરવા અર્થે જાગ્રત કરતાં કહે છે કે આત્મન્ ! તું સૂક્ષ્મપ્રજ્ઞાથી પદાર્થને જો કે આ બાહ્ય ઇન્દ્રિયોનું વિષયજન્ય જે સુખ તને બંધુ જેવું લાગે છે તે ભંગુર છે. કેમ ભંગુર છે ? તેથી કહે છે – તે સુખોને તું જુવે છે ત્યારે તે સહાસ નાશ પામે છે અર્થાત્ તારો ઉપહાસ કરીને તે જ ક્ષણમાં નાશ પામે છે. જેમ સનકુમાર ચક્રવર્તીને અત્યંત સુંદર રૂપ મળેલું અને ક્ષણમાં શરીરમાં રોગો ઉત્પન્ન થવાથી તે સુંદર રૂપ નાશ પામ્યું તેમ સંસારીજીવોના અનેક પ્રકારના ભોગનાં સુખ ક્ષણભરમાં નાશ પામતાં પ્રત્યક્ષ દેખાય છે. તેથી આવા નાશવંત સુખ પ્રત્યે સ્થિર બુદ્ધિ કરીને તેને જ મિત્રની જેમ જોવું તે મૂઢતા છે. વસ્તુતઃ જગતના ભાવો પ્રત્યે જેને ઉપેક્ષા વર્તે છે તેઓને મોહથી અનાકુળ અવસ્થારૂપ સમભાવનું સુખ વર્તે છે અને તે સમભાવનું સુખ જ જીવને અંતરંગ રીતે સ્વસ્થતા કરાવનારું છે. સદા મિત્રની જેમ સાથે રહેનારું છે. અને જન્માંતરમાં સદ્ગતિ આપીને વિશેષ-વિશેષ પ્રકારના સમભાવમાં ઉદ્યમ કરાવીને શાશ્વત મોક્ષસુખને આપનાર છે. આથી જ મહાત્માઓ અત્યંત સંવેગપૂર્વક શ્રુતવચનથી સતત આત્માને ભાવિત કરે છે. જેથી સંસારના ભાવોમાં ચિત્ત સંશ્લેષ પામતું નથી. અને આત્માના સ્વભાવિક સ્વસ્થતાના સુખની પ્રાપ્તિ થાય છે. વળી, મહાત્મા વિચારે છે કે અતિ વેગવાળી ઝબકારા મારતી વીજળીના ચમકારાના વિલાસને ધારણ કરનારું સંસારનું સ્વરૂપ વિષયસુખનું અનુહરણ કરે છે.