________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
કાચાં મકાનોમાં રહેવાવાળા કેટલાક બાળકો ત્યાં આવી પહોંચ્યા. તેઓને લાગતું હતું કે અત્યાર સુધી આવનારા બધા લોકો કિલ્લાના જ ફોટા લે છે, સમાધિસ્થળ પર આજે પહેલી વખત આવનારા લોકો કોણ છે ?
તેમાંના એકે કહ્યું કે, આ અમારું મંદિર છે. ‘તમારું મંદિર ?'
‘હા, અહીં અમે પૂજા કરીએ છીએ.’
‘તમે હિન્દુ છો ?’
‘હા, અમે ભીલ છીએ, આ લોકો દ્રાવિડ છે. આ અમારા ભગવાનનું મંદિર છે.’
અમારા માટે આશ્ચર્યની વાત હતી. હિન્દુ, જૈન, ભીલ, દ્રાવિડ તથા કોળી પંજાબના પ્રાચીન કબીલા! ધરતીનાં સંતાનો! ખરોટથી માંડીને પારકર નગર સુધી આજે પણ આ લોકો દઢતાપૂર્વક જીવી રહ્યા છે.
બાળકોની વાતો સાંભળીને હું ફરી એકવાર સમાધિસ્થાનની અંદર જવા લાગ્યો. વરંડાની દીવાલ પર લાલ રંગથી એક વૃક્ષનું ચિત્ર બનેલું હતું. સમાધિ તરફ ધુમાડાની સેર, જાણે કોઈએ દીપક પ્રજ્વલિત કર્યો હોય ! ફર્શ પર પણ તેલના નિશાન અને સળગતી અગરબત્તીઓની રાખ હતી.
—
આ આચાર્ય જિનકુશલસૂરિજીની સમાધિ છે. તેઓએ દિલ્હીના બાદશાહ કુતબુદ્દીન ઐબકને પોતાની યોગ્યતાથી પ્રભાવિત કર્યા હતા. તેમનો જન્મ ઈ.સ. ૧૨૮૦માં થયો હતો. સિંધ અને પશ્ચિમ પાકિસ્તાનના ક્ષેત્ર તેઓના ધર્મપ્રચારનાં કેન્દ્રો રહ્યાં. ટૈક્સલા નજીક ઉચ્ચાનગર અને ક્યાસપુરમાં પણ તેઓએ વિહાર કર્યો હતો. તેઓને ત્રીજા દાદાગુરુ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનાં અનેક મંદિરો કે દાદાવાડીઓમાં તેઓની પજા થાય છે.
આ દાદાગુરુએ આ દ્રાવડ કિલ્લાની બહાર ઈ.સ. ૧૩૨૭માં દેહત્યાગ કર્યો. અહીં તેમનો અગ્નિસંસ્કાર થયો અને સમાધિસ્થળ બન્યું. લગભગ ૪ × ૪ ફૂટનો ગોળાકાર ગુંબજ અને એટલો જ મોટો વરંડો. અહીં રહેતા ભીલ, કોળી અને હિન્દુઓનું પૂજાસ્થળ. તેમાંના કોઈ આવીને દીવો પેટાવે છે.
૧૦૯