Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ્રત્યાખ્યાનનો પરમાર્થ ૫૮૧
પ્રારંભમાં દ્રવ્ય-પ્રત્યાખ્યાનનો આશ્રય લેવો જરૂરી બને છે. કુમાર વંકચૂલનો વ્યતિકર આ વિષયમાં દૃષ્ટાંતરૂપ છે.*
* પેઢાલપુર નામના નગરમાં શ્રીચૂલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પુષ્પસૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર અને પુત્રી હતાં. પુષ્પસૂલ યૌવનાવસ્થા પામ્યો, ત્યારે દ્યૂતનો વ્યસની થયો અને ચોરી કરવા લાગ્યો. વળી તે પોતાની વાંકી ચાલથી અનેક લોકોને છેતરવા લાગ્યો. એટલે લોકોએ તેનું નામ વંકચૂલ પાડ્યું. કાલાંતરે તેનાં માતાપિતાએ તેની અયોગ્ય વર્તણૂકને લીધે તેને દેશ-પા૨ કાઢ્યો એટલે તે પોતાની સ્રી તથા બહેનને લઈને એક ચોરપલ્લીમાં ગયો અને ત્યાંનો રાજા મરણ પામતાં પલ્લીપતિ થયો. પછી તે ઘણા ચોરોને સાથે લઈને મોટી મોટી ચોરીઓ કરવા લાગ્યો.
એકદા વર્ષાઋતુમાં ‘જ્ઞાનતુંગ’ નામના આચાર્ય તે પલ્લીમાં આવી પહોંચ્યા, તે વખતે વરસાદ વરસતો હતો, એટલે વંકચૂલે કહ્યું કે ‘જો તમે મારી હદમાં રહીને કોઈને ઉપદેશ ન આપવાનું કબૂલ કરતા હો તો અહીં ખુશીથી રહો.' આચાર્યે તે શરત કબૂલ કરી અને તેણે કાઢી આપેલા એક સ્થાનમાં રહી સ્વાધ્યાય, ધ્યાન અને તપશ્ચર્યા કરવા લાગ્યા. અનુક્રમે ચોમાસું પૂરું થયું એટલે આચાર્યે વંકચૂલને કહ્યું : ‘હે મહાનુભાવ ! હવે અમે વિહાર કરીશું.’ એટલે વંકચૂલ પોતાના પરિવાર સાથે તેમને વળાવવા ગયો. ચાલતાં ચાલતાં વંકચૂલનો સીમાડો પૂરો થયો, એટલે આચાર્યે પૂછ્યું : ‘હે વંકચૂલ ! આ કોની હદ છે ?' વંકચૂલે કહ્યું : ‘આ હદ મારી નથી.’ ત્યારે આચાર્ય બોલ્યા : ‘હે વંકચૂલ ! અમે આખું ચાતુર્માસ તારા સ્થાનમાં રહ્યા પણ તારી શરત મુજબ કોઈને ધર્મનો ઉપદેશ આપ્યો નથી. પરંતુ વિદાય થતી વખતે તને એટલું કહીએ છીએ કે તું કોઈ પણ પ્રકારનો નિયમ લે, કારણ કે તેમ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે
“नियमोऽखिललक्ष्मीणां, नियन्त्रणमशृङ्खलम् ।
ટુરિત-પ્રેત-મૂતાનાં, રક્ષામન્ત્રો નિરક્ષર ।।''
‘નિયમ સમસ્ત લક્ષ્મીનું વગર સાંકળે બંધન છે, અને પાપરૂપ ભય ઉત્પન્ન કરનારા ભૂત અને પ્રેતોનો વગર અક્ષરનો રક્ષા-મંત્ર છે.'
આ સાંભળી વંકચૂલે કહ્યું : ‘ત્યારે કંઈક નિયમ આપો.' એટલે ગુરુએ ચાર નિયમો આપ્યા : ‘(૧) અજાણ્યું ફળ ખાવું નહિ, (૨) કાગનાં માંસનું ભક્ષણ કરવું નહિ, (૩) રાજાની રાણી સાથે સંગ કરવો નહિ અને (૪) કોઈ પર પ્રહાર કરવો હોય તો સાત ડગલાં પાછું હઠવું.'
વંકચૂલને લાગ્યું કે આ નિયમો સાવ સહેલા છે અને તેમાં ખાસ કરવાપણું કંઈ નથી એટલે રાજી થયો અને પોતાના સ્થાને પાછો આવ્યો.
એકદા તે કોઈ ગામ ઉપર ધાડ પાડીને પાછો ફરતાં માર્ગ ભૂલ્યો અને અટવીમાં ભટકવા લાગ્યો. એમ કરતાં ત્રણ દિવસની લાંઘણો થઈ. એવામાં તેના સાથી ચોરોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org