________________
૩૫
. રાસભાવના / શ્લોક-૧ વિષયોની તૃષ્ણા વર્તે છે અને ગમે એટલા ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ કરે તો પણ તે તૃષ્ણા શાંત થતી નથી. પરંતુ જીવને સતત પીડા ઉત્પન્ન કરે છે. જેમ કોઈ મુસાફર પાણીથી તરસ્યો હોય અને દૂર દૂર સૂર્યનાં કિરણો પડતાં હોય અને તેના કારણે ત્યાં જ છે તેવો ભ્રમ થાય અને તે જલના ભ્રમથી તે પુરુષ તે દિશામાં દોડ્યા કરે અને વિચારે કે તે જલને પ્રાપ્ત કરીને હું તૃષ્ણાને શાંત કરીશ પરંતુ તે દોડનાર પુરુષને જલની પ્રાપ્તિ થતી નથી. પણ તે દિશામાં દોડવાને કારણે તૃષાની વૃદ્ધિ જ થાય છે. એમ સંસારીજીવો ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણાથી વ્યાકુળ થઈને તે તે ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ કરીને તે તૃષાને શમાવવા યત્ન કરે છે છતાં તે વિષયોની તૃષા ક્યારેય શાંત થતી નથી પણ જેમ જેમ ભોગો ભોગવે છે તેમ તેમ વિષયોની તૃષા વૃદ્ધિ જ પામે છે તેથી તૃષાની પીડાથી સંસારીજીવો સદા પીડિત છે. સંસારની આવી સ્થિતિ હોય ત્યારે કઈ રીતે સ્વસ્થતાથી રહી શકાય ? અર્થાત્ સંસારમાં જીવો લોભથી અને વિષયોની તૃષ્ણાથી સતત વ્યથિત હોવાથી સ્વસ્થતાથી રહી શકતા નથી. માટે સ્વસ્થતાથી રહેવા અર્થે જીવોએ સદા જિનવચનથી આત્માને ભાવિત કરીને વધતા જતા લોભના ક્ષોભના નિવારણ માટે યત્ન કરવો જોઈએ અને સતત જિનવચનથી ભાવિત થઈને ઇન્દ્રિયોની વધતી જતી તૃષ્ણાને નિવારણ કરવા યત્ન કરવો જોઈએ, તો જ જીવ સ્વસ્થતાથી આ ભવરૂપી વનમાં રહી શકે, અન્યથા સતત વિહ્વળતાને અનુભવતો ચારગતિઓના પરિભ્રમણની વિડંબનાને પામે છે.
અહીં વિશેષ એ છે કે ભવરૂપી વનના વાસ્તવિક સ્વરૂપનું ભાવન કર્યું છે તે મહાત્માઓ લોભની વિડંબનાને જાણનારા છે. તેથી લોભના પ્રતિપક્ષ ભાવોનું ભાવન કરીને લોભને શાંત કરવા ઉદ્યમ કરે છે. આવા મહાત્માઓને ક્યારેક કોઈક શાતાના પદાર્થની ઇચ્છા થાય ત્યારે તે સામગ્રીની પ્રાપ્તિરૂપ પાણીથી તે લોભરૂપી અગ્નિને શાંત કરવા યત્ન કરે તો તે શાંત થાય છે. તેથી તેઓનો લોભ દુરંત દાવાનળ જેવો નથી પરંતુ જળના સિંચનથી શાંત પામે તેવો છે. આથી જ જે મહાત્માઓ સદા જિનવચનથી આત્માને ભાવિત કરીને લોભને શાંત કરવા ઉદ્યમ કરે છે, તેમનો લોભ સર્વથા શાંત થયેલો ન હોય તોપણ ઘણો મંદ થયેલો છે અને તેવા જીવોને કંઈ ધનાદિની ઇચ્છા, કંઈક શાતાની ઇચ્છા હોય છે અને પુણ્ય સહકારથી તે શાતાની સામગ્રી પ્રાપ્ત થાય ત્યારે તેઓની ઇચ્છા પણ શાંત થાય છે અને સ્વસ્થતાપૂર્વક ઉચિત પ્રવૃત્તિઓ કરીને વિશેષ પ્રકારે મોહના ઉન્મેલન માટે યત્ન કરે છે. આ રીતે પાંચ ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણા જીવને સતત પીડા કરનારી છે તેવો જેને બોધ છે તેવા મહાત્માઓ જિનવચનનું સતત અવલંબન લઈને સંસારની અસારતાનું ભાવન કરે તો તેઓની વિષયોની તૃષ્ણા મંદ-મંદતર થાય છે અને તેવા જીવોને ક્યારેક કોઈક વિષયોની તૃષ્ણા થાય અને પુણ્યના સહકારથી ભોગસામગ્રીની પ્રાપ્તિ થાય ત્યારે તેઓની તે તૃષ્ણા શાંત થાય છે. આ રીતે સ્વસ્થ થયેલા તેઓ વિશેષ વિશેષ પ્રકારે આત્માને જિનવચનથી ભાવિત કરીને શાંતરસમાં જવા માટે સમર્થ બને છે. તેથી સંસારમાં સ્વસ્થ રહેવાનો અર્થ એવા મહાત્માઓ લોભકૃત ક્ષોભનું અને વિષયોની તૃષ્ણાકૃત પીડાનું, સમ્યફ ભાવન કરવા અર્થે સદા ઉદ્યમ કરે છે. જેથી તેઓ ભવવનમાં પણ મોહની આકુળતા દૂર થવાથી સ્વસ્થ રીતે રહે છે. III