Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા મારીમચડીને મેળ બેસાડવાનો પ્રયત્ન કરવા કરતાં બન્ને અંશોને તુલ્ય સત્યરૂપમાં સ્વીકારવા એ જ ન્યાયસંગત છે. આ પ્રતિપાદનમાં દેખાતા વિરોધનો પરિવાર તેમણે દ્રવ્ય અને પર્યાય યા સામાન્ય અને વિશેષને ગ્રહણ કરનારી બે દષ્ટિઓનું સ્પષ્ટ પૃથક્કરણ કરીને કરી દીધો, દ્રવ્ય-પર્યાયની વ્યાપક દષ્ટિનો આ વિકાસ જૈન પરંપરાનું જ પ્રદાન છે.
જીવાત્મા, પરમાત્મા અને ઈશ્વરના સંબંધમાં સદ્ગુણવિકાસ યાઆચરણસાફલ્યની દષ્ટિએ અસંગત એવી અનેક કલ્પનાઓ તત્ત્વચિન્તનના પ્રદેશમાં પ્રચલિત હતી. એક માત્ર પરમાત્મા જ છે યા પરમાત્માથી જુદા અનેક જીવાત્મા ચેતન પણ છે, પરંતુ તત્ત્વતઃ તે બધા કૂટસ્થ નિર્વિકાર અને નિર્લેપ જ છે. જે કંઈ દોષ યા બન્ધન છે તે યા તો કેવળ ભ્રાન્તિ જ છે યા જડપ્રકૃતિગત છે. આ મતલબનું તત્ત્વચિન્તન એક તરફ હતું. બીજી તરફ એવું પણ તત્ત્વચિન્તન હતું જે કહેતું કે ચૈતન્ય તો છે, તેમાં દોષ, વાસના આદિનું વળગણ છે તથા તેનાથી છૂટકારાની યોગ્યતા પણ છે પરંતુ તે ચૈતન્યની પ્રવાહબદ્ધ ધારામાં કોઈ સ્થિર તત્ત્વ નથી. આ બન્ને પ્રકારના તત્ત્વચિન્તનોમાં સદ્ગુણવિકાસ અને સદાચારસાફલ્યની સંગતિ સરળતાથી બંધબેસતી નથી. વૈયક્તિકયા સામૂહિક જીવનમાં સદ્ગુણવિકાસ અને સદાચારનિર્માણ સિવાય બીજી કોઈ પણ રીતે સામંજસ્ય જામી શકતું નથી. આવું વિચારી જૈન ચિન્તકોએ આત્માનું સ્વરૂપ એવું માન્યું જેમાં એકસરખી પરમાત્મ શક્તિ પણ રહે અને સાથે સાથે જેમાં દોષ, વાસના આદિના નિવારણ દ્વારા જીવનશુદ્ધિની વાસ્તવિક જવાબદારી પણ રહે. આત્મવિષયક જૈન ચિન્તનમાં વાસ્તવિક પરમાત્મશક્તિ યા ઈશ્વરભાવનું તુલ્ય રૂપમાં સ્થાન છે અને સાથે સાથે અનુભવસિદ્ધ આગન્તુક દોષોના નિવારણાર્થ તથા સહજશુદ્ધિના આવિર્ભાવાર્થ પ્રયત્નને પૂરો અવકાશ પણ છે. આ વ્યવહારસિદ્ધ બુદ્ધિમાંથી જીવભેદવાદ તથા દેહપરિમાણવાદ સ્થાપિત થયા જે સંમિલિતરૂપે એકમાત્ર જૈન પરંપરામાં જ છે.'
૧૧. સર્વજ્ઞત્વસમર્થન–પ્રમાણશાસ્ત્રમાં જૈન સર્વજ્ઞવાદ બે દૃષ્ટિએ પોતાનું ખાસ સ્થાન ધરાવે છે. એક તો એ કે તે જીવસર્વજ્ઞવાદ છે જેમાં પ્રત્યેક અધિકારી જીવની સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરવાની શક્તિ માનવામાં આવી છે અને બીજી દષ્ટિ એ કે જૈન પક્ષ નિરપવાદપણે સર્વજ્ઞવાદી જ રહ્યો છે જેવું ન તો બૌદ્ધ પરંપરામાં બન્યું છે કે ન તો વૈદિક પરંપરામાં. આ કારણે કાલ્પનિક, અકાલ્પનિક, મિશ્રિત એવી બધી જ સર્વજ્ઞત્વસમર્થક યુક્તિઓનો સંગ્રહ એકલા જૈન પ્રમાણશાસ્ત્રમાં જ મળી જાય છે. તે
૧. ટિપ્પણ પૃ.૩૬૭, પૃ.૩૬૮; પૃ.૩૭૨. ૨. ટિપ્પણ પૃ.૩૮૭; પૃ.૪૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org