Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૨
૧૫૩
અહીં એક વાત ખાસ ધ્યાન ખેંચે છે કે-ગુરુજી સ્યાદ્વાદી હોય, પરમાર્થ સારી રીતે જાણતા હોય, સુંદર શૈલીથી ગુરુજી ઉત્તર રજૂ કરતા હોય, સમજાવવાની ઢબ પણ સુવ્યવસ્થિત હોય. પરંતુ શ્રોતાવર્ગ પોતાના માનેલા આગ્રહની પક્કડમાં ફસાયેલા જ હોય, મજબૂત આગ્રહવાળા જ હોય તો તેવા આગ્રહી જીવોને “ભેદાભેદ” સમજાવવો અથવા બીજું કંઈ પણ પરમાર્થતત્ત્વ સમજાવવું ઘણું જ મુશ્કેલ છે. જમાલી વિગેરે નવ પ્રકારના નિન્ડવોને જ્ઞાની ભગવંતો જે નથી સમજાવી શક્યા, તેમાં શ્રોતાવર્ગનો આગ્રહ જ (મિથ્યાત્વમોહની ગાઢતા જ) કારણ છે. જ્યાં સુધી આ જીવ પોતાના આગ્રહની પક્કડમાં હોય છે. મનમાં એક જ પ્રકારના વિચારો ઘોળાતા હોય છે કે ભેદાભેદ એકસ્થાને એક કાળે ન જ હોય” ન હોય તે બસ ન જ હોય. બીજું કંઈ જ નહીં. હવે જ્યાં સુધી આ આગ્રહ જ હોય ત્યાં સુધી સામેના માણસની વાત આ જીવ ધ્યાનપૂર્વક સમન્વયાત્મક દૃષ્ટિએ સાંભળતો જ નથી. સંભળાવનારની શૈલીને તોડવાની જ પ્રક્રિયા તે જીવ મનમાં રચતો હોય છે. તેને પરમાર્થતત્ત્વ કેમ પ્રાપ્ત થાય ? તેથી જ્યારે આપણે શ્રોતા બન્યા હોઈએ અને પરમાર્થતત્ત્વ જાણવાની જિજ્ઞાસા હોય, તો આગ્રહની પક્કડ ઢીલી કરીને વક્તા પ્રત્યે હૈયાના માન-બહુમાન પૂર્વક સ્યાદ્વાદી ગુરુજી વડે અપાતા પરમાર્થ તત્ત્વને ઝીલવા સક્ષમ થવું જોઈએ. જેને સમજવાની જિજ્ઞાસા હોય તેને ગુરુજીનાં વચનો અવશ્ય સમજાવનારાં બને જ છે. પરંતુ જેને જિગીષુ ભાવ હોય છે. (ગુરુજીની સામે ક્રોસ કરીને પોતાના જ આગ્રહનો વિજય મેળવવાની તીવ્ર ઈચ્છા હોય છે.) તેને ગુરુજીનાં વચનો અસર કરતાં નથી. પોતાનું મિથ્યાત્વ પોતે ઢીલુ પાડે તો જ ગુરુજી ઉપકારક થાય છે. માટે ભણતી વખતે, શ્રવણ મનન કાળે વિનય-વિવેકવાળા બનીને શ્રદ્ધાપૂર્વકનો જિજ્ઞાસુ ભાવ ધારણ કરીને શિષ્યવૃત્તિને હૈયામાં રાખીને શ્રોતા બનવું જોઈએ.
ગુરુજી ઉત્તર આપે છે કે ઘટ અને ઘટાભાવને જો કે વિરોધ છે, એટલે કે જ્યાં ઘટ હોય છે ત્યાં ઘટાભાવ નથી, અને જ્યાં ઘટાભાવ છે ત્યાં ઘટ નથી. આ બન્ને સાથે રહેલા હોય એવું દેખાતું નથી. એટલે ભલે આ ઉદાહરણમાં વિરોધ છે. (જો કે પરમાર્થથી તો અહીં પણ વિરોધ નથી, કારણકે જ્યાં માટીનો ઘટ છે ત્યાં સોનાના ઘટનો અભાવ પણ સાથે જ છે. જ્યાં અમદાવાદનો ઘટ છે ત્યાં સુરતના ઘટનો અભાવ પણ સાથે જ છે. આ રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની ભિન્ન ભિન્ન અપેક્ષા રાખીને વિચારીએ તો ઘટ અને ઘટાભાવ પણ સાથે રહી શકે છે. કંઈ પણ વિરોધ નથી. તો પણ હમણાં આટલી સૂક્ષ્મ વિચારણાઓમાં ન જઈએ અને ઉપર-ઉપરથી જોઈએ તો ધારો કે ઘટ અને ઘટાભાવનો વિરોધ છે) તો પણ “ભેદાભેદને” સાથે માનવામાં કોઈ વિરોધ દેખાતો નથી.