Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬
ઢાળ–૧ : ગાથા-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ હોવાથી જેમ અસાર છે, તુચ્છ છે, અને કર્મબંધનું કારણ છે. તેમ ધર્મસાધનાનું અને યોગદશાની પ્રાપ્તિનું પણ અનન્ય સાધન હોવાથી સંવર-નિર્જરા સાધવામાં સહાયક તરીકે સાધન પણ છે. તેથી મુનિમહારાજાઓ મોહના દોષને પોષ્યા વિના નિર્દોષ આહારથી શરીરની સુરક્ષા પણ કરે છે. “આહાર તેવા ઓડકાર” એવી કહેવતના અનુસારે દોષિત આહારગ્રહણ કરનારાને આચારોમાં મંદતા-શિથિલતા વિષયાભિમુખતા વધતી જાય છે. અને કાલાન્તરે સંયમથી પતન પણ થાય છે. એટલા માટે દશવૈકાલિક પિંડનિર્યુક્તિ આદિ ગ્રંથોમાં નિર્દોષ આહાર ઉપર ઘણો ભાર મુકવામાં આવ્યો છે. જે આહારમાં હિંસાની માત્રા નહીવત્ હોય અને રસાસ્વાદાદિની માત્રા ન હોય, અને સંયમની સાધના સવિશેષ હોય તે આહાર શુદ્ધ અને કથ્ય આહાર કહેવાય છે. અને શેષ આહાર અશુદ્ધ અને અકથ્ય આહાર કહેવાય છે. આ શુદ્ધાશુદ્ધ અને કથ્થાકથ્ય આહાર માટે શાસ્ત્રોમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને આશ્રયી ઘણા ઉત્સર્ગ-અપવાદો જણાવ્યા છે.
“નિર્દોષ આહારગ્રહણ” એ સંયમની સાધનાનું પ્રબળ અંગ છે. પરંતુ જ્યારે નિર્દોષ આહારગ્રહણનો જ આગ્રહ રાખવાથી સંયમ ટકાવવો મુશ્કેલ બને. જેમ કે બાલમુનિ હોય, વૃદ્ધ મુનિ હોય, ગ્લાન (માંદા-રોગી) મુનિ હોય ત્યારે નિર્દોષ આહારનો જ આગ્રહ રાખે અને એવા આહારનો યોગ ન મળે ત્યારે ઉપવાસ થતાં આર્તધ્યાન રૌદ્રધ્યાન વધતાં સંયમ પ્રત્યેનો અહોભાવ ગુમાવી બેસે અને તેનાથી આ જીવ દુર્લભબોધિ પણ થઈ જાય. નિર્દોષ આહારગ્રહણના વિધાન પાછળની શાસ્ત્રકારોની જે ભાવના અને આશય છે. તેને ન સમજતાં જડતાપૂર્વક એકાન્તમાર્ગે જો તેનો આગ્રહ જ રાખવામાં આવે તો સંયમ ભાવની વૃદ્ધિ થવાને બદલે હાનિ થવાનો સંભવ છે. તેથી એકાન્તમાર્ગ ન લેતાં અનેકાન્તમાર્ગ સ્વીકારવો જોઈએ. નિર્દોષ આહારગ્રહણ પણ સંયમની સુરક્ષા અને પુષ્ટિ માટે જ હતું. તો જ્યારે તે રીતે તે શક્ય ન જ હોય તો તે જ સંયમની સુરક્ષા અને પુષ્ટિ માટે યતનાપૂર્વક આહારગ્રહણમાં પણ મુનિને આધાકર્માદિક ભંગ (દોષ) લાગતો નથી. ઉત્સર્ગમાર્ગે જે સાધ્ય સાધી શકેય તેમ ન હોય ત્યારે તે જ સાધ્ય સાધવા માટે બીજો માર્ગ (અપવાદ માર્ગ) આદરણીય બને છે.
જેમ બાળ, નવદીક્ષિત, વૃદ્ધ, ગ્લાન અને દેશવિશેષોમાં જન્મેલા મુનિઓ માટે “સંયમની સુરક્ષા અને પુષ્ટિ” એ સાધ્ય સાધવા પ્રથમ ઉત્સર્ગ માર્ગ (નિર્દોષ આહારગ્રહણ કરવો તે) છે. અને તે શક્ય ન હોય તો બીજો અપવાદ માર્ગ (આધાકર્માદિક દોષથી દોષિત આહાર લેવો તે) છે. તેવી જ રીતે ગચ્છમાં, સમુદાયમાં, ગુરુકુલવાસમાં જ્ઞાનાભ્યાસાદિ માટે રહેતા મુનિઓને આહારશુદ્ધિ સાચવવી. એ પ્રથમ ઉત્સર્ગમાર્ગ છે. પરંતુ જ્યારે તે શક્ય ન જ હોય ત્યારે બીજો અપવાદ માર્ગ (આધાકર્માદિક દોષવાળો આહારગ્રહણ)