Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૬૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા આત્મા હશે જેણે પેલું કર્મ કર્યું ન હતું. આ ઉપરાંત આત્માને ક્ષણિક માનતાં તો સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, છુપાવેલી વસ્તુને પાછી ખોળી કાઢવી, વગેરે પ્રાણીઓના વ્યવહારોનો જગતમાં અભાવ થઈ જાય. પરંતુ પરિણામી અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ધર્મોવાળા આત્મામાં આ બધું જ ઘટે છે. કહ્યું પણ છે, “જેમ સર્પની કુંડલાકાર અવસ્થા દૂર થાય છે અને પછી સરલરેખાકાર અવસ્થા ઉત્પન્ન થાય છે પરંતુ સર્પત્વ તો જેમનું તેમ કાયમ રહે છે, એક સૂત્રરૂપે અનુસ્મૃત રહે છે, તેમ નિત્ય ચૈતન્યસ્વરૂપ આત્માના સંપૂર્ણ રૂપનો નાશ થતો નથી કે તે સંપૂર્ણ રૂપ કાયમ રહેતું નથી, પરંતુ આત્માની સુખ, દુઃખ વગેરે લક્ષણોવાળી અવસ્થાઓ નાશ પામતી રહે છે અને ઉત્પન્ન થતી રહે છે કિન્તુ ચૈતન્ય બધી જ અવસ્થાઓમાં એકસરખું એકસૂત્રરૂપે અનુસ્મૃત રહે છે. આત્માને એકાત્ત ક્ષણિક માનતાં કૃતકર્મપ્રણાશ (કરેલા કર્મના ફળના ભોગનો અભાવ) અને અકૃતકર્માગમ (ન કરેલા કર્મના ફળનો ભોગ) આ બે દોષોની આપત્તિ આવે છે. અને આત્માને એકાન્ત નિત્ય માનતાં સુખ, દુઃખ વગેરેના ભોગરૂપ વિવિધ અવસ્થાઓ આત્મામાં નહિ ઘટે. જો કહેવામાં આવે કે કર્તુત્વ અને ભોફ્તત્વ આત્મામાં નથી પરંતુ અવસ્થાઓમાં (પર્યાયોમાં) છે, તો આ માન્યતા બરાબર નથી કારણ કે અવસ્થાઓથી અવસ્થાવાનું એકાન્ત ભિન્ન નથી. બન્નેમાં કથંચિત અભેદ છે. તેથી જ કર્મનો જે કર્તા છે તે જ કર્મફલનો ભોક્તા છે.” [તત્ત્વસંગ્રહ, કારિકા ૨૨૩-૨૨૭].
આમ આ ચર્ચા દ્વારા આત્માના એકાન્ત નિત્યત્વનો વાદ અને આત્માના એકાન્ત અનિત્યત્વનો વાદ બન્નેનો નિરાસ થઈ ગયો. “આત્મા’ શબ્દના પ્રયોગ દ્વારા અનાત્મવાદી બૌદ્ધોનો અને ચાર્વાકોનો પ્રતિષેધ કરાયો છે. આત્મા શરીરપરિમાણ છે એ જૈન માન્યતા પ્રકૃતમાં ઉપયોગી ન હોવાથી જણાવી નથી.
આમ પ્રમાતાનું લક્ષણ સારી રીતે સ્થાપિત થયું.
इत्याचार्यश्रीहेमचन्द्रविरचितायाः प्रमाणमीमांसायास्तवृत्तेश्च
प्रथमस्याध्यायस्य प्रथममाह्निकम्
આચાર્યશ્રી હેમચન્દ્રવિરચિત પ્રમાણમીમાંસા અને તેની વૃત્તિના પ્રથમ અધ્યાયનું પ્રથમ આહ્નિક અહીં
સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org