________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
અનુષ્ઠાનોમાં આગમથી જ પ્રવૃત્તિ કરે છે એટલે કે આગમના આધારે જ પ્રવૃત્તિ કરે છે, પણ આગમને ઉલ્લંઘીને પ્રવૃત્તિ કરે છે, એટલે કે આગમમાં બતાવેલી વિધિથી નિરપેક્ષ કરે છે, તે પુરુષ નિયમા આગમોક્ત અનુષ્ઠાનનો કરનારો છે, અને આગમોક્ત અનુષ્ઠાનનો દ્વેષી પણ છે. આવો પુરુષ આગમોક્ત અનુષ્ઠાન કરતો હોવા છતાં કરાતા અનુષ્ઠાનનો ભક્ત નથી, કિંતુ દ્વેષી જ છે. કારણ કે દ્વેષ વિના આગમનું ઉલ્લંઘન ન થાય.”
મૈત્રી વગેરે ભાવોથી યુક્ત ઃ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય એ ચાર ભાવનાઓ છે. આ ભાવનાઓ અંતઃકરણના પરિણામ સ્વરૂપ છે અને અંતઃકરણના પરિણામ પૂર્વક બાલ્ય ચેષ્ટાવિશેષ છે. મૈત્રીનો વિષય બધા જીવો છે, એટલે કે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવો. પ્રમોદનો વિષય ગુણાધિક જીવો છે. કરુણાનો વિષય દુઃખી થતા જીવો છે. માધ્યશ્મનો વિષય અવિનીત જીવો છે. આગમના આધારે કરાતું અનુષ્ઠાન જેમ આગમમાં કહ્યા પ્રમાણે થવું જોઈએ તેમ મૈત્રી વગેરે ભાવોથી યુક્ત પણ હોવું જોઈએ, અર્થાત્ અનુષ્ઠાન કરનારા જીવો મૈત્રી આદિ ભાવોથી યુક્ત હોવા જોઈએ. કારણ કે અન્ય શાસ્ત્રોમાં મૈત્રી આદિ ભાવોને મોક્ષ અને અભ્યદય રૂપ ફળવાળા ધર્મ રૂપી કલ્પવૃક્ષનું મૂલ કહેલ છે.
અનુષ્ઠાનઃ અનુષ્ઠાન એટલે આ લોક અને પરલોકની અપેક્ષાએ જે વસ્તુ હેય હોય તેનો ત્યાગ કરવાની અને જે વસ્તુ ઉપાદેય હોય તેનો સ્વીકાર કરવાની પ્રવૃત્તિ. હેય અને ઉપાદેય વસ્તુનું સ્વરૂપ આ જ શાસ્ત્રમાં આગળ કહેવામાં આવશે.
ધર્મ ઃ સર્વ સત્ય પદાર્થસમૂહને જાણવામાં કુશળ એવા બુદ્ધિશાળી પુરુષો આવા પ્રકારના (= ત્રીજી ગાથામાં કહેલા) અનુષ્ઠાનને ધર્મ કહે છે. ધર્મશબ્દની વ્યુત્પત્તિથી થતો ધર્મનો અર્થ આ પ્રમાણે છે :- “દુર્ગતિમાં પડતા જીવસમૂહને ધારી રાખે એટલે કે દુર્ગતિમાં પડતી બચાવે અને સ્વર્ગ વગેરે સુગતિમાં સ્થાપન કરે તે
ધર્મ.”
શુદ્ધ અનુષ્ઠાનથી કર્મમલ દૂર થવા રૂપ આત્મશુદ્ધિ થાય છે. આત્મશુદ્ધિ થતાં મોક્ષનું બીજ એવા સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. એટલે પરમાર્થથી તો આત્મશુદ્ધિ જ ધર્મ છે.
પ્રશ્ન : જો આત્મશુદ્ધિ જ ધર્મ છે તો અહીં અવિરુદ્ધ વચનથી થતા અનુષ્ઠાનને એટલે કે ક્રિયાને ધર્મ કેમ કહેવામાં આવેલ છે? ઉત્તર : અહીં અવિરુદ્ધ વચનથી થતા અનુષ્ઠાનને ઉપચારથી ધર્મ કહેવામાં આવેલ છે. જેમ કે -