________________
પ્રકરણ : ૪
પાકિસ્તાનનાં જૈન મંદિરો
દાદાગુરુ જિનચંદ્રસૂરિ લાહોરમાં
માણસ શું વિચારી શકતો નથી ? ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો જ્યારે આપણી પાસે કોઈ સંકેત ન હોય ત્યારે તેના વિશે વિચારી જ શકાશે. વિચારની દિશા અને દશા યોગ્ય હોય તો કોઈ ને કોઈ રસ્તો મળી જ જાય છે.
હું અનુભવ કરી રહ્યો હતો કે, આજથી ૪૦૦-૪૨૫ વર્ષ પહેલાં જૈન ગુરુ શ્રી જિનચંદ્રસૂરિજી જ્યારે આ એકાંત સ્થાને આવ્યા હશે તે વખતે અહીં શું અને કેવું હશે ! લાહોર શહેર તો અહીંથી ૧૦-૧૨ કિ.મી. દૂર છે. તે સમયે અહીં ગાઢ જંગલો હશે અથવા તો કાંટાવાળી ઝાડીઓ અને આ ઝાડીઓ વચ્ચે ચોથા દાદાગુરુ જિનચંદ્રસૂરિજી સંઘ સહિત બિરાજમાન થયા હશે.
શ્રી જિનચંદ્રસૂરિ (ચોથા દાદાગુરુ) તે સમયના મોટા વિદ્વાન, પ્રભાવક તથા વિખ્યાત જૈન સાધુ હતા, જેઓને સમ્રાટ અકબરે ધાર્મિક તથા દાર્શનિક ચર્ચા માટે ફતેહપુર સીકરીમાં બોલાવ્યા હતા. તેનાં થોડાં વર્ષો અગાઉ શ્રી હીરવિજયસૂરિજી સાથે પણ સમ્રાટ આવી જ મંત્રણાઓ કરી ચૂક્યો હતો. ફતેહપુર સીકરીમાં જ તેણે હીરવિજયજીને ‘જગતગુરુ’ની પદવી આપી હતી.
અકબરે સંવત ૧૬૪૮ (ઈ.સ. ૧૫૯૧-૯૨)માં એક ‘શાહી નિમંત્રણ’ મોકલીને શ્રી જિનસૂરિચંદ્રજીને લાહોરમાં બોલાવ્યા. તેઓ ૧૪ ફેબ્રુઆરી, સને ૧૫૯૨ના દિવસે લાહોર પધાર્યા. મંત્રી કરમચંદ બછાવત તેઓને દરબારમાં લઈને આવ્યા. અકબરે તેઓને પૂર્ણ સન્માન આપ્યું અને ધાર્મિક ચર્ચાઓ માટે વિનંતી કરી. અકબર વાસ્તવમાં સંસાર, પ્રકૃતિ, કર્મવાદ, અનેકાંત અને જન્મ-મરણનાં ગૂઢ રહસ્યો જાણવા ઇચ્છુક હતો. શ્રી જિનચંદ્રસૂરિજીથી તે ખૂબ પ્રભાવિત થયો અને તેમને ‘યુગપ્રધાન’ની પદવીતી વિભૂષિત કર્યા. લાહોર સુધી આવવાના અને પાછા જવાના વિહારમાર્ગે (થાનેસર, સામાના, જીરા, પટ્ટી વગેરે)માં તથા અન્ય અનેક સ્થળોએ તેઓએ ધર્મપ્રચાર કર્યા.
૧૩