Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૧૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા . પણ ત્રણે વિશેષણોની વ્યાવૃત્તિ સ્પષ્ટપણે દર્શાવવામાં આવી છે. અન્તર એટલું જ છે કે માણિક્યનન્દી (પરીક્ષામુખ, ૩.૨૦) અને દેવસૂરિએ (પ્રમાણનયતત્તાલોક, ૩. ૧૪-૧૭) તો બધી વ્યાવૃત્તિઓ ધર્મકીર્તિની જેમ મૂલસૂત્રમાં જ દર્શાવી છે જ્યારે આચાર્ય હેમચન્દ્ર બે વિશેષણોની વ્યાવૃત્તિઓને વૃત્તિમાં દર્શાવીને કેવળ એક અબાધ્ય વિશેષણની વ્યાવૃત્તિને સૂત્રબદ્ધ કરી છે. પ્રશસ્તપાદે પ્રત્યક્ષવિરુદ્ધ, અનુમાનવિરુદ્ધ, આગમવિરુદ્ધ, સ્વશાસ્ત્રવિરુદ્ધ અને સ્વવચનવિરુદ્ધ રૂપે પાંચ બાધિત પક્ષો દર્શાવ્યા છે. ન્યાયપ્રવેશમાં પણ બાધિત પક્ષો પાંચ જ છે પરંતુ સ્વશાસ્ત્રવિરુદ્ધના સ્થાને લોકવિરુદ્ધ છે. ન્યાયબિન્દુમાં આગમવિરુદ્ધ અને લોકવિરુદ્ધ બન્ને નથી પરંતુ પ્રતીતિવિરુદ્ધનો સમાવેશ કરીને પ્રત્યક્ષવિરુદ્ધ, અનુમાનવિરુદ્ધ, સ્વવચનવિરુદ્ધ અને પ્રતીતિવિરુદ્ધ એમ કુલ ચાર બાધિત પક્ષો દર્શાવ્યા છે. એવું જણાય છે કે બૌદ્ધ પરંપરાગત આગમપ્રામાણ્યના અસ્વીકારનો વિચાર કરીને ધર્મકીર્તિએ આગમવિરુદ્ધને સ્થાન આપ્યું નથી, પરંતુ સાથે જ પ્રતીતિવિરુદ્ધને દાખલ કર્યો. માણિક્યનન્દીએ (પરીક્ષામુખ, ૬.૧૫) આ બાબતમાં ન્યાયબિન્દુનું નહિ પણ ન્યાયપ્રવેશનું અનુસરણ કરીને તેના પાંચ બાધિત પક્ષો માની લીધા જેમને દેવસૂરિએ પણ માની લીધા. અલબત્ત દેવસૂરિએ (પ્રમાણનયતત્ત્વાલક, ૬.૪૦) માણિક્યનન્દીનું અને ન્યાયપ્રવેશનું અનુસરણ કરીને પણ આદિ પદ મૂકી દીધું અને પોતાની વ્યાખ્યા રત્નાકરમાં સ્મરણવિરુદ્ધ, તર્કવિરુદ્ધ રૂપે અન્ય બાધિત પક્ષોને પણ દર્શાવ્યા. આચાર્ય હેમચન્દ્ર ન્યાયબિન્દુના પ્રતીતિવિરુદ્ધને લઈ લીધો, બાકીના પાંચ ન્યાયપ્રવેશ અને પરીક્ષામુખના લઈને કુલ છ બાધિત પક્ષોને સૂત્રબદ્ધ કર્યા છે. માઠર (સાંખ્યકારિકા, ૫) જે સંભવતઃ ન્યાયપ્રવેશથી પ્રાચીન છે તેમણે પક્ષાભાસોની નવ સંખ્યાનો જ માત્ર નિર્દેશ કર્યો છે, ઉદાહરણો નથી આપ્યાં. ન્યાયપ્રવેશમાં ઉદાહરણ સાથે નવ પક્ષાભાસોનો નિર્દેશ છે. . (૩) આચાર્ય હેમચન્દ્ર સાધ્યધર્મવિશિષ્ટ ધર્મીને અને સાધ્યધર્મ માત્રને પણ કહીને તેના બે આકારો દર્શાવ્યા છે, જે બે આકારો તેમના પૂર્વવર્તી માણિક્યનન્દી (૩.૨૫૨૬, ૩૨) અને દેવસૂરિએ (૩.૧૬-૧૮) પણ દર્શાવ્યા છે. ધર્મકીર્તિએ સૂત્રમાં તો એક જ આકારનો નિર્દેશ કર્યો છે પરંતુ તેની વ્યાખ્યામાં ધર્મોત્તરે (૨.૮) કેવલ ધર્મી, કેવલ ધર્મ અને ધર્મધર્મિસમુદાયરૂપે પક્ષના ત્રણ આકારો દર્શાવ્યા છે અને સાથે સાથે પ્રત્યેક આકારનો ઉપયોગ ક્યા કયા સમયે થાય છે એ પણ દર્શાવ્યું છે જે અપૂર્વ છે. વાત્સ્યાયને (ન્યાયભાષ્ય, ૧.૧.૩૬) ધર્મવિશિષ્ટ ધર્મી અને ધર્મિવિશિષ્ટ ધર્મ રૂપે પક્ષના બે આકારોનો નિર્દેશ કર્યો છે. પરંતુ આકારોના ઉપયોગોનું વર્ણન ધર્મોત્તરની પેલી વ્યાખ્યા સિવાય અન્યત્ર પૂર્વ ગ્રંથોમાં ક્યાંય દેખાતું નથી. માણિક્યનન્દીએ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org