Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
વૃદ્ધિપત્રક
પૃ. ૫૭ ‘ન’. દર્શન શબ્દના ત્રણ અર્થો બધી પરંપરાઓમાં પ્રસિદ્ધ છે, જેમ કે ઘટદર્શન ઇત્યાદિ વ્યવહારમાં ચાક્ષુષ જ્ઞાનના અર્થમાં, આત્મદર્શન ઇત્યાદિ વ્યવહારમાં સાક્ષાત્કારના અર્થમાં અને ન્યાયદર્શન, સાંખ્યદર્શન ઇત્યાદિ વ્યવહારમાં ખાસ ખાસ પરંપરા સમ્મત નિશ્ચિત વિચારસરણીના અર્થમાં દર્શન શબ્દનો પ્રયોગ સર્વસમ્મત છે પરંતુ તેના બે અર્થો જે જૈન પરંપરામાં પ્રસિદ્ધ છે તે અન્ય પરંપરાઓમાં પ્રસિદ્ધ નથી. તે બેમાંથી એક અર્થ તો છે શ્રદ્ધાન અને બીજો અર્થ છે સામાન્યબોધ કે આલોચન માત્ર. જૈન શાસ્ત્રોમાં તત્ત્વશ્રદ્ધાને દર્શન પદથી વ્યવહત કરવામાં આવે છે, જેમ કે તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યર્શનમ્ - તત્ત્વાર્થસૂત્ર, ૧.૨. આ જ રીતે વસ્તુના નિર્વિશેષસત્તામાત્રના બોધને પણ દર્શન કહેવામાં આવે છે, જેમ
-
૧. ઉપનિષદોમાં અને બૌદ્ધ પરંપરામાં ‘દર્શન’ શબ્દનો પ્રયોગ શ્રદ્ધાના અર્થમાં થયો છે. જુઓ નગીન જી. શાહ કૃત ‘જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગ્દર્શન) મતિજ્ઞાન અને કેવલજ્ઞાનની વિભાવના', પૃ. ૪ અને ૬. – અનુવાદક].
-
૨. દર્શન શબ્દનો આલોચન અર્થ, જેનું બીજું નામ અનાકાર ઉપયોગ પણ છે, જે અહીં આપ્યો છે તે શ્વેતામ્બર-દિગમ્બર બન્ને પરંપરાની અતિ પ્રસિદ્ધ માન્યતાના આધારે છે. વસ્તુતઃ બન્ને પરંપરામાં અનાકાર ઉપયોગ સિવાય અન્ય અર્થો પણ દર્શન શબ્દના જોવામાં આવે છે. ઉદાહરણાર્થ, લિંગ વિના જ સાક્ષાત્ થનારો બોધ અનાકાર યા દર્શન છે અને લિંગસાપેક્ષ બોધ સાકાર યા જ્ઞાન છે. આ એક મત છે. બીજો મત એવો પણ છે કે વર્તમાનમાત્રગ્રાહી બોધ દર્શન છે અને ત્રૈકાલિકગ્રાહી બોધ જ્ઞાન છે (તત્ત્વાર્થભાષ્યટીકા, ૨.૯). દિગમ્બરીય ધવલા ટીકાનો એવો પણ મત છે કે જે આત્મમાત્રનું અવલોકન તે દર્શન અને જે બાહ્ય અર્થનો પ્રકાશ તે જ્ઞાન. આ મત બૃહદ્રવ્યસંગ્રહટીકા (ગાથા ૪૪) તથા લઘીયસ્ત્રયીની અભયચન્દ્રકૃત ટીકામાં (૧.૫) નિર્દિષ્ટ છે.
[બોધરૂપ દર્શનના વિવિધ અર્થઘટનો માટે તેમજ સાંખ્ય-યોગની દર્શનની માન્યતા સાથે તુલના માટે જુઓ જાગૃતિ દીલીપ શેઠકૃત પુસ્તક ‘જૈનદર્શન અને સાંખ્ય-યોગમાં જ્ઞાનદર્શનવિચારણા'નું પ્રકરણ ત્રીજું, પૃ. ૫૭-૮૮ અને ૧૦૫-૧૦૮. — અનુવાદક]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org