Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૩
૧૫૭ આ તો બને પરસ્પર વિરોધી છે. એમ જ્યાં ભેદ હોય ત્યાં અભેદ કેમ રહે? અને અભેદ હોય ત્યાં ભેદ કેમ રહે ? પરસ્પર વિરોધી છે. આવું મનમાં વારંવાર ઘુંટ્યા જ કરે છે. એટલે તેને વિરોધ જ દેખાયા કરે છે. તે મનમાં આવા પ્રકારનાં અનુમાનો (તર્કો) લગાવ્યા જ કરે છે.
भेदाभेदौ एकत्र न स्तः, विरोधित्वात्, तेजस्तमोवत्, .. भेदाभेदौ विरोधिनौ, एकत्रास्थानात्, तेजस्तमोवत, આગ્રહી જીવ કેવળ એકલી બુદ્ધિના બળે ઉપરનાં અનુમાન લગાવ્યા જ કરે છે. અને વિરોધ દેખ્યા જ કરે છે તેથી પોતાનો કદાગ્રહ પુષ્ટ જ બને છે. પરંતુ કેવળ બુદ્ધિબળ કરતાં અનુભવબળ પ્રમાણપણે આગળ વધે છે. અનુમાન પ્રમાણ કરતાં પ્રત્યક્ષપ્રમાણ આગળ વધે છે. એટલે જ્યાં પ્રત્યક્ષપ્રમાણથી સાક્ષાત્ આ બન્નેનું (ભેદભેદનું) સહવર્તિત્વ જણાતું હોય, અનુભવાતું હોય-દેખાતું હોય તો તે અનુભવના બળે બન્નેનું સહચારિત્વ માની લેવું જોઈએ અને અવિરોધીપણુ સ્વીકારી લઈને પોતાના આગ્રહને પડતો મુકવો જોઈએ.
સંસારી સર્વ લોકોને સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રમાણથી દેખાય જ છે કે એક જ ઠામે એટલે કે ઘટ-પટ આદિ એક જ દ્રવ્યને વિષે, રક્તત્વાદિક ગુણ-પર્યાયોનો એટલે કે રૂપાદિક ગુણોનો અને રક્તત્વાદિ પર્યાયોનો, અથવા રક્તતા આદિ ગુણોનો અને ઘટાકારતા આદિ પર્યાયોનો ભેદભેદ છે. સર્વ લોકોની સાક્ષી એટલે કે સર્વલોકોના અનુભવવાળો વ્યવહાર જેમાં સાક્ષીભૂત છે એવો અને પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ એટલે કે ઈન્દ્રિયજન્યજ્ઞાનથી સાક્ષાત્ દેખાતો એવો ભેદભેદનો એક સ્થાને સહવાસ છે જ. તો પછી તેમાં વિરોધ કેમ કહેવાય ? જેમ કે રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આ ચારે ગુણો અનુક્રમે ચક્ષુ-રસના-ઘાણ અને સ્પર્શના, એમ ભિન્ન ભિન્ન એવી એક એક ઈન્દ્રિયથી જ ગ્રહણ કરાય છે. તેથી ભિનેન્દ્રિયગ્રાહ્ય હોવાથી તે ગુણો માંહોમાંહે ભિન્ન ભિન્ન છે. છતાં પ્રત્યેક પરમાણુઓમાં અને સ્કંધોમાં સાથે જ રહ્યા કરે છે. તેથી “એક જ આશ્રયમાં રહેવાપણું” સાક્ષાત્ અનુભવાતું હોવાથી “એકાશ્રયવૃત્તિત્વના અનુભવથી” અભેદ માનવામાં કંઈપણ દોષ દેખાતો નથી. તેથી રૂપ-રસાદિકમાં જેમ ઈન્દ્રિયગ્રાહ્યત્વથી ભેદ અને એકાશ્રયવૃત્તિત્ત્વથી અભેદ સ્વીકારવામાં વિરોધાદિ કંઈ પણ દોષ નથી. તેવી જ રીતે ભેદભેદને એક સ્થાને અપેક્ષા વિશેષથી માનવામાં કોઈ દોષ નથી. પણ અવિરોધ જ છે. એમ જાણવું.