Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૪
આશીર્વાદ વચનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉપાધ્યાયજીએ અનેક રાસોની સાથે “દ્રવ્યગુણપર્યાયનો રાસ” આ નામના ગ્રંથનું બેનમુન સર્જન કરીને તો કમાલ કરી છે. સામાન્યતયા રાસનો અર્થ થાય છે કે “ચારિત્રના માધ્યમે કથાનાયકોના ગુણગાન કરવા.” અહી રાસનો આ અર્થ નથી. અહી કોઈનું ચરિત્ર નથી કે કોઈ ચરિત્રનાયક નથી અહીં તો બુદ્ધિને કસે એવા કર્કશ પદાર્થોનું ગુર્જર કાવ્યમાં પદ્યમય સચોટ અને સરળ નિરૂપણ છે. દ્રવ્યાનુયોગના ભરપૂર પદાર્થોને રાસના બિબામાં ઢાળવાના કપરા કાર્યની જહેમત ઉઠાવવાનું પહેલું બીડુ ઉપાધ્યાયજી મ.શ્રીએ જ ઝડપ્યું લાગે છે.
તર્ક સંબદ્ધ પદાર્થોને ગુર્જર કાવ્યમાં ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ બોધ થાય અને કોઈ પદાર્થના રહસ્યોને અન્યાય ન થાય અર્થાત છૂટી ન જાય એ રીતે પઘનિબદ્ધ કરવા એ કોઈ નાની સુની વાત નથી.
ગુરુકૃપા અને માં સરસ્વતીની કૃપાથી અશક્ય લાગતું આ સર્જન શક્ય બન્યું છે. આજે પરિસ્થિતિ એવી છે કે ગુર્જર ભાષાનિબદ્ધ આ રાસના અભ્યાસુઓ પણ જૂજ છે. ગુજરાતી રાસને પણ સમજવો ઘણું કઠણ કાર્ય લાગે છે. પંડિતવર્ય શ્રી ધીરૂભાઈ જેવા શાસનપ્રેમી, આચારસંપન્ન અને શાસ્ત્ર-સંનિષ્ઠ વિદ્વાનો આજે જૈન સંઘના ગૌરવરૂપ છે. જેઓ દેશ-વિદેશમાં આવા ઉંચા ગ્રંથોના અધ્યાપન દ્વારા જ્ઞાનદાનના માધ્યમે જબરજસ્ત શાસનસેવા કરી રહ્યા છે. સમાજનું-સાધુ-સાધ્વીજી ભગવંતોનું જ્ઞાનસ્તર ઉચું લાવવાનો ભગીરથ પ્રયાસ તેઓ વર્ષોથી કરી રહ્યા છે. આ કાર્ય માટે તેમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. કારણ કે બહારથી અનેક ક્ષેત્રે ખૂબજ સમૃદ્ધ લાગતો આપણો આ જૈન સંઘ જ્ઞાનના ક્ષેત્રે ખૂબ જ દરિદ્ર હોય એવું અચૂક લાગે છે. ત્યારે ઉચ્ચ ગ્રંથોના અધ્યાપનનું તેઓનું આ કાર્ય ઘણું અનુમોદનીય અને સરાહનીય બની શકે છે.
તેમણે દ્રવ્યગુણપર્યાયનો રાસ” આ ગ્રંથનું અધ્યયન કર્યું. અનેક ગુરૂભગવંતોને અધ્યાપન કરાવ્યું. વિદેશમાં રહી સમયનો સદુપયોગ કરી તેના ઉપર વિવેચન તૈયાર કર્યું. અનેક વિદ્વાન ગુરૂભગવંતો પાસે શંકાના નિવારણાદિ દ્વારા લખાણનું સંમાર્જનાદિ કર્યું અને કરાવ્યું. પૂરો વિગેરે જોયા. સૈકાઓ સુધી ઉપયોગી બની રહે એવા એક અમૂલ્ય ગ્રંથરત્નની ભેટ આજે તેઓ સંઘના કરકમલોમાં ધરી રહ્યા છે તે ઘણો જ આનંદનો વિષય છે.