Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રસ્તાવના
૨૧
શ્વેતાંબર પરંપરામાં સિદ્ધસેનનાં સંસ્કૃત તથા પ્રાકૃત તર્કપ્રકરણોને તેમના અનુગામીઓએ ટીકાગ્રન્થોથી વિભૂષિત કરીને તે તર્કપ્રકરણોને વિશેષ સુગમ તથા પ્રચારણીય બનાવવાના પણ પ્રયત્નો આ યુગમાં શરૂ કર્યા હતા. આ સિલસિલામાં પ્રભાચન્દ્રે પ્રમેયોનાં કમલ ઉ૫૨ માર્તંડનો પ્રખર પ્રકાશ તથા ન્યાયનાં કુમુદો ઉપર ચન્દ્રનો સૌમ્ય પ્રકાશ પાડી જ દીધો હતો. અભયદેવે તત્ત્વબોધવિધાયિની ટીકા યા વાદાર્ણવનું સર્જન કરીને તત્ત્વસંગ્રહ અને પ્રમાણવાર્તિકાલંકાર જેવા બૃહદ્ ગ્રન્થોની ખોટ પૂરી દીધી હતી. વાદિદેવસૂરિએ રત્નાકર રચીને તેમાં બધાં પૂર્વવર્તી જૈન ગ્રન્થરત્નોનો પૂરેપૂરો સંગ્રહ કરી દીધો હતો. આ બધું હેમચન્દ્રની સામે હતું. પરંતુ તેમને એ માલૂમ પડી ગયું કે તે ન્યાય-પ્રમાણવિષયક સાહિત્યમાં કેટલોક ભાગ તો એવો છે જે અતિ મહત્ત્વનો હોવા છતાં પણ એક એક વિષયની જ ચર્ચા કરે છે યા અત્યંત સંક્ષિપ્ત છે. બીજો ભાગ એવો છે કે જે છે તો સર્વવિષયગ્રાહી પરંતુ તે ઉત્તરોત્તર એટલો અધિક વિસ્તૃત તથા શબ્દક્લિષ્ટ છે કે સર્વસાધારણના અભ્યાસનો વિષય નથી બની શકતો. આ વિચારના પરિણામે હેમચન્દ્ર એક એવો પ્રમાણવિષયક ગ્રન્થ લખવાનું વિચાર્યું જે તેમના સમય સુધીમાં ચર્ચાયેલા એક પણ દાર્શનિક વિષયની ચર્ચાથી ખાલી ન રહે અને તેમ છતાં તે પાઠ્યક્રમને યોગ્ય મધ્યમ કદનો હોય. આ દૃષ્ટિમાંથી ‘પ્રમાણમીમાંસા’નો જન્મ થયો. તેમાં હેમચન્દ્રે પૂર્વવર્તી આગમિક-તાર્કિક બધાં જૈન મન્તવ્યોને વિચાર તથા મનનથી પચાવીને પોતાની ઢબની વિશદ અને અપુનરુક્ત સૂત્રશૈલીમાં તથા સર્વસંગ્રાહિણી વિશદતમ સ્વોપજ્ઞ વૃત્તિમાં સન્નિવિષ્ટ કર્યાં. જો કે પૂર્વવર્તી અનેક જૈન ગ્રન્થોનું સુસંબદ્ધ દોહન આ મીમાંસામાં છે જે ટિપ્પણોમાં કરવામાં આવેલી તુલનાથી સ્પષ્ટ થઈ જાય છે તેમ છતાં તે અધૂરી તુલનાના આધારે અહીં એ પણ કહી દેવું સમુચિત છે કે પ્રસ્તુત ગ્રન્થના નિર્માણમાં હેમચન્દ્ર પ્રધાનપણે કયા કયા ગ્રન્થો અને ગ્રન્થકારોનો આશ્રય લીધો છે. નિર્યુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય તથા તત્ત્વાર્થ જેવા આગમિક ગ્રન્થ તથા સિદ્ધસેન, સમન્તભદ્ર, અકલંક, માણિક્યનન્દી અને વિઘાનન્દની પ્રાયઃ બધી જ કૃતિઓ તેની ઉપાદાનસામગ્રી બની છે. પ્રભાચન્દ્રના માર્તંડની પણ તેમાં પૂરી અસર છે. જો અનન્તવીર્ય ખરેખર હેમચન્દ્રના પૂર્વવર્તી યા સમકાલીન વૃદ્ધ રહ્યા હશે તો એ પણ સુનિશ્ચિત છે કે આ પ્રમાણમીમાંસાની રચનામાં તેમની લઘુ પ્રમેયરત્નમાલાનો વિશેષ ઉપયોગ થયો હશે. વાદિદેવસૂરિની કૃતિનો પણ ઉપયોગ તેમાં સ્પષ્ટ છે જ; તો પણ જૈન તાર્કિકોમાંથી અકલંક અને માણિક્યનન્દીના જ માર્ગનું અનુસરણ પ્રધાનપણે દેખાય છે. ઉપયુક્ત જૈન ગ્રન્થોમાં આવેલા બ્રાહ્મણબૌદ્ધ ગ્રન્થોનો ઉપયોગ થઈ જવો તો સ્વાભાવિક જ હતું; તો પણ પ્રમાણમીમાંસાના સૂક્ષ્મ અવલોકન તથા તુલનાત્મક અભ્યાસથી એ પણ જાણવા મળી જાય છે કે હેમચન્દ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org