________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
ડાબી બાજુ અલગ અલગ પ્રકારની દુકાનો. આ દુકાનો પણ મંદિરની ઇમારતનો હિસ્સો હતી.
દુકાન પર બેઠેલા એક યુવાને અમારા કહેવાથી એક ઘરનું દ્વાર ખખડાવ્યું, પણ ત્યાં રહેલી મહિલાઓએ અંદર જવા દેવાનો ઇન્કાર કર્યો. હવે તેઓનું ઘર હતું, મંદિર નહીં. અમે તેઓનું ઘર જોવા નહીં, મંદિર જોવા આવ્યા હતા, પણ હવે આ મંદિરની ઓળખ બદલાઈ ગઈ છે. જ્યારે ઓળખ બદલાઈ જાય ત્યારે પાછળનું બધું અતીત બની જાય છે. વીતેલો ભૂતકાળ અને કેટલીક વાર ખોવાયેલો ભૂતકાળ.
પાસે જ સોનીની દુકાન હતી. દુકાનદારે સારી રીતે સ્વાગત કર્યું. અમને બેસાડચા. નામ પૂછતાં તેણે પોતાનું નામ મુહમ્મદ અસગર સાગર કહ્યું. ‘સાગર’ તેનું તખલ્લુસ હતું. તેણે કહ્યું કે, ‘મને સૂફી કલામનો શોખ છે.’
થોડી વાર પછી મેં શાંતિથી પૂછયું કે, આ મહોલ્લાનું નામ શું છે ?’ ‘આ મહોલ્લાનું નામ ‘ભાવડિયાં મહોલ્લો’ છે. અત્યારે આ ચોક ‘હુસૈની ચોક’ તરીકે ઓળખાય છે. પહેલા આને ‘મંદિરવાળો ચોક’ કહેતા હતા.’ ‘શું તમે કોઈ એવી વ્યક્તિ સાથે મેળાપ કરાવી શકો કે જે આ મંદિર તથા ભાવડા વિશે અમને કંઈક કહી શકે ?'
અસગરે તે વખતે નાના છોકરાને નંબરદાર બાબાજીને બોલાવવા મોકલ્યો. થોડી વારમાં ગ્રામ્ય પોશાકમાં એક બુઝુર્ગ દુકાનમાં આવ્યા. પૂછતાં તેઓએ પોતાનું નામ ‘મિયાં ગુલામ મુસ્તફા અરાઈ’ બતાવ્યું. સાથે જણાવ્યું કે તેઓ અહીં કેટલીય પેઢીઓ સાથે રહે છે અને નંબરદારી એટલા સમયથી મળી છે.
‘આ મંદિરનું નામ શું છે ?’
‘આ મંદિર જૈનોનું મંદિર કહેવાતું અથવા ભાવડાઓના મંદિર તરીકે પણ ઓળખાતું. આ આખો મહોલ્લો ભાવડાઓનો મહોલ્લો હતો. મંદિરના દરવાજામાં એક મોટો ઘંટ લગાવેલો રહેતો, જેને વગાડીને અંદર જતા. જ્યારે તેઓ પૂજાદિ કરતા ત્યારે સવાર-સાજ ઘંટ વગાડતા. આ મંદિરનો અંતિમ પૂજારી સાહિબસિંહ જૈન હતા, જે મંદિરનું ધ્યાન રાખતા હતા. લોકો સામાન્ય રીતે સફેદ વસ્ત્રોમાં આવતા.’
૧૦૧