Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૮
ઢાળ–૪ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ધ્યાનમાં લઈને તેવા તેવા સ્થાને સર્વ નયોના અર્થના સમૂહ પણે આલંબન સ્વરૂપ એવા કોઈ પણ એક ભાંગામાં પણ “સ્યાત્” શબ્દ હોવાના કારણે વિવક્ષિત એક નયવાળા વાક્યમાં પણ ગૌણપણે ઈતર સર્વે નયોનો સમાવેશ થઈ જ જાય છે. કોઈ પણ ઈતર નયોનો નિષેધ રહેતો નથી. સારાંશ કે વચનોચ્ચારમાં ભલે કોઈ એક નય કે કોઈ એક ભાંગો બોલાતો હોય, પરંતુ સર્વ નયોના અર્થોના સમૂહના આલંબનભૂત એવો “સ્યાત્’ શબ્દ આગળ જોડેલ હોવાથી, તે વિક્ષિત એક નયવાળા વચનોચ્ચારણમાં પણ ઈતર સર્વનયોનો અર્થ સંમીલિત છે. એકાન્ત વાક્ય નથી. પરંતુ અનેકનયોની સાપેક્ષતાવાળું વાક્ય છે. તેથી તેને પ્રમાણવાક્ય ગણાય છે. તે કારણે “સ્યાત્” શબ્દથી લાચ્છિત સર્વે પણ વાક્યો ઉચ્ચારણમાં એક નયવાળાં હોવા છતાં પણ ગર્ભિત રીતે સર્વનયોની સાપેક્ષતાવાળાં છે. તેથી પ્રમાણવાક્યો છે.
કારણ કે ઘટ-પટ આદિ સઘળા પદાર્થ માત્રમાં બે જાતના પર્યાયો હોય છે. ૧ અર્થપર્યાય, ૨ વ્યંજન પર્યાય. ત્યાં ઘટ-પટ આદિ પદાર્થ માત્રમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, અવક્તવ્યત્વ ઈત્યાદિ જે જે પર્યાયો સ્વરૂપથી વર્તે છે. (તેમાં કેટલાક પર્યાયો વચનો દ્વારા બોલીને સમજાવાય તેવા પણ હોય છે. અને કેટલાક વચનો દ્વારા બોલી ન શકાય તેવા પણ હોય છે.) તે સર્વે પર્યાયો પદાર્થોના સ્વરૂપાત્મક હોવાથી “અર્થપર્યાય' કહેવાય છે જેમ કે પદાથોનું ક્ષણે ક્ષણે જે જે સ્વરૂપ બદલાય છે. તે તે સ્વરૂપ વચનોથી અગોચર હોવા છતાં પણ પદાર્થમાં સ્વરૂપ તો છે જ. ક્ષણે ક્ષણે સર્વે દ્રવ્યોનું સ્વરૂપ બદલાતું હોવાથી ભિન્ન ભિન્ન છે. પરંતુ તત્તત્સમયવર્તી તે ભિન્નતા શબ્દોથી અગોચર છે માટે તે સઘળા અર્થપર્યાયો છે. અને જે જે પર્યાયો કંઈક અંશે દીર્ઘકાળવર્તી છે. અને તેના જ કારણે વચનોથી બોલી શકાય તેવા છે. તે વ્યંજનપર્યાય કહેવાય છે. જેમ કે
મનુષ્યજીવનની બાલ્ય, યુવા, અને વૃદ્ધાવસ્થા. તથા ઘટ-પટાદિ પદાર્થોની શ્યામાવસ્થા અને રક્તાવસ્થા તે વચનોથી ગોચર છે દીર્ઘકાળવર્તી પર્યાય છે. માટે તે વ્યંજનપર્યાય કહેવાય છે. અને ક્ષણે ક્ષણે પુરણગલન દ્વારા થતું ઘટ-પટનું નવું નવું સ્વરૂપ, જીવદ્રવ્યમાં પ્રતિસમયે ક્ષાયોપશમિકભાવે અને ઔદિયકભાવે થતી પરાવૃત્તિ તથા પુદ્ગલદ્રવ્યમાં ક્ષણે ક્ષણે થતા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શોદિની હાનિ-વૃદ્ધિ રૂપ જે પર્યાયો છે. તે પદાર્થમાં ચોક્કસ વર્તે છે. બુદ્ધિથી સમજાય પણ છે પરંતુ વચનથી બોલી શકાતા નથી. તે અર્થપર્યાય છે.
અર્થપર્યાયોમાં સપ્તભંગીના સાતે ભાંગા સંભવે છે. પરંતુ વ્યંજન પર્યાયમાં પહેલા અને બીજા એમ બે ભાંગે પણ પદાર્થની સિદ્ધિ સમ્મતિપ્રકરણ નામના ગ્રંથમાં બતાવી છે. ‘ચાવસ્તિ’” અને “સ્થાનાસ્તિ” આ બે જ ભાંગા (તથા આ બે લખવાથી “સ્યાવસ્તિનાસ્તિ” નામનો ગાથાના ક્રમ પ્રમાણે ત્રીજો ભાંગો પણ સમજી લેવો) આમ,