________________
२३
એટલે આપણે ચર્ચાએ છીએ એ બાબતને ઉત્તર, આપણી આજની યુગધર્મપ્રતીતિ શી છે, એ સમજવામાં રહેલો છે. કલા અને વિજ્ઞાને આજ એને વફાદાર રહેવું જોઈએ.
ટૉલ્સ્ટૉય એનો સાફ જવાબ આપે છે કે, આ પ્રતીતિ ઈશુ ખ્રિસ્ત આપેલી જીવનદૃષ્ટિ છે: “આપણા સમયની ધર્મપ્રતીતિ, તેના વ્યાપકમાં વ્યાપક અને વધારેમાં વધારે વહેવારુ અર્થમાં, એવા જાગ્રત ભાનમાં રહેલી છે કે, આપણું ભૌતિક તેમ જ આધ્યાત્મિક, વૈયક્તિક તેમ જ સામુદાયિક, ઍહિક તેમ જ પારલૌકિક કે શાશ્વત, એવું જે ઉભય કલ્યાણ, તે મનુષ્યોમાં ભ્રાતૃભાવની અભિવૃદ્ધિમાં – એકમેક સાથે પ્રેમભર્યા મેળમાં રહેલું છે.” (૧૪૫.) અને તે આગળ કહે છે કે, આ દર્શન ઈશુ ખ્રિસ્તનું જ નથી; પણ “ભૂતકાળના યુગોના બધા ઉત્તમ પુરુષોએ કહ્યું છે એટલું જ નહિ, આપણા યુગના ઉત્તમ પુરુષોએ અનેકવિધ બાજુએથી અને વિવિધ રૂપોમાં ફરી ફરીને તે કહ્યું છે એટલું જ નહિ, પરંતુ મનુષ્યજાતના બહુસૂત્ર પુરુષાર્થને પામવાની ચાવી તરીકે તે પ્રતીતિ કયારનું કામ દઈ રહી છે.” (૧૪૫.)
આથી તે અફસ કરે છે કે, કલા પેઠે વિજ્ઞાનેય આડે માર્ગે ગયું છે અને આશા વ્યક્ત કરે છે કે, કલાની તેમની આ સમીક્ષા પેઠે વિજ્ઞાનની પણ સમીક્ષા કોક કરશે ને વિજ્ઞાનને આ મહાન હેતુસર ઠેકાણે લાવશે. ( પા. ૨૦૧.) કારણ કે, “કલાથી વહન થતી લાગણીઓ વિજ્ઞાન પાસેથી મળતા પાયા ઉપર ઊછરે છે– વધે છે.” (૨૦૦.) ‘કલા હમેશ વિજ્ઞાન ઉપર આધાર રાખે છે.'
જીવનમાં વિજ્ઞાનને આથી ઊંચું સ્થાન કે કિંમત યા કદર ભાગ્યે જ મળી શકે. ટૉલ્સ્ટૉય કહે છે કે, આજે તો સમગ્ર જ્ઞાનવિજ્ઞાન બતાવે છે કે, “મનુષ્યોની સામાન્ય ધર્મપ્રતીતિ માનવબંધુતા છે . . . મનુષ્યનું કલ્યાણ તેના માનવબંધુઓ સાથેની એકતામાં રહેલું છે. ” પરંતુ, માનવજાતનો વિકાસ ઉત્તરોત્તર ચડતી વસ્તુ છે. એ કોઈ સ્થિરતા નથી, પ્રગતિશીલતા છે. “માનવજાત જીવનની પોતાની નીચલી કક્ષાની