________________
પ્રકરણ : ૩૯
પાકિસ્તાનનાં જૈન મંદિરો
મરોટ (અથવા મરુકોટ)
રેતીના મોટા ઢગ (ટિબ્બા)ને પસાર કરતાં અમે મરોટ તરફ જઈ રહ્યા હતા. પ્રાચીન સરસ્વતી કે જે અહીં હાકડા નદીના નામે ઓળખાય છે, તેના વિશે એક કથા ખૂબ પ્રચલિત છે. આ કથા વિશે બુઝુર્ગોનું કહેવું છે કે, તેઓએ દાદા-પરદાદા પાસેથી સાંભળી હતી અને તેમણે પણ પોતાનાથી મોટાઓ પાસેથી સાંભળી હતી. કથામાં છુપાયો છે ઇતિહાસ
એક માજી ભઠ્ઠીમાં દાણા શેકી રહ્યાં હતાં ત્યારે એક કાગડો એક દાણો લઈને જંગલમાં જતો રહ્યો. દાણો મેળવવા માટે માજી જંગલ પાસે ગઈ અને કહ્યું કે, તું
આ વૃક્ષની શાખાઓને જોરજોરથી હલાવી નાખ. જંગલે વાત ન માનતા કઠિયારાને જંગલનાં વૃક્ષો કાપવાનું કહ્યું. તેણે પણ ન માનતાં કોટવાલ, પછી રાજા અને અંતે રાણી પાસે પહોંચીને રાજાને વાત કરવા જણાવ્યું. પરંતુ રાણીએ પણ તેની વાત ન સાંભળી. અંતે તે નદી પાસે પહોંચી અને ખૂબ રડીને પોતાની ફરિયાદ કરતાં કહ્યું કે, તે રાણીના મહેલને પાડી દે.
નદીને દયા આવી અને તે ચાલી રાણીના મહેલ તરફ. રાણી ડરી ગઈ. તેણે રાજાને વાત કરી. રાજાએ કોટવાલ ને પછી કઠિયારા અને જંગલને વાત કરી. દાણો લઈને ભાગતો કાગડો ડરી ગયો અને માજીને અનાજનો દાણો પાછો મળ્યો.
ત્યારે છોકરાઓએ પૂછ્યું કે, તે નદી કઈ હતી ? જવાબ મળ્યો – ‘હાકડા નદી’, જેને કોઈ ધગ્ધરા અને કોઈ સરસ્વતી કહે છે. પછી આ નદી રેતીના સમુદ્રમાં ડૂબી ગઈ અને તેના સૂકાવાથી રાણીનો મહેલ પણ ઉજ્જડ થઈ ગયો. હવે તે મહેલ ખંડેર છે, કાટમાળના ઢગલા છે. તે સ્થાનને મરોટ કહે છે.
સુપ્રસિદ્ધ વિદ્વાન રાલ્ફ ટી.એચ. ગ્રીબ્ય દ્વારા ઋગ્વેદ ઋચાઓના અનુવાદ અનુસાર -
લોકોક્તિ એવી છે કે, એક દિવસ બ્રહ્માજીનું મન વિચલિત થયું તો તેઓ સરસ્વતીની પાછળ દોડયા. સરસ્વતીએ જોયું કે બ્રહ્માજી નજીક આવી રહ્યા છે, તો તેની પાસે બચવાનો ઉપાય ન રહેતાં તે ધરતીની કુખ (ગોદ)માં સમાઈ ગઈ.
૧૧૯