Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ ભિન્ન અપેક્ષાએ એક જ જ્ઞાન જ્ઞાન પણ હોય અને જોય પણ તો તેમાં કોઈ વિરોધ નથી. [જેમ તલવાર પોતે પોતાને કાપી શકતી નથી તેમ જ્ઞાન પણ પોતે પોતાને જાણી શકે નહિ] કારણ કે તેમ માનવામાં કર્તાના પોતાના ઉપર જ ક્રિયાવ્યાપાર થવાનો વિરોધ આવે અર્થાત એક જ ક્રિયામાં કર્તા અને કર્મ બન્નેને એક માનવાનો વિરોધ આવે કારણ કે એક જ ક્રિયામાં કર્તા અને કર્મ બન્ને એક હોઈ શકે જ નહિ–આમ કહેવું ઉચિત નથી. તેનું કારણ એ છે કે જે વસ્તુ અનુભવસિદ્ધ હોય તેમાં વિરોધ સંભવતો નથી. વળી, અનુમાન પ્રમાણથી સ્વસંવેદન (અર્થાત્ જ્ઞાને પોતે પોતાને જાણવું) સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે–(૧) જ્ઞાન પોતે પ્રકાશમાન બનીને જ અર્થને પ્રકાશિત કરે છે કારણ કે તે પ્રકાશક છે. જે જે પ્રકાશક હોય છે તે પોતે પ્રકાશમાન બનીને જ અર્થને છે પ્રકાશિત કરે છે, જેમ કે દીપક. જ્ઞાન સ્વસંવેદનશીલ હોતાં તે પ્રકાશ્ય છે અને પ્રકાશ્યનું પ્રકાશક હોવું અસિદ્ધ છે આવી આશંકા અયોગ્ય છે, કારણ કે અજ્ઞાનનિવારણ વગેરે કરવાને કારણે જ્ઞાનનું પ્રકાશત્વ ઘટે છે. નેત્ર વગેરે ઇન્દ્રિયો સ્વયં પ્રકાશમાન થયા વિના જ અર્થને પ્રકાશિત કરે છે અર્થાત્ અર્થપ્રકાશક બને છે એટલે પ્રકાશકત્વ હેતુ અર્નકાન્તિક છે એમ કહેવું પણ બરાબર નથી કારણ કે ભાવેન્દ્રિયો જ પ્રકાશક છે અને તેઓ સ્વયંપ્રકાશમાન પણ હોય છે, સ્વસંવેદી પણ હોય છે એટલે વ્યભિચાર દોષ નથી. (૨) જ્ઞાન સ્વપ્રકાશક છે કારણ કે તે અર્થપ્રકાશક છે, જે સ્વપ્રકાશક નથી તે અર્થપ્રકાશક પણ નથી, જેમ કે ઘટ. (૩) જ્ઞાન પોતે પોતાને જાણવા માટે બીજા કોઈ જ્ઞાનની અપેક્ષા નથી રાખતું, કારણ કે તે જ્ઞાન છે, જે જે જ્ઞાન હોય છે તે પોતાને જાણવા બીજા જ્ઞાનની અપેક્ષા નથી રાખતું, જેમ કે વિષયાન્તરગ્રાહી જ્ઞાનની પહેલાં થનારા વિષયાન્તરગ્રાહી જ્ઞાનપ્રવાહનું અંતિમજ્ઞાન. અને જેની બાબતમાં વિવાદ છે તે જ્ઞાન રૂપાદિનું જ્ઞાન છે. તાત્પર્ય એ છે કે કોઈ વ્યક્તિને અત્યારે ઘટનું જ્ઞાન થઈ રહ્યું છે અર્થાત્ ઘટજ્ઞાનોનો પ્રવાહ ચાલી રહ્યો છે. હવે ધ્યાન ઘટ ઉપરથી પટ ઉપર જતાં પટનું જ્ઞાન થવા લાગ્યું. અહીં વિચારણીય પ્રશ્ન એ છે કે જ્યાં સુધી ઘટજ્ઞાનોનો પ્રવાહ ચાલી રહ્યો હતો ત્યાં સુધી તો કોઈ કહી શકે કે પછી પછીનું ઘટજ્ઞાન પહેલાં પહેલાંના ઘટજ્ઞાનને જાણે છે, પરંતુ તે પ્રવાહના અંતિમક્ષણવર્તી ઘટજ્ઞાનને કોણ જાણશે? યાદ રાખવું જોઈએ કે અન્તિમક્ષણવર્તી ઘટજ્ઞાન પછી વિના અંતર તરત જ પટજ્ઞાન ઉત્પન્ન થયું છે અને પટજ્ઞાન પોતાના પૂર્વવર્તી ઘટજ્ઞાનને જાણી શકે નહીં, તે તો પટને જ જાણશે. આવી પરિસ્થિતિમાં માનવું પડશે કે તે ઘટજ્ઞાન પોતે પોતાને જાણે છે, તો પછી જેમ ઘટજ્ઞાનના પ્રવાહનું અંતિમજ્ઞાન પોતે પોતાને જાણે છે તેમ પૂર્વવર્તી ઘટજ્ઞાનો પણ પોતે પોતાને જાણે છે એમ માનવું જ જોઈએ.] (૪) જ્ઞાન પોતાના જ્ઞાન માટે પોતાના અવાન્તર જાતીયની અર્થાત્ સજાતીય જ્ઞાનાન્તરની અપેક્ષા નથી રાખતું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org