Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૫૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
વિવિધ કક્ષાવાળા યોગીઓનું તથા તેમના યોગજન્ય અલૌકિક જ્ઞાનનું અસ્તિત્વ સ્વીકારે છે, તેથી જ તેમના મતે પણ અલૌકિક નિર્વિકલ્પકનું અસ્તિત્વ છે એમ માનવામાં કંઈ બાધક જ્ઞાન જણાતું નથી. જો આ ધારણા બરાબર હોય તો કહેવું જોઈએ કે બધા નિર્વિકલ્પકાસ્તિત્વવાદી સવિકલ્પક જ્ઞાનની જેમ નિર્વિકલ્પક જ્ઞાનને પણ લૌકિક-અલૌકિકરૂપે બે પ્રકારનું માને છે.
(૩) વિષયસ્વરૂપ બધા નિર્વિકલ્પકવાદી સત્તામાત્રને નિર્વિકલ્પનો વિષય માને છે પરંતુ સત્તાના સ્વરૂપ અંગે બધા એકમત નથી. તેથી જ નિર્વિકલ્પકના ગ્રાહ્ય વિષયનું સ્વરૂપ પણ ભિન્ન ભિન્ન દર્શન અનુસાર જુદું જુદું જ ફલિત થાય છે. બૌદ્ધ પરંપરા અનુસાર અર્થક્રિયાકારિત્વ જ સત્ત્વ છે અને તે પણ ક્ષણિક વ્યક્તિમાત્રમાં જ પર્યવસિત છે, જ્યારે શાંકર વેદાન્ત અનુસાર અખંડ અને સર્વવ્યાપક બહ્મ જ સત્ત્વસ્વરૂપ છે જે ન તો દેશબદ્ધ છે કે ન તો કાલબદ્ધ છે. ન્યાય-વૈશેષિક અને પૂર્વમીમાંસક અનુસાર અસ્તિત્વમાત્ર સત્તા છે યા જાતિરૂપ સત્તા છે જે બૌદ્ધ અને વેદાન્તસમ્મત સત્તાથી ભિન્ન છે. સાંખ્ય-યોગ અને જૈન પરંપરામાં સત્તા ન તો ક્ષણિક વ્યક્તિ માત્ર નિયત છે કે ન તો બ્રહ્મસ્વરૂપ છે કે ન તો જાતિરૂપ છે. ઉક્ત ત્રણે પરંપરાઓ પરિણામિનિત્યત્વવાદી હોવાના કારણે તેમના મત અનુસાર ઉત્પાદ-વ્યયધ્રૌવ્યસ્વરૂપ જ સત્તા ફલિત થાય છે. જે હો તે, પરંતુ એટલું તો નિર્વિવાદ છે કે બધા નિર્વિકલ્પકવાદી નિર્વિકલ્પકના ગ્રાહ્ય વિષય તરીકે સન્માત્રનું જ પ્રતિપાદન કરે છે.
—
(૪) માત્ર પ્રત્યક્ષરૂપ કોઈ જ્ઞાન પરોક્ષરૂપ પણ હોય છે અને પ્રત્યક્ષરૂપ પણ હોય છે, જેમ કે સવિકલ્પક જ્ઞાન. પરંતુ નિર્વિકલ્પક જ્ઞાનને તો બધા નિર્વિકલ્પકવાદીઓ કેવળ પ્રત્યક્ષરૂપ જ માને છે. કોઈ તેને પરોક્ષ નથી માનતા, કેમ કે નિર્વિકલ્પક, લૌકિક હો કે અલૌકિક, તેની ઉત્પત્તિ કોઈ જ્ઞાનથી વ્યવહિત ન હોવાના કારણે તે સાક્ષાત્પ હોવાથી પ્રત્યક્ષ જ છે. પરંતુ જૈન પરંપરા અનુસાર દર્શનની ગણના પરોક્ષમાં પણ કરવી જોઈએ કેમ કે તાર્કિક પરિભાષા અનુસાર પરોક્ષ મતિજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે, તેથી જ તદનુસાર મતિઉપયોગના ક્રમમાં સર્વપ્રથમ અવશ્ય થનાર દર્શન નામના બોધને પણ સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહી શકાય પરંતુ આગમિક પ્રાચીન વિભાગ, જેમાં પારમાર્થિકસાંવ્યવહારિકરૂપે પ્રત્યક્ષના બે ભેદોને સ્થાન નથી, તદનુસાર તો મતિજ્ઞાન પરોક્ષ માત્ર જ મનાય છે, જેમ તત્ત્વાર્થસૂત્રમાં (૧.૧૧) દેખાય છે તેમ. તદનુસાર જૈન પરંપરામાં ઇન્દ્રિયજન્ય દર્શન પરોક્ષરૂપ જ છે, પ્રત્યક્ષરૂપ નથી. સારાંશ એ કે જૈન પરંપરામાં તાર્કિક પરિભાષા અનુસાર દર્શન પ્રત્યક્ષ પણ છે અને પરોક્ષ પણ છે. અવિધ અને કેવલ રૂપ દર્શન તો માત્ર પ્રત્યક્ષરૂપ જ છે જ્યારે ઇન્દ્રિયજન્ય દર્શન
Jain Education International
――――――
For Private & Personal Use Only
www.jainelibrary.org