Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪
ઢાળ-૧ : ગાથા-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગુરુકુલવાસમાં થતા લાભો
જે જે આરાધક આત્માઓ ગુરુકુલવાસમાં વસે છે. તે તે આત્માઓને (૧) ઉત્તમોત્તમ મહાગ્રંથોનો અભ્યાસ કરવાનો લાભ થાય છે. (૨) સાથે રહેલા વિદ્વાન ગીતાર્થ સાધુ સંતોની સાથે ધર્મચર્ચા કરવા દ્વારા બહોળો અનુભવ પ્રાપ્ત થાય છે. (૩) માંદા-ગ્લાન-વૃદ્ધ સાધુસંતોની અને ગીતાર્થ ગુરુભગવંતોની વૈયાવચ્ચનો લાભ પ્રાપ્ત થાય છે. (૪) સમૂહમાં સાથે રહેવાથી વિકાર વાસનાઓ, એકાકીપરિચય, વ્યક્તિવિશેષના સંબંધો આદિ દોષો પ્રવેશતા નથી. (૫) મન સ્વચ્છંદમાર્ગે ચાલનારૂ બનતું નથી. (૬) બેસવામાં, શયનમાં વસ્ત્રાદિ પહેરવામાં, અને લોકપરિચયમાં, ઘણો વિવેક જળવાય છે. (૭) અન્ય વ્યક્તિઓ સાથે થતા ગાઢ પરિચયો, લજ્જા આદિથી પણ બંધ થઈ જાય છે. (૮) ગુરુ આજ્ઞા આદિનું સવિશેષ પાલન થાય છે. (૯) નિત્ય વ્યાખ્યાનશ્રવણ આદિથી અધ્યાત્મમાર્ગ સવિશેષ પુષ્ટ બને છે. (૧૦) ગુરુ સાથે રહેવાથી શાસ્ત્રાનુસારી વક્નત્વકલા ખીલે છે. ઈત્યાદિ ઘણા લાભો થાય છે. માત્ર આહાર-નિહાર અને વિહારના કોઈ કોઈ દોષો સેવવા પડે છે. જે દોષો કાયિકમાત્ર હોવાથી આલોચના-પ્રાયશ્ચિત આદિથી દૂર કરી શકાય છે. વળી તે દોષો વિષયોની રસિકતા રહિતપણે સેવાય છે તેથી તીવ્રકર્મબંધ કરાવનારા બનતા નથી પરંતુ ગુરુકુલવાસ વિના સ્વતંત્ર વિચરવાથી સ્વચ્છંદતા. નિરંકુશતા, સંસારીઓનો ગાઢપરિચય, અને તેનાથી વિકાર વાસનાઓ, માન સન્માનની ભાવનાઓ ઇત્યાદિ મોહરાજાના ઘણા સૈનિકોનો આત્મામાં પ્રવેશ થઈ જાય છે. કાયિક દોષો કરતાં મનમાં પ્રવેશેલા મોહરાજાના દોષો ઘણા તીવ્ર છે. આકરા છે. પ્રવેશેલાને દૂર કરવા ઘણા દુષ્કર છે. અને સ્વાધ્યાયાદિ ઉપરોક્ત ગુણોની પ્રાપ્તિનો લાભ સર્વથા અટકી જાય છે. માટે આત્માર્થી મુમુક્ષુ સાધક મહાત્માઓએ ગુરુકુલવાસ ત્યજવો નહીં. સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે
ગીતારથ વિના ભૂલા ભમતા, કષ્ટ કરે અભિમાને રે ! પ્રાયે ગ્રંથિ લગે નવિ આવ્યા, તે ખૂતા અજ્ઞાને રે |
શ્રી જીન તું આલંબન જગને // પ-૨ // આ સ્તવનની ઢાળ પાંચમી ગાથા ૧ થી ૨૩ સુધીમાં ગુરુકુલવાસમાં કેટલા લાભ છે ? અને સ્વચ્છંદતામાં કેટલાં નુકશાન છે ? તેનું બહુ સુંદર રીતે વર્ણન કરેલુ છે. આત્માર્થી મહાત્માઓએ આ પાંચમી ઢાળ વાંચવા યોગ્ય છે. / ૩ / એ યોગિ જો લાગઈ રંગ, આધાકર્માદિક નહીં ભંગ / પંચકલ્પ ભાષ્યઇ ઇમ ભણિઉં. સદ્ગુરુ પાસ ઈસ્યું મેં સુણિઉં // ૧-૪ ||