Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
વસ્તુનો (અર્થનો)વિચાર કરે છે. તેથી એવી મનોવૃત્તિથી ફલિત વસ્તુચિન્તનો (અર્થચિન્તનો) શબ્દનય કહેવાય છે. શાબ્દિક લોકો (વૈયાકરણો) જ મુખ્યપણે શબ્દનયના અધિકારી છે, કારણ કે તેમના જ વિવિધ દૃષ્ટિબિંદુઓથી શબ્દનયમાં વિવિધતા આવી છે.
જે શાબ્દિકો (વૈયાકરણો) બધા શબ્દોને અખંડ અર્થાત્ અવ્યુત્પન્ન માને છે તેઓ વ્યુત્પત્તિભેદે અર્થભેદ ન માનવા છતાં પણ લિંગ, પુરુષ, કાલ આદિ અન્ય પ્રકારના શબ્દધર્મોના ભેદના આધારે અર્થનું વૈવિધ્ય દર્શાવે છે. તેમનું આ અર્થભેદનું દર્શન શબ્દનય કે સામ્પ્રતનય છે. પ્રત્યેક શબ્દને વ્યુત્પત્તિસિદ્ધ જ માનવાવાળી મનોવૃત્તિથી વિચાર કરનારા શાબ્દિકો પર્યાય અર્થાત્ એકાર્થક ગણાતા શબ્દોના અર્થમાં પણ 、 વ્યુત્પત્તિભેદે ભેદ દર્શાવે છે. શક્ર, ઈન્દ્ર વગેરે જેવા પર્યાય શબ્દોના અર્થભેદનું તેમનું આ દર્શન સમભિરૂઢનય કહેવાય છે. વ્યુત્પત્તિના ભેદના કારણે જ નહિ, કિન્તુ એક જ વ્યુત્પત્તિથી ફલિત થનાર અર્થની હાજરી અને ગેરહાજરીના ભેદના કારણે પણ જે દર્શન અર્થભેદ માને છે તે એવંભૂતનય કહેવાય છે. આ તાર્કિક છ નયો ઉપરાંત એક નૈગમ નામનો નય પણ છે. જેમાં નિગમ અર્થાત્ દેશરૂઢ અનુસાર અભેદગામી અને ભેદગામી બધા પ્રકારના વિચારોનો સમાવેશ માનવામાં આવ્યો છે. મુખ્યપણે આ જ સાત નય છે, પરંતુ કોઈ પણ એક અંશનું અર્થાત્ દૃષ્ટિકોણનું અવલંબન લઈને પ્રવૃત્ત થનારા બધા જ પ્રકારના વિચારો તે તે અપેક્ષાના સૂચક નયો જ છે.
શાસ્ત્રમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે નયો પણ પ્રસિદ્ધ છે પરંતુ તે નયો ઉપર્યુક્ત સાત નયોથી અલગ નથી પરંતુ તે સાત નયોનું જ સંક્ષિપ્ત વર્ગીકરણ યા તેમની જ ભૂમિકામાત્ર છે. દ્રવ્ય અર્થાત્ સામાન્ય, અન્વય, અભેદ યા એકત્વને વિષય કરનારો વિચારમાર્ગ દ્રવ્યાર્થિકનય છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર આ ત્રણેય દ્રવ્યાર્થિક જ છે.
આ ત્રણમાં સંગ્રહ તો શુદ્ધ અભેદનો વિચારક હોવાથી શુદ્ધ યા મૂલ દ્રવ્યાર્થિક છે જ્યારે વ્યવહાર અને નૈગમની પ્રવૃત્તિ ભેદગામી હોવા છતાં પણ કોઈને કોઈ પ્રકારના અભેદનું અવલંબન લઈને જ ચાલે છે. તેથી તે બેને પણ દ્રવ્યાર્થિક જ માનવમાં આવ્યા છે. અલબત્ત, તે બે સંગ્રહની જેમ શુદ્ઘ દ્રવ્યાર્થિક નથી પરંતુ અશુદ્ધ અર્થાત્ મિશ્રિત જ દ્રવ્યાર્થિક છે.
પર્યાય એટલે વિશેષ, વ્યાવૃત્તિ યા ભેદને જ લક્ષ્ય કરીને પ્રવૃત્ત થનારો વિચારપથ પર્યાયાર્થિક નય છે. ઋજુસૂત્ર આદિ બાકીના ચારેય નયો પર્યાયાર્થિક જ મનાયા છે. અભેદને છોડીને માત્ર ભેદનો વિચાર ઋજુસૂત્રથી શરૂ થાય છે. તેથી ઋજુસૂત્રને શાસ્ત્રમાં પર્યાયાર્થિક નયની પ્રકૃતિ યા મૂલ આધાર કહેવામાં આવેલ છે. પછીના શબ્દ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org