________________
૧. અનિત્યભાવના-ગીત | શ્લોક-૯
ભાવાર્થ :
અત્યારસુધી અનિત્યભાવના ભાવન કરી. હવે મહાત્મા તેના ફળ સ્વરૂપે પોતાને શું પ્રાપ્ત કરવું છે તેનું સ્વરૂપ વિચારે છે. સંસારના સર્વભાવો અનિત્ય હોવા છતાં આત્માનું ચિઆનંદમય એવું નિત્ય સ્વરૂપ છે=પુલના આનંદમય નહીં પરંતુ મોહની આકુળતા વગરના જ્ઞાનના આનંદમય આત્માનું સ્વરૂપ છે, તે સ્વરૂપનો વિચાર કરીને સતત તે સ્વરૂપથી આત્માને ભાવિત કરીને અમે સુખનો અનુભવ કરીએ તેના કારણે અનિત્ય ભાવોમાં થતા સંશ્લેષને કારણે મોહની આકુળતાનો અનુભવ અમને થાય નહીં અને મોહની આકુળતાજન્ય કર્મબંધની અને તેના કારણે ચારગતિઓનાં પરિભ્રમણની વિડંબના પ્રાપ્ત થાય નહીં. વળી, મહાત્મા ભાવન કરે છે કે આ ભવમાં સંત પુરુષો અનિત્ય-ભાવનાના સ્વરૂપનું ચિંતવન કરીને આત્માને તે રીતે ભાવિત કરે કે જેથી તેઓને પ્રશમરસના નવા સુધાપાનના વિશેષ પ્રકારે સેવનનો ઉત્સવ સતત થાય.
આશય એ છે કે પ્રશમસુખના પરાકાષ્ઠાની પ્રાપ્તિ ક્ષાયિક એવા વીતરાગ ભાવમાં છે અને જેઓએ ક્ષાયિક એવો વીતરાગ ભાવ પ્રાપ્ત કર્યો નથી તેઓ પણ વીતરાગના વચનથી આત્માને ભાવિત કરીને કંઈક કંઈક પ્રશમસુખનો અનુભવ કરે છે. તેઓ પણ નવા નવા પ્રશમરસના અમૃતપાનના અભિલાષવાળા થાય જેથી સતત સંસારના વાસ્તવિક સ્વરૂપનું ભાવન કરીને તેના વિકારોનું શમન કરે અને આત્માના પારમાર્થિક સ્વરૂપનું સ્મરણ કરીને તેના ભાવનથી ઉત્તર ઉત્તરના પ્રશમસુખને પ્રાપ્ત કરે, જેથી અનિત્ય ભાવનાના ફળ સ્વરૂપે તેઓ પણ નિત્ય એવા પારમાર્થિક સુખમાં લીન બને. આમ કરતાં શુદ્ધ આત્માના સુખના બળથી સુખપૂર્વક સંસારસાગરને તરી શકે. llલા
II પહેલો પ્રકાશ પૂર્ણ II