________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૨૩
કિલા દીદારસિંહ ... નો રસ નીત ..
ગુજરાવાલાથી પશ્ચિમમાં લગભગ ૩૦-૩૩ કિ.મી. દૂર, તે સમયના મશહૂર વેપારી મંડી (બજાર) કિલા દીદારસિંહના શ્વેતાંબર જૈન મંદિરની શોધમાં ખૂબ ઇચ્છા હોવા છતાં પણ હું ખુદ ના જઈ શક્યો. આમ તો ત્યાંના મંદિરની સુંદરતા, અનોખી શાન અને પછી ઇ.સ. ૧૯૯૨માં ધાર્મિક ઝનૂનના પ્રહારો વિશે મેં ઘણું સાંભળ્યું હતું.
આખરે એક દિવસ મેં ફેસબુકમાં મારો સંદેશ મૂક્યો – ‘કિલા દીદારસિંહમાં રહેવાવાળા સજ્જનો મારો સંપર્ક કરે. મિત્રોના ઉત્તરો મળવા લાગ્યા. તેમાંથી એક ઉત્તર મારા જાણીતા મિત્ર સલમાન રફીકનો પણ હતો. ઉત્તર માત્ર એટલો જ હતો – “મુહમ્મદ મિજાનુલહક'. તેનો ફોન પર સંપર્ક કરવા જતો હતો ત્યાં તેનો જ ફોન આવ્યો. મેં તેને કહ્યું કે, તારા શહેર - કિલા દીદારસિંહમાં હું જૈન મંદિરની શોધ કરું છું. આ મંદિર ભાવડાબજાર, ભાવડા મહોલ્લા અથવા કોઈ ભાવડા ગલીમાં હોઈ શકે.'
બીજા દિવસે મિજાને કહ્યું, ‘કમાલ થઈ ગઈ. હકીકતમાં અમારા વિસ્તારમાં ઘણા મંદિરો અને એક મોટું ગુરુદ્વારા હતું. આ તમામ બાબરી મસ્જિદના વિવાદમાં તોડી પાડવામાં આવ્યાં. હવે આ મંદિરોની શોધ ખૂબ મુશ્કેલ છે અને જૈનો કે ભાવડાઓના મંદિરની શોધ તો વિશેષ કઠિન છે.
કેટલાક દિવસો પછી મિજાનનો ફોન આવ્યો, “સર, મંદિર મળી ગયું છે. આખી ગલીનું નામ ભાવડા ગલી છે. તેણે કહ્યું કે, ગલીમાં આઠ-નવ મકાનો ભાવડાઓનાં હતાં અને સાથે એક જૈન મંદિર પણ છે. મકાનો, હવેલીઓ અને તેની બનાવટ તેમ જ ઊંચાઈ પરથી લાગે છે કે, અહીંના ભાવડા પરિવારો સુખી અને સમૃદ્ધ હતા.
મેં તેને કહ્યું કે, આ જૈનોના ૧૨મા તીર્થંકર ભગવાન વાસુપૂજ્યનું મંદિર છે, જેનું ઈ.સ. ૧૮૬૬માં નિર્માણ થયું હતું અને જૈન સાધુ મુનિ બુદ્ધિવિજયજી (બુટેરાયજી)એ તેની પ્રતિષ્ઠા કરાવી હતી.
જૈન મંદિર મિજાને જણાવ્યું કે આ મંદિર બહારથી ખૂબ સુંદર, ઊંચી અને શાનદાર