________________
૨૦
અમૃત-સમીપે ખૂબ ઊંચી, પાતળી છતાં ખડતલ દેહયષ્ટિ એમનો આદર કરવા પ્રેરે એવી પ્રભાવશાળી હતી.
એક તો શૌર્ય અને સમર્પણની ભૂમિ મેવાડની ધરતીના સુપુત્ર; એમાં ક્ષત્રિય જ્ઞાતિનું ક્ષાત્રતેજ ઉમેરાયું, અને સને ૧૮૫૭ની સાલના અંગ્રેજ સલ્તનત સામેના સુપ્રસિદ્ધ બળવામાં જાન હથેળીમાં લઈને સાથ આપનાર બળવાખોર પિતાનો સંસ્કાર-વારસો મળ્યો. એટલે પછી જીવનમાં નિર્ભયતા, સાહસિકતા અને હિંમત જેવા તેજસ્વી અને ધારદાર ગુણોની પ્રતિષ્ઠા થાય એમાં શી નવાઈ ?
મુનિજીના થોડા પણ પરિચયમાં આવનાર કોઈને પણ એમ લાગ્યા વગર નહિ રહ્યું હોય કે એમનાં વિચાર-વાણી-વર્તનમાં કે પસંદગી-નાપસંદગીમાં રાજશાહી ઝલક પથરાયેલી હતી ; એમને નબળો, હલકો કે નમાલો વિચાર
ક્યારેય ખપતો ન હતો. વળી તેઓ ડાયરાના ચાહક એવા જીવ હતા; એમની પાસે હંમેશાં નાનો-સરખો દરબાર જ જાણે ભરાયેલો રહેતો. જેમ એમની કાયા વિશિષ્ટ કોટિની હતી, તેમ એમના બેસવા-સૂવા-કામ કરવાના ફર્નિચર ઉપર પણ અનોખાપણાની છાપ પડેલી જોવા મળતી.
સત્યની શોધના આ મહાપરિવ્રાજક કેટકેટલા સંતોનો સંપર્ક કરતા ગયા અને છોડતા ગયા અને કેટકેટલા પ્રદેશ ખૂંદતા રહ્યા, એની દાસ્તાન તો એક અનોખી ગૌરવકથા બની રહે એવી છે.
અગિયારેક વર્ષની ઉંમરે પિતા ગુજરી ગયા, અને રિણમલે જૈન યતિ શ્રી દેવહંસજીનું શરણ લીધું. જૈનધર્મના સંસ્કારનું આ પરોઢ હતું. પણ બે વર્ષમાં જ રિણમલ ઉર્ફે કિશનસિંહના આ પ્રથમ ઉપકારી ગુરુનું અવસાન થયું. એટલે અસહાય બનેલ કિશનસિંહ, સત્યને પામવાની લાલસાથી પ્રેરાઈને, એક ખાખી બાવા શૈવયોગીનો હાથ ઝાલ્યો, અને પોતે “કિશનભૈરવ' નામ ધારણ કર્યું. પણ ક્યાં સત્યને પામવાની ઝંખના અને ક્યાં આ ભૈરવજીવનનો અજબગજબનો વ્યવહાર ! છ-એક મહિના જેટલા ટૂંકા સમયમાં જ તેઓ ચેતી ગયા કે આ તો નરી અધોગતિનો જ માર્ગ છે; અને તેઓએ તરત જ એ માર્ગનો ત્યાગ કર્યો !
જ્ઞાનાર્જનની પોતાની ઝંખના પૂરી કરવા એમણે સ્થાનકવાસી દીક્ષા લીધી અને તેઓ મુનિ કિશનલાલજી બન્યા. અહીં એક વર્ષ સુધી તેઓ પૂરી એકાગ્રતાથી જ્ઞાનસાધના અને જીવનસાધના કરતા રહ્યા. આ સાધના દ્વારા પોતે કંઈક પામ્યા છે એવો સંતોષ પણ એમને થયો. પણ પછી જ્યારે એમને લાગ્યું કે હવે અહીં નવું ઉપાર્જન થઈ શકે એમ નથી, અને એકના એક જ ચીલામાં ચાલતા રહેવાથી જીવનનો વિકાસ રૂંધાઈ જવાનો છે, એટલે એમણે એ દીક્ષાને પણ તજી દીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org