Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ૦૩૪૫
સાથે સરખામણી શા માટે કરી ? ચંદ્ર ગમે તેવો સૌમ્ય હોય અને શરઋતુમાં ઊગેલો હોય તો પણ સૌમ્યતાના ગુણમાં શું એમની બરાબરી કરી શકે ખરો? વળી તારે સૂર્યને શા માટે યાદ કરવો પડ્યો? શરઋતુનો સૂર્ય ઘણો તેજવાળો હોય છે, છતાં તે જિનપ્રભુના તેજની સરખામણીમાં ઊભો રહી શકે ખરો ? અને ઓ કલ્પના ! તું ઇંદ્રનું રૂપ અધિક માને છે અને તેનો એક ઉપમાન તરીકે ઉપયોગ કરવા ઈચ્છે છે, પણ એ વાત કેમ ભૂલી જાય છે કે આ તો અનુપમ રૂપના સ્વામી છે, એટલે કોઈ પણ ઉપમા તેમને લાગુ પડે જ નહિ! વળી આ કલ્પના! તને હમણાં મેરુ પર્વતની સ્મૃતિ થઈ આવી અને તેની દઢતા સાથે જિનપ્રભુની દઢતાને સરખાવવાનું મન થયું તો હું જણાવું છું કે મેરુ પર્વત ગમે તેવો દઢ, સ્થિર કે ધીર હોય તો પણ તે તીર્થંકર પ્રભુને પહોંચી શકે નહિ ! કયાં એ મહાકાય જડ અને ક્યાં આ આત્મશક્તિનો ભંડાર ! ! અહો! આ તો તે મહામુનિ શ્રી શાંતિનાથ છે કે જેમણે ઉત્તમ તીર્થનું પ્રવર્તન કરેલું છે, જે અજ્ઞાન અને મલ-રહિત છે, ધીર-જનો વડે સ્તવાયેલા અને અર્ચાયેલા છે, વળી કલિના કાલુષ્યથી સર્વથા મુક્ત છે અને શાંતિ તથા સુખના પ્રવર્તક છે; તેથી ત્રિકરણશુદ્ધિ-પૂર્વક હું તેમના શરણે જાઉં છું. તેમના શરણ વિના મારો ઉદ્ધાર નથી.”
(ગાથા ૧૯-૨૦-૨૧) આ શબ્દો સાંભળીને કલ્પનાને જાણે માઠું લાગ્યું હોય અને તેણે પોતાનો પ્રભાવ દર્શાવવાનો નિશ્ચય કર્યો હોય તેમ તે વધારે વેગવંત થાય છે અને રાજ-રાજેશ્વર તથા મહામુનિ એવા તીર્થકરનું દેવાધિદેવત્વસંબંધી અભિનવ દશ્ય ખડું કરે છે. પ્રભુને કેવલજ્ઞાન થયું છે અને તેઓ તીર્થનું પ્રવર્તન કરી રહ્યા છે. એ સમાચારો લાતાં જ ઋષિઓનો સમૂહ ત્યાં આવે છે અને વિનયાવનત થઈને નિશ્ચલતાપૂર્વક અંજલિબદ્ધ પ્રણામ કરે છે. પછી ઇંદ્ર, કુબેરાદિ દેવો અને નરેન્દ્રો વગેરે આવે છે તથા તેમની સ્તુતિ, પૂજા અને ચર્ચા કરીને કૃતકૃત્યતા અનુભવે છે. આ વખતે પ્રભુ અલૌકિક તેજ વડે તત્કાલ ઉદય પામેલા સૂર્યથી પણ ઘણી વધારે કાંતિવાળા દેખાય છે, પછી ગગનાંગણમાં વિચરતાં વિચરતાં એકત્ર થઈ ગયેલા ચારણ-મુનિઓનો સમુદાય આવે છે અને તેઓ મસ્તક નમાવીને વંદના કરે છે. પછી અસુરકુમારો આવે છે, સુપર્ણકુમારો આવે છે, કિન્નરો અને નાગકુમારો આવે છે તથા બીજા પણ અનેક પ્રકારના ભવનપતિદેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org