Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૧
૧૦૭ રહિત છે. ઈન્દ્રિયોથી અગોચર છે. અને સૂક્ષ્મ છે. પ્રથમનાં બે દ્રવ્યો ચૌદ રાજલોકવ્યાપી છે. અને ત્રીજુ દ્રવ્ય લોકાલોક વ્યાપી છે. ચોથુ કાલ દ્રવ્ય જો કે વાસ્તવિક (પારમાર્થિક) દ્રવ્ય નથી. જીવ-અજીવની કોઈ પણ પર્યાયોમાં જે વર્તના તે કાળ છે. આ કાળ પર્યાયાત્મક હોવા છતાં પણ તેમાં કાળ દ્રવ્યનો ઉપચાર કરાય છે. કારણ કે સર્વે વ્યવહારોમાં તેની અતિશય ઉપયોગિતા છે. તેથી ઉપચારે વ્યવહારનયથી કાળ એ દ્રવ્ય છે. અને નિશ્ચયનયથી કાળ એ જીવ-અજીવની વર્તનાદિ પર્યાયાત્મક છે.
પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય રૂપી છે. વર્ણ-ગંધ રસ સ્પર્શવાળું છે. સ્કૂલ અને સૂક્ષ્મ એમ બન્ને પ્રકારનું છે. તે પરમાણુઓના પિંડાત્મક પણ છે અને છુટા છુટા પરમાણુ સ્વરૂપ પણ છે. પિંડાત્મકને સ્કંધ કહેવાય છે. તેમાં પરમાણુઓનું ગમનાગમન થાય છે. આ રીતે સામાન્યથી કુલ ૬ દ્રવ્યો છે. આ છએ દ્રવ્યો પરસ્પર ભિન્ન છે. કોઈ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યની સાથે ગમે તેટલા વર્ષો રહે તો પણ બીજા દ્રવ્ય રૂપે બની જતાં નથી.
આ છએ દ્રવ્યોને પોત પોતાના ગુણો છે. અને પોત પોતાના પર્યાયો છે. એક દ્રવ્યના ગુણ-પર્યાય બીજા દ્રવ્યના ગુણ-પર્યાયરૂપ બન્યા નથી. બનતા નથી. અને બનશે નહીં. સર્વે ગુણો અને સર્વે પર્યાયો પોત પોતાના વિવક્ષિત દ્રવ્યમાં જ રહે છે. પરદ્રવ્યમાં જતા નથી. જેમ કે “ચૈતન્ય” ગુણ જીવદ્રવ્યનો છે. તે ચૈતન્ય ગુણ જીવદ્રવ્યને છોડીને કદાપિ અજીવદ્રવ્યમાં જતો નથી. અને રૂપ-રસાદિ જે ગુણો પુગલદ્રવ્યના છે તે ગુણો પુદ્ગલ દ્રવ્યમાં જ રહે છે. કદાપિ અન્ય દ્રવ્યમાં જતા નથી. આ રીતે સર્વે દ્રવ્યોમાં પોત પોતાના ગુણો વર્તે છે. અને અનંત અનંત પર્યાયોથી યુક્ત એવાં ૬ દ્રવ્યોથી ભરેલું આ જગત છે. તથા છએ દ્રવ્યો પોતાના પરિણામિક સ્વભાવને લીધે પોતપોતાના ગુણ-પર્યાયોમાં પરિણામ પામ્યા જ કરે છે. આવા પ્રકારનો જગત સ્વભાવ છે.
જીવ-પુદ્ગલ આદિ તે તે દ્રવ્યોમાં રહેલા ચૈતન્ય અને રૂપાદિ ગુણો તથા તેની તરતમતા-હાનિવૃદ્ધિ રૂપ પર્યાયો તે તે વિવક્ષિત દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. આ વાત પૂર્વે બીજી ઢાળમાં સમજાવી છે. પરંતુ ભેદપક્ષની દલીલો સાંભળીને દ્રવ્યાદિકનો જો એકાન્ત ભેદ માની લેવામાં આવે તો અનેક આપત્તિઓ ઉભી થવાનો સંભવ છે. એટલે એકાન્ત ભેદ ન માની લેતાં કથંચિત્ જ ભેદ મગજમાં રહે તેટલા માટે કથંચિ અભેદ પણ સમજાવવો આવશ્યક છે. આ વાત આ ઢાળમાં સમજાવે છે.
"द्रव्यादिकनो-द्रव्य गुण पर्यायनो जो एकान्तइं भेद भाषिइं, तो परद्रव्यनइं परि स्वद्रव्यनइं विषे पणि गुण-गुणिभावनो उच्छेद थइ जाइ" जीवद्रव्यना गुण ज्ञानादिक,