Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
એક જ વસ્તુની ભાવરૂપતા અને અભાવરૂપતા વચ્ચે પણ વિરોધ નથી. માત્ર વિધિમુખથી કે માત્ર નિષેધમુખથી જ વસ્તુની પ્રતીતિ નથી થતી. દૂધ દૂધરૂપે પણ પ્રતીત થાય છે અને અદધિરૂપે કે દધિભિન્નરૂપે પણ પ્રતીત થાય છે. આવી પરિસ્થિતિમાં તે ભાવ-અભાવ ઉભયરૂપ સિદ્ધ થઈ જાય છે અને એક જ વસ્તુમાં ભાવત્વઅભાવત્વનો વિરોધ પ્રતીતિના સ્વરૂપભેદ દ્વારા દૂર થઈ જાય છે. આ જ રીતે ધર્મધર્મી, ગુણ-ગુણી, કાર્ય-કારણ, આધાર-આધેય આદિ દ્વન્દ્વોના અભેદ અને ભેદના વિરોધનો પરિહાર પણ અનેકાન્ત દૃષ્ટિ કરી દે છે.
૩૦
જ્યાં આપ્તત્વ અને તેના મૂળના પ્રામાણ્યમાં સંદેહ હોય ત્યાં હેતુવાદ દ્વારા પરીક્ષાપૂર્વક જ નિર્ણય કરવો ક્ષેમંકર છે, શ્રેયસ્કર છે. પરંતુ જ્યાં આપ્તત્વમાં કોઈ સંદેહ ન હોય ત્યાં હેતુવાદનો પ્રયોગ અનવસ્થાકારક હોવાથી ત્યાજ્ય છે. એવા સ્થાનોમાં આગમવાદ જ માર્ગદર્શક બની શકે છે. આ રીતે વિષયભેદથી કે એક જ વિષયમાં પ્રતિપાદ્યભેદથી હેતુવાદ અને આગમવાદ બન્નેને અવકાશ છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી. આ જ સ્થિતિ દૈવવાદ અને પુરુષાર્થવાદની પણ છે. તેમની વચ્ચે પણ કોઈ વિરોધ નથી. જ્યાં બુદ્ધિપૂર્વક પૌરુષ કાર્યકર નથી ત્યાંની સમસ્યાઓનો ઉકેલ દૈવવાદ કરી શકે છે; પરંતુ પૌરુષનો બુદ્ધિપૂર્વક પ્રયોગ જ્યાં કાર્યકર છે ત્યાં પુરુષાર્થવાદ જ સ્થાન પામે છે. આ રીતે જુદાં જુદાં પાસાંઓની અપેક્ષાએ એક જ જીવનમાં દેવવાદ અને પૌરુષવાદ બન્નેનો સમન્વય કરી શકાય છે.
કારણમાં કાર્યને ઉત્પત્તિ પહેલાં કેવળ સત્ યા કેવળ અસત્ માનનારા બે વાદોના વિરોધનો પરિહાર અનેકાન્ત દૃષ્ટિ સરળતાથી કરી દે છે. તે કહે છે કે કાર્ય ઉત્પત્તિ પહેલાં ઉપાદાનમાં સત્ પણ છે અને અસત્ પણ. કંકણ બનતાં પહેલાં પણ સુવર્ણમાં કંકણ બનવાની શક્તિ છે તેથી ઉત્પત્તિ પહેલાં પણ શક્તિરૂપે યા કારણાભેદની દૃષ્ટિએ કાર્ય સત્ કહેવાય છે. શક્તિરૂપે સત્ હોવા છતાં ઉત્પાદક સામગ્રીના અભાવમાં તે કાર્ય આવિર્ભૂત યા ઉત્પન્ન થતું ન હોવાના કારણે ઉપલબ્ધ થતું નથી, તેથી તે અસત્ પણ છે. તિરોભાવ દશામાં જ્યારે કંકણ ઉપલબ્ધ નથી થતું ત્યારે પણ કુંડલાકા૨ધા૨ી સુવર્ણ કંકણ બનવાની યોગ્યતા ધરાવે છે એટલે તે દશામાં કંકણ અસત્ હોવા છતાં પણ યોગ્યતાની દૃષ્ટિએ સુવર્ણમાં સત્ કહી શકાય.
બૌદ્ધોનો કેવળ પરમાણુપુંજવાદ અને નૈયાયિકોનો અપૂર્વાવયવીવાદ એ બન્ને પરસ્પર ટકરાય છે. પરંતુ અનેકાન્ત દૃષ્ટિએ સ્કન્ધનો-જે ન તો કેવળ ૫૨માણુપુંજ છે કે ન તો અવયવોથી ભિન્ન એવા અનુભવબાધિત અપૂર્વ અવયવી રૂપ છે—સ્વીકાર કરીને વિરોધનો સમુચિત પરિહાર તેમજ બન્ને વાદોનો નિર્દોષ સમન્વય કરી દીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org