Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રસ્તાવના
તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ ભારતીય તત્ત્વજ્ઞાનમાં આ એક ધ્યાન દેવા જેવો ભેદ છે કે તેમાં સૂક્ષ્મ પ્રમેયતત્ત્વ માનનાર આજ સુધી એવો કોઈ નથી થયો જે સ્થૂલ ભૌતિક વિશ્વની તહમાં એકમાત્ર સૂક્ષ્મ જડતત્ત્વ જ માનતો હોય અને સૂક્ષ્મ જગતમાં ચેતન તત્ત્વનું અસ્તિત્વ જ ન માનતો હોય. આથી ઊલટું એવા તત્ત્વજ્ઞો ભારતમાં થતા રહ્યા છે જે સ્થૂલ વિશ્વના અન્તસ્તલમાં એક માત્ર ચેતન તત્ત્વનું સૂક્ષ્મ જગત માનતા હોય. આ અર્થમાં ભારતને ચૈતન્યવાદી સમજવું જોઈએ. ભારતીય તત્ત્વજ્ઞાનની સાથે પુનર્જન્મ, કર્મવાદ અને બન્ધ-મોક્ષની ધાર્મિક યા આચરણલક્ષી કલ્પના પણ ભળેલી છે જે સૂક્ષ્મ વિશ્વ માનનાર બધાને નિર્વિવાદ માન્ય છે અને બધાએ પોતપોતાના તત્ત્વજ્ઞાનના માળખા અનુસાર ચેતન તત્ત્વની સાથે તેનો મેળ બેસાડ્યો છે. આ સૂક્ષ્મતત્ત્વદર્શી પરંપરાઓમાં મુખ્યપણે ચાર વાદો એવા છે જેમના બળ ઉ૫૨ તે તે પરંપરાના આચાર્યોએ સ્થૂળ અને સૂક્ષ્મ વિશ્વનો સંબંધ દર્શાવ્યો છે યા કાર્ય-કારણનો મેળ બેસાડ્યો છે. તે ચાર વાદો આ છે – (૧) આરંભવાદ, (૨) પરિણામવાદ, (૩) પ્રતીત્યસમુત્પાદવાદ અને (૪) વિવર્તવાદ.
-
८
-
આરંભવાદનાં સંક્ષેપમાં ચાર લક્ષણો છે – (૧) પરસ્પર ભિન્ન એવાં અનન્ત મૂળ કારણોનો સ્વીકાર, (૨) કાર્ય અને કારણનો આત્મન્તિક ભેદ, (૩) કારણ નિત્ય હો યા અનિત્ય પરંતુ કાર્યોત્પત્તિમાં તેનું અપરિણામી જ રહેવું, અને (૪) અપૂર્વ અર્થાત્ ઉત્પત્તિના પહેલાં અસત્ એવા કાર્યની ઉત્પત્તિ યા કિંચિત્કાલીન સત્તા.
પરિણામવાદનાં લક્ષણો આરંભવાદનાં લક્ષણોથી બરાબર ઊલટાં છે– (૧) એક જ મૂળ કારણનો સ્વીકાર, (૨) કાર્ય અને કારણનો વાસ્તવિક અભેદ, (૩) નિત્ય કારણનું પણ પરિણામી થઈને જ રહેવું તથા પ્રવૃત્ત થવું, અને (૪) કાર્ય માત્રનું પોતપોતાના કારણમાં અને બધાં કાર્યોનું મૂળ કારણમાં ત્રણે કાળમાં અસ્તિત્વ અર્થાત્ અપૂર્વ વસ્તુની ઉત્પત્તિનો સર્વથા ઈન્કાર.
પ્રતીત્યસમુત્પાદવાદનાં ત્રણ લક્ષણો છે – (૧) કારણ અને કાર્યનો આત્મન્તિક ભેદ, (૨) કોઈ પણ નિત્ય યા પરિણામી કારણનો સર્વથા અસ્વીકાર, અને (૩) પહેલેથી અસત્ એવા કાર્યમાત્રનો ઉત્પાદ.
વિવર્તવાદનાં ત્રણ લક્ષણો છે – (૧) કોઈ એક જ પારમાર્થિક સત્યનો સ્વીકાર જે ન તો ઉત્પાદક છે કે ન તો પરિણામી, (૨) સ્થૂલ યા સૂક્ષ્મ ભાસમાન જગતની ઉત્પત્તિનો યા તેના પરિણામનો સર્વથા નિષેધ, (૩) સ્થૂલ જગતનું અસ્તિત્વ અવાસ્તવિક યા કાલ્પનિક અર્થાત્ માયિક ભાસમાત્ર.
(૧) આરંભવાદ – આરંભવાદનું મન્તવ્ય એ છે કે પરમાણુરૂપ અનન્ત સૂક્ષ્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org