________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
‘શું સૂતા છો ?’
‘ના, જાગું છું, છાપું વાંચું છું.’
‘છાપાને છોડો, કૅમેરા લઈને બહાર નીકળો. આજે લાહોરનાં મંદિરોનો અંતિમ દિવસ છે. બધાં મંદિરો આજે તોડી નાખવામાં આવશે. ‘જૈન મંદિરોનો પ્રૉજેક્ટ તમારો ચાલી રહ્યો છે, તે પણ અધૂરો રહેશે. જે જે મંદિરોના ફોટા પાડવા હોય તે તરત જ પાડી દો.’
મને કંઈ સમજ પડતી નહોતી. લાગતું હતું કે મારું મગજ જાણે ખાલી થઈ ગયું છે. છાપા પર નજર નાખી. તેમાં મુખ્ય સમાચાર હતા ‘બાબરી મસ્જિદ પર હિંદુઓનો હુમલો, મસ્જિદ શહીદ, સેંકડો મુસલમાન શહીદ.’
લાગ્યું કે આખા પાકિસ્તાનમાં આગ લાગી ગઈ. દરેકે શહેરમાં હજારો સરઘસ, હિન્દુ, બૌદ્ધ અને જૈન મંદિરો પર હુમલા, ચારેબાજુ આગ, રસ્તા પર ટાયરો સળગી રહ્યાં હતાં. દરેક ગલી-મહોલ્લામાં નફરત.પાકિસ્તાનની ઐતિહાસિક મિલકતો નફરતની આગમાં બળી રહી હતી. લાહોરના હિન્દુઓએ પોતાનાં મકાનોને તાળાં મારી મુસલમાન મિત્રોના ઘરમાં શરણ લીધું હતું. એક દિવસમાં લાહોરના સેંકડો મંદિરો તે દિવસે માટીના ઢગલા બની ગયાં અથવા તેમને નુકસાન કરવામાં આવ્યું.
હું મારા એક મિત્ર સાથે મોટરસાઈકલ પર નીકળી પડચો. સૌથી પ્રથમ મૉડલ ટાઉન ડી. બ્લોકનું મંદિર લોકોથી ઘેરાયેલું હતું, ઓજારો અને બુલડોઝર પણ હતાં. મંદિરના પાયા પણ કંપાયમાન હતા ! હું અને અબ્બાસ મંદિરને અંતિમ વખતે જોવા ઇચ્છતા હતા.
૭ ડિસેમ્બર, ૧૯૯૨ મારા માટે કદાચ કયામતનો દિવસ હતો. આજે મારી આંખોની સામે ઇતિહાસની નિશાનીઓ દૂર થઈ રહી હતી. તેમના ફોટો લેવા સિવાય હું કંઈ કરી શકું તેમ નહોતો. ‘લાહોરમાં કેટલાં મંદિરો હશે ?’ અબ્બાસે મને પૂછ્યું. ‘લગભગ સો ઉપર’
‘એ આજે બધાં ખતમ થઈ જશે ?'
‘ખબર નથી.’
‘બસ જોયા કરો.’
૫