________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૯
ટીકાર્થ— આયુષ્ક— જે આવે અને જાય તે આયુષ્ય. અર્થાત્ નહિ અનુભવેલું આયુષ્ય આવે છે અને અનુભવેલું આયુષ્ય જાય છે. જો કે બધા જ પ્રકારનાં કર્મો આવાં છે, તો પણ પ્રસ્તુત ભવના સાતત્યનો વિચ્છેદ થતો નથી, અર્થાત્ જેટલું આયુષ્ય હોય તેટલું ભોગવવું જ પડે છે, જ્યારે મિથ્યાત્વ આદિ કર્મમાં વિચ્છેદ થાય છે=મિથ્યાત્વ કર્મ આદિનો નાશ કરી શકાય છે. આયુષ્ય કર્મનો કોઇ પણ રીતે નાશ કરી શકાતો નથી. આથી અહીં જે આવે અને જાય તે આયુષ્ય એવા અર્થથી આયુષ્ય જ ગ્રહણ કરાય છે, અન્ય કર્મ નહિ.
નામ— જે નમાવે તે નામ. નામ કર્મ શુભ-અશુભ ગતિ આદિમાં નમાવે છે (=લઇ જાય છે) માટે શુભ-અશુભ ગતિ વગેરે નામકર્મ છે.
ગોત્ર– વાણીનું રક્ષણ કરે તે ગોત્ર.
પ્રશ્ન– ગોત્રના ઉચ્ચગોત્ર અને નીચગોત્ર એમ બે ભેદ છે. જેનાથી જીવ ઉચ્ચકુળમાં જન્મે તે ઉચ્ચગોત્ર કર્મ. જેનાથી જીવ નીચગોત્રમાં જન્મે તે નીચગોત્ર કર્મ. આમાં વાણીનું રક્ષણ કરે તે ગોત્ર એવો અર્થ ઘટતો નથી.
ઉત્તર– શબ્દો રૂઢ અને યૌગિક એમ બે પ્રકારના હોય છે. પ્રકૃતિ અને પ્રત્યયના યોગથી થતો અર્થ જેમાં ઘટે તે યૌગિક શબ્દ છે અને પ્રકૃતિ-પ્રત્યયના યોગથી થતો અર્થ જેમાં ન ઘટે તે રૂઢ શબ્દ છે. આવા રૂઢ કર્મના નામોમાં ક્રિયા કર્મની (=કર્મના નામની) વ્યુત્પત્તિ પૂરતી હોય છે, કાર્ય માટે નહિ. અર્થાત્ વ્યુત્પત્તિ પ્રમાણે તેમાં કાર્ય ન હોય. આથી ઉચ્ચગોત્ર ઉચ્ચભાવનું (=ઉચ્ચકુળમાં જન્મેલો જીવ ઊંચો ગણાય એવા ભાવનું) કારણ છે ઇત્યાદિમાં કોઇ દોષ નથી.
અંતરાય– અંતરાય એટલે દાન આદિમાં વિઘ્ન. દાન આદિમાં વિઘ્નનું કારણ બને તે અંતરાય કર્મ.
અહીં પહેલાં જ્ઞાનાવરણ, પછી દર્શનાવરણ એવા ક્રમનું પ્રથમ ગુણઘાત વગેરે પ્રયોજન જેવી રીતે કર્મપ્રકૃતિ સંગ્રહણીમાં કહ્યું છે તે પ્રમાણે જાણવું. ગ્રંથનો વિસ્તાર થઇ જવાના ભયથી અને પરમાર્થથી અપ્રસ્તુત હોવાથી ક્રમનું પ્રયોજન અહીં લખ્યું નથી. (૧૧)
तथा
पढमं पंचवियप्पं, मइसुयओहिमणकेवलावरणं । बीयं च नववियप्पं, निद्दापण दंसणचक्कं ॥ १२ ॥