Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા પ્રતિષ્ઠિત થયું. અને બૌદ્ધ તથા બ્રાહ્મણ દાર્શનિક પંડિતોનું લક્ષ અનેકાન્તખંડનની તરફ ગયું અને તેઓ કોઈ ને કોઈ રીતે પોતાના ગ્રન્થોમાં માત્ર અનેકાન્ત યા સપ્તભંગીનું ખંડન કરીને જ જૈન દર્શનનાં મન્તવ્યોના ખંડનની ઈતિશ્રી સમજવા લાગ્યા. આ યુગની અનેકાન્ત અને તન્યૂલક વાદોની સ્થાપના એટલી ગંભીર થઈ કે જેના ઉપર ઉત્તરવર્તી અનેક જૈન આચાર્યોએ અનેકધા પલ્લવન કર્યું હોવા છતાં તેમાં નવી મૌલિક યુક્તિઓનો ભાગ્યે જ સમાવેશ થયો છે. બસો વર્ષના આ યુગની સાહિત્યિક પ્રવૃત્તિમાં જૈન ન્યાય અને પ્રમાણશાસ્ત્રની પૂર્વભૂમિકા તો તૈયાર થઈ જાય છે પરંતુ તેમાં તે શાસ્ત્રનું વ્યવસ્થિત નિર્માણ દેખાતું નથી. આ યુગની પરમતોના સયુક્તિક ખંડનની તથા દર્શનાત્તરીય સમર્થ વિદ્વાનોની સમક્ષ સ્વમતના પ્રતિષ્ઠિત સ્થાપનની ભાવનાએ જૈન પરંપરામાં સંસ્કૃત ભાષાના તેમજ સંસ્કૃતનિબદ્ધ દર્શનાત્તરીય પ્રતિષ્ઠિત ગ્રન્થોના પરિશીલનની પ્રબળ જિજ્ઞાસા પેદા કરી દીધી અને તેણે સમર્થ જૈન આચાર્યોનું ધ્યાન પોતાના ખુદના ન્યાય અને પ્રમાણશાસ્ત્રના નિર્માણ તરફ ખેંચ્યું, જેની ખોટ બહુ જ ખટકી રહી હતી.
૩. ન્યાય-પ્રમાણસ્થાપનયુગ આવી પરિસ્થિતિમાંથી અકલંક જેવા ધુરંધર વ્યવસ્થાપકનો જન્મ થયો. સંભવતઃ અકલંકેજ પહેલવહેલું વિચાર્યું કે જૈન પરંપરાના જ્ઞાન, શેય, જ્ઞાતા વગેરે બધા પદાર્થોનું નિરૂપણ તાર્કિક શૈલીથી સંસ્કૃત ભાષામાં તેવું જ શાસ્ત્રબદ્ધ કરવું આવશ્યક છે જેવું બ્રાહ્મણ અને બૌદ્ધ પરંપરાના સાહિત્યમાં બહુ જ પહેલાં થઈ ગયું છે અને જેનું અધ્યયન અનિવાર્યપણે જૈન તાર્કિકો કરવા લાગ્યા છે. આ વિચારથી અકલંકે દ્વિમુખી પ્રવૃત્તિ શરૂ કરી. એક તરફ તો બૌદ્ધ અને બ્રાહ્મણ પરંપરાના મહત્ત્વપૂર્ણ ગ્રન્થોનું સૂક્ષ્મ પરિશીલન અને બીજી તરફ સમસ્ત જૈન મન્તવ્યોનું તાર્કિક વિશ્લેષણ. કેવળ પરમતોનો નિરાસ કરવાથી જ અકલંકનું ઉદેશ્ય સિદ્ધ થઈ શકે તેમ ન હતું. તેથી જ દર્શનાત્તરીયા શાસ્ત્રોના સૂક્ષ્મ પરિશીલનથી અને જૈન મતના તલસ્પર્શી જ્ઞાનથી તેમણે નાનાં નાનાં પરંતુ સમસ્ત જૈન તર્કપ્રમાણશાસ્ત્રના આધારસ્તંભભૂત અનેક ન્યાયપ્રમાણવિષયક પ્રકરણો રચ્યાં જે દિનાગ અને ખાસ કરીને ધર્મકીર્તિ જેવા બૌદ્ધ તાર્કિકોના તથા ઉદ્યોતકર, કુમારિલ વગેરે જેવા બ્રાહ્મણ તાર્કિકોના પ્રભાવથી ભરપૂર હોવા છતાં પણ જૈન મન્તવ્યોની નવી જ રીતે અને સ્વતંત્રપણે સ્થાપના કરે છે. અકલંકે ન્યાયપ્રમાણશાસ્ત્રનું જૈન પરંપરામાં જે પ્રાથમિક નિર્માણ કર્યું, જે પરિભાષાઓ, જે લક્ષણો અને પરીક્ષણો કર્યા, જે પ્રમાણ-પ્રમેય વગેરેનાં વર્ગીકરણો કર્યા અને પરાર્થનુમાન તથા વાદકથા વગેરે પરમતપ્રસિદ્ધ વસ્તુઓના સંબંધમાં જે જૈન પ્રણાલી સ્થિર કરી, સંક્ષેપમાં આજ સુધી જૈન પરંપરામાં નહિ પરંતુ અન્ય પરંપરાઓમાં પ્રસિદ્ધ એવા તર્કશાસ્ત્રના અનેક પદાર્થોને જૈન દૃષ્ટિએ જૈન પરંપરામાં જે આત્મસાત કર્યા તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org