Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ:
૪૫૭ પરોક્ષરૂપ હોવા છતાં પણ સાંવ્યવહારિક પ્રત્યક્ષ મનાય છે. પરંતુ આગમિક પરિપાટી અનુસાર ઇન્દ્રિયજન્ય દર્શન કેવળ પરોક્ષ જ છે અને ઇન્દ્રિયનિરપેક્ષ અવધ્યાદિ દર્શન કેવળ પ્રત્યક્ષ જ છે.
(૫) ઉત્પાદક સામગ્રી – લૌકિક નિર્વિકલ્પક જે જૈન તાર્કિક પરંપરા અનુસાર સાંવ્યવહારિક દર્શન છે તેની ઉત્પાદક સામગ્રીમાં વિષયેન્દ્રિયસન્નિપાત અને યથાસંભવ આલોક આદિ સમાવિષ્ટ છે. પરંતુ અલૌકિક નિર્વિકલ્પ જે જૈન પરંપરા અનુસાર પારમાર્થિક દર્શન છે તેની ઉત્પત્તિ ઇન્દ્રિયસન્નિકર્ષ સિવાય જ કેવળ વિશિષ્ટ આત્મશક્તિથી મનાઈ છે. ઉત્પાદક સામગ્રી અંગે જૈન અને જૈનેતર પરંપરાઓમાં કોઈ મતભેદ નથી. તેમ છતાં આ વિષયમાં શાંકર વેદાન્તનું મન્તવ્ય જુદું છે જે ધ્યાન દેવા યોગ્ય છે. તે માને છે કે “તત્વમસિ' ઇત્યાદિ મહાવાક્યજન્ય અખંડ બ્રહ્મબોધ પણ નિર્વિકલ્પક છે. તેના અનુસાર નિર્વિકલ્પકના ઉત્પાદક શબ્દ આદિ પણ થયા જે અન્ય પરંપરાસમ્મત નથી.
() પ્રામાણ્ય – નિર્વિકલ્પના પ્રામાણ્ય અંગે જૈનેતર પરંપરાઓ પણ એકમત નથી. બૌદ્ધ અને વેદાન્ત દર્શન તો નિર્વિકલ્પને જ પ્રમાણ માને છે, એટલું જ નહિ પણ તેમના મત અનુસાર નિર્વિકલ્પ જ મુખ્ય અને પારમાર્થિક પ્રમાણ છે. ન્યાયવૈશેષિક દર્શનમાં નિર્વિકલ્પકના પ્રમાત્વની બાબતમાં એકવિધ કલ્પના નથી. પ્રાચીન પરંપરા અનુસાર નિર્વિકલ્પક પ્રમારૂપ મનાય છે જેમ કે શ્રીધરે સ્પષ્ટ કર્યું છે (કન્દલી, પૃ. ૧૯૮) અને વિશ્વનાથે પણ ભ્રમભિન્નત્વરૂપ પ્રમાત્વ માનીને નિર્વિકલ્પકને પ્રમા કહ્યું છે (કારિકાવલી, કારિકા ૧૩૪) પરંતુ ગંગેશની નવ્ય પરંપરા અનુસાર નિર્વિકલ્પક ન તો પ્રમા છે કે ન તો અપ્રમા. તદનુસાર પ્રમાત્વ અને અપ્રમાત્વ પ્રકારતાદિઘટિત હોવાથી નિર્વિકલ્પ જે પ્રકારતાદિશૂન્ય છે તે પ્રમા-અપ્રમા ઉભયવિલક્ષણ છે (કારિકાવલી, કારિકા ૧૩પ). પૂર્વમીમાંસા અને સાંખ્ય-યોગદર્શન સામાન્યપણે આવી બાબતોમાં ન્યાય-વૈશેષિકને અનુસરતા હોવાથી તેમના મત પ્રમાણે પણ નિર્વિકલ્પકના પ્રમાત્વની તે જ કલ્પનાઓને માનવી જોઈએ જે ન્યાયવૈશેષિક પરંપરામાં સ્થિર થઈ છે. આ વિષયમાં જૈન પરંપરાનું મંતવ્ય અહીં વિશેષપણે વર્ણન કરવા યોગ્ય છે.
જૈન પરંપરામાં પ્રમાત્વ અર્થાત્ પ્રામાયનો પ્રશ્ન તેમાં તર્કયુગ આવ્યો તે પછીનો છે, પહેલાંનો નથી. પહેલાં તો માત્ર આગમિક દૃષ્ટિ હતી. આગમિક દષ્ટિ અનુસાર દર્શનોપયોગને પ્રમાણ કે અપ્રમાણ કહેવાનો પ્રશ્ન જ ન હતો. એ દષ્ટિ અનુસાર દર્શન હો કે જ્ઞાન, કાં તો તે સમ્યક હોઈ શકે કે મિથ્યા હોઈ શકે. તેમનું સમ્યકત્વ કે મિથ્યાત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org